દારૂ પીનારા માટે ખુશખબર આ રાજ્યએ ડ્રાય ડે 21 દિવસથી ઘટાડીને 3 દિવસ જ કરી દીધા

PC: abplive.com

દિલ્હી સરકારે જાહેર કરેલી નવી એક્સાઇઝ પોલીસીમાં હવે ડ્રાય ડેની સંખ્યામાં ઘટાડો કરીને દારૂ પીનારા લોકોને ખુશખુશાલ કરી દીધા છે. દિલ્હીમાં પહેલાં ડ્રાય ડે 21 દિવસ રહેતા હતા, જે હવે ઘટાડીને માત્ર 3 દિવસ કરી દીધા છે. લાગે છે કે બધી સરકારો આજ કાલ શરાબીઓ પર વધારે મહેરબાન થઇ ગઇ છે. તાજેતરમાં મધ્ય પ્રદેશની સરકારે દારૂ પીનારા માટે કેટલીક છુટછાટોની જાહેરાત કરી હતી.

દિલ્હી સરકાર તરફથી જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે લાયસન્સવાળી દારૂ અને અફીણની દુકાનો પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી, સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ અને 2 ઓકટોબર ગાંધી જયંતિના દિવસે બંધ રહેશે. મતલબ કે આ 3 દિવસ સિવાય બધા દિવસોમાં દારૂ પીવાની છૂટ છે.

દિલ્હી આબકારી નિયમ 2010 (52)ની  જોગવાઇ હેઠળ, 26 જાન્યુઆરી, 15 ઓગસ્ટ અને 2 ઓકટોબરના દિવસે દિલ્હીમાં દારૂના વેચાણની પરવાનગી આપવામાં નહીં આવે. જો કે આબકારી વિભાગે કહ્યું છે કે L-15 લાયસન્સ ધરાવતા હોટલ ઓપરેટરો ડ્રાય ડેના દિવસે મહેમાનોને તેમના રૂમમાં દારૂ પીરસી શકશે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ ત્રણ ડ્રાય ડે સિવાય સરકાર વર્ષમાં કોઇ પણ દિવસ ડ્રાય ડે તરીકે જાહેર કરી શકે છે.

દિલ્હી સરકારે ગયા નવેમ્બર મહિનામાં નવી આબકારી નીતીને મંજૂરી આપી હતી, જે 17 નવેમ્બરથી લાગૂ કરવામાં આવી હતી. નવી એક્સાઇઝ પોલીસીમાં નિયમોમાં કેટલાંક ફેરફાર કરવામાં આવ્યા છે. જે મુજબ દરેક વોર્ડમાં 3થી 4 દારૂની દુકાનો ખુલી રહી છે. પહેલાં 79 વોર્ડ એવા હતા જેમાં એક પણ દારૂની દુકાનો નહોતી.

દિલ્હીમાં આ પહેલાં હોળી, દિવાળી, જન્માષ્ટમી, મુહર્રમ, બકરી ઇદ, ગુડ ફ્રાઇડે, રામ નવમી, મહાવીર જયંતિ, બુધ્ધ પૂર્ણિમા, વાલ્મીકિ જંયતિ, ગુરુનાનક જયંતિ, દશેરા જેવા તહેવારોએ ડ્રાય ડે હતા.

દિલ્હી સરકારના આ નિર્ણયનો હોટલ એસોસિયેશને સ્વાગત કર્યું છે, પણ ભાજપ અને કોંગ્રેસે કેજરીવાલ સરકારની આલોચના કરીને કહ્યું છે કે આનો હેતુ રાજધાનીમાં શરાબને પ્રોત્સાહન આપવાનો છે. દિલ્હી ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે કહ્યું કે ડ્રાય ડે ઘટાડીને 3 દિવસ કરી દેવાથી કેજરીવાલ સરકારનો યુવાનોમાં ડ્રગ્સના પ્રચારક તરીકેનો ઇરાદો છતો થયો છે. દિલ્હી કોંગ્રેસના ઉપાધ્યક્ષ મુદિત અગ્રવાલે કહ્યું કે કોંગ્રેસ આ નિર્ણયનો વિરોધ કરશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp