દિલ્હીની તીસ હજારી કોર્ટમાં ફાયરિંગ, વકીલો વચ્ચે ઉગ્ર દલીલ પછી થયું ફાયરિંગ

PC: hindi.bharatexpress.com

દિલ્હીની કોર્ટમાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે. તીસ હજારી કોર્ટમાં વકીલો વચ્ચે પરસ્પર ચર્ચા અને ઝઘડા બાદ ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે હવામાં ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. જો કે તણાવને જોતા ભારે પોલીસ બંદોબસ્ત સ્થળ પર ગોઠવી દેવામાં આવ્યો છે.

આ મામલામાં દિલ્હી પોલીસે જણાવ્યું કે, આજે બપોરે લગભગ 1.35 વાગ્યે શાકભાજી માર્કેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોળીબારની સૂચના મળી હતી. જ્યારે પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે જાણવા મળ્યું કે, વકીલોના બે જૂથોએ કથિત રીતે હવામાં ફાયરિંગ કર્યું હતું અને આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. હવે સ્થિતિ સામાન્ય છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે.

ફાયરિંગના વીડિયોમાં બે વકીલો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે, જેઓ બાર એસોસિએશનના પદાધિકારી પણ છે. શૂટરોમાં મનીષ શર્માનો પણ સમાવેશ થાય છે, જેઓ તીસ હજારી કોર્ટના બાર એસોસિએશનના ઉપપ્રમુખ છે. તેમજ અન્ય એડવોકેટના નામની હજુ ખબર પડી નથી. ગોળીબાર કરતી વખતે બંનેને સ્પષ્ટ જોઈ શકાય છે. આ હથિયારો તેમની પાસે લાયસન્સ હેઠળ છે કે, પછી વકીલો લાયસન્સ વગરના હથિયારો સાથે કોર્ટની અંદર ફરતા હતા, તે પોલીસની તપાસ પછી જ સ્પષ્ટ થશે. હાલ ઉત્તર જિલ્લા પોલીસ આ સમગ્ર મામલાની તપાસમાં લાગેલી છે.

આની પહેલા પણ એપ્રિલ મહિનાની શરૂઆતમાં, સાકેત કોર્ટમાં કડક સુરક્ષા હોવા છતાં, એક વ્યક્તિએ એક મહિલા પર ગોળીઓ ચલાવી હતી, ત્યારબાદ ત્યાં હંગામો થઇ ગયો હતો. વકીલોએ જણાવ્યું હતું કે, મહિલા એક કેસના સંબંધમાં કોર્ટ પરિસરમાં પહોંચી હતી અને મહિલાને મુખ્ય દરવાજાના પ્રવેશદ્વાર નજીક જ ગોળી મારી દેવામાં આવી હતી.

હુમલાખોરની ઓળખ કામેશ્વર પ્રસાદ સિંહ ઉર્ફે બિનોદ સિંહ તરીકે થઈ છે, જે એક વકીલ છે. આરોપીને એક અલગ કેસમાં કાઉન્સિલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે, હુમલાખોર વકીલે પીડિત મહિલાને 25 લાખ રૂપિયા આપ્યા હતા અને ત્યાર પછી તે મહિલા પૈસા પરત કરવામાં આનાકાની કરી હતી.

22 એપ્રિલ 2022ના રોજ રોહિણી કોર્ટમાં ફાયરિંગની ઘટના બની હતી. સુરક્ષા તપાસ દરમિયાન વકીલ અને કોર્ટની રક્ષા કરી રહેલા પોલીસકર્મી વચ્ચે બોલાચાલી થઈ હતી, ત્યારબાદ ગોળીબાર થયો હતો. આ ઘટનામાં બે વકીલોને ગોળી વાગી હતી. ગોળીબાર પછી કોર્ટ પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો.

આ પહેલા પણ રોહિણી કોર્ટમાં IED બ્લાસ્ટ થયો હતો. કોર્ટની રૂમ નંબર 102માં અચાનક બ્લાસ્ટ થયો અને ચારેબાજુ ધુમાડો થઈ ગયો. જજની સુનાવણી દરમિયાન આ વિસ્ફોટ થયો હતો. દિલ્હી સ્પેશિયલ સેલની 150 લોકોની ટીમે તેની તપાસ કરી, જે દરમિયાન એક હજાર વાહનોની તપાસ કરવામાં આવી, જે કોર્ટમાં હાજર હતા. આ પછી ભારત ભૂષણની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે, તેણે જાણીજોઈને કાવતરા હેઠળ કોર્ટ રૂમમાં IED લગાવ્યું હતું. વાસ્તવમાં તે તેના વિરોધી વકીલ અમિત વશિષ્ઠને મારવા માંગતો હતો, જે તે સમયે કોર્ટ રૂમમાં હાજર હતો.

સપ્ટેમ્બર 2021માં રોહિણી કોર્ટ પરિસરમાં થયેલા ગોળીબારમાં ખળભળાટ મચી ગયો હતો, કારણ કે તેમાં ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગીની હત્યા થઇ ગઈ હતી. તેને કોર્ટ રૂમમાં રજૂ કરવા માટે લાવવામાં આવ્યો હતો, જે દરમિયાન ત્યાં હાજર લોકોએ ગોગી પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp