કુંભમાં ફરી લાગી ભીષણ આગ, બિહારના રાજ્યપાલ લાલજી ટંડનનો આબાદ બચાવ

PC: indiatimes.com

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. ફરી એકવાર અહીં દુર્ઘટના સર્જાઈ છે, આ દુર્ઘટનામાં બિહારના રાજ્યપાલ લાલજી ટંડન બચી ગયા છે. મંગળવારે મોડી રાત્રે કુંભમાં લાલજી ટંડનના કેમ્પમાં ભીષણ આગ લાગી હતી, આ ઘટનામાં ટેન્ટ સંપૂર્ણરીતે બળીને ખાક થઈ ગયો. જે સમયે આ ઘટના બની તે સમયે લાલજી ટંડન ટેન્ટમાં સૂતા હતા. ઘટનામાં તેમને કોઈ ઈજા પહોંચી નથી, પરંતુ તેમનો મોબાઈલ, ચશ્મા અને ઘડિયાળ તેમજ અન્ય સામાન બળી ગયા છે.

આગ લાગ્યા બાદ લાલજી ટંડનને કુંભ મેળાના સર્કિટ હાઉસમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે, તેમના ટેન્ટમાં આ આગ મોડી રાત્રે દોઢ વાગ્યે લાગી હતી અને બિહારના રાજ્યાપાલને રાત્રે સાડા ત્રણ વાગ્યે સર્કિટ હાઉસમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, લાલજી ટંડન જે ટેન્ટમાં રોકાયા હતા, તે સેક્ટર 20ના અરૈલ વિસ્તારમાં સ્થિત ત્રિવેણી ટેન્ટ સિટીમાં આવેલો છે. મળતી માહિતી અનુસાર, આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી છે. દુર્ઘટનામાં ટેન્ટ અને અન્ય સામાન બળી ગયો છે.

અગાઉ પણ સર્જીઈ હતી દુર્ઘટના

જણાવી દઈએ કે, આ અગાઉ પણ કુંભ ક્ષેત્રમાં ઘણીવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. થોડાં દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નાથ સંપ્રદાયના શિબિર ક્ષેત્રમાં આગ લાગી હતી. આ આગમાં 2 ટેન્ટ બળી ગયા હતા, જોકે કોઈને કોઈ પ્રકારનું નુકસાન પહોંચ્યુ નહોતું. આ ઉપરાંત, 15 જાન્યુઆરી, 2019ના રોજ શરૂ થયેલા કુંભના બરાબર એક દિવસ પહેલા દિગંબર અખાડાના ટેન્ટમાં આગ લાગી હતી. ત્યાં સિલિન્ડર ફાટવાને કારણે થયેલી ઘટનામાં 10 ટેન્ટ બળી ગયા હતા. આ ઉપરાંત, પણ આગ લાગવાની ઘણી ઘટનાઓ કુંભમાં બની ચુકી છે. જેને લઈ કુંભ મેળામાં સુરક્ષા વ્યવસ્થા તેમજ પ્રશાસન દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓ પર સવાલો ઊભા થઈ રહ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp