ભારત સમગ્ર દુનિયામાં સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાંથી એક: ડૉ. હર્ષવર્ધન

PC: twitter.com/drharshvardhan

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં કોવિડ-19 માટે ઉચ્ચ સ્તરીય મંત્રીઓના સમૂહ (GoM)ની 19મી બેઠકનું આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અહીં આયોજન કરવામાં આવ્યું હતું. વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર, નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ એસ. પૂરી, જહાજ, રસાયણ અને ખાતર રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) મનસુખલાલ માંડવીયા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અશ્વિનીકુમાર ચૌબે અને ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકના પ્રારંભે GoMને ભારતમાં કોવિડ-19ની વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી. ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, ભારતમાં કોવિડની બીમારીમાંથી સાજા થનારા દર્દીઓનો આંકડો હવે 10 લાખ કરતાં વધારે થઇ ગયો છે અને તેના કારણે સાજા થવાનો દર વધીને 64.54% નોંધાયો છે. આ બતાવે છે કે, તબીબી દેખરેખ હેઠળ હાલમાં રાખવામાં આવેલા સક્રિય કેસોની સંખ્યા માત્ર 33.27% એટલે કે લગભગ કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી ત્રીજા ભાગની છે. ભારતમાં કોવિડના કારણે મૃત્યુદરમાં પ્રગતિપૂર્વક એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે અને હાલમાં આ દર 2.18% છે, જે દુનિયામાં સૌથી ઓછા મૃત્યુદરમાંથી એક છે.

ભારતમાં કોવિડના કેસોની ગંભીરતા અંગે બોલતા ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, કુલ સક્રિય કેસોમાંથી માત્ર 0.28% દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે જ્યારે, 1.61% દર્દીને ICU સપોર્ટની જરૂર છે અને 2.32% દર્દીને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. ભારતમાં પરીક્ષણની ક્ષમતામાં ઝડપથી થઇ રહેલી વૃદ્ધિ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, આજની તારીખે, ભારતમાં 1331 લેબોરેટરી (911 સરકારી લેબોરેટરી અને 420 ખાનગી લેબોરેટરી)નું નેટવર્ક છે, જેની મદદથી છેલ્લા 24 કલાકમાં 6,42,588 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સાથે, દેશમાં આજદિન સુધીમાં થયેલા કુલ પરીક્ષણની સંખ્યા 1.88 કરોડ કરતાં પણ વધારે થઇ ગઇ છે.

મંત્રીઓના સમૂહે PPE, માસ્ક, વેન્ટિલેટર અને HCQ જેવી દવાઓના સ્થાનિક સ્તરે ઉત્પાદન માટે વિવિધ ક્ષેત્રોની ક્ષમતામાં કરવામાં આવેલી વૃદ્ધિની પણ પ્રશંસા કરી હતી. આરોગ્ય દેખરેખ લોજિસ્ટિક્સના સંદર્ભમાં વાત કરીએ તો, રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો અને વિવિધ કેન્દ્રિય સંસ્થાઓને કુલ 268.25 લાખ N95 માસ્ક, 120.40 લાખ PPE અને 1083.77 લાખ HCQ ટેબલેટ (ગોળી)નું વિતરણ કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC)ના નિદેશક ડૉ. સુજિત કે. સિંહે, આ બેઠકમાં દૈનિક કેસો, મૃત્યુ અને સૌથી વધુ કેસોના ભારણ સાથે સર્વાધિક વૃદ્ધિદર ધરાવતા ટોચના 10 દેશો વિશે માહિતી આપતું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. મંત્રીઓના સમૂહને માહિતી આપવામાં આવી હતી કે, ભારતમાં એકંદરે સાજા થવાનો દર 64.54% છે, જેમાં સૌથી વધુ સાજા થવાનો દર દિલ્હીમાં 89.08% છે, જ્યારે ત્યારબાદ હરિયાણા (79.82%) છે. કર્ણાટકમાં સાજા થવાનો સૌથી ઓછો દર 39.36% છે. મંત્રીઓના સમૂહને ગ્રામીણ અને શહેરી ભારતમાં કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સ્થળ અને સક્રિય કેસોની સંખ્યા સાથે કુલ પુષ્ટિ થયેલા કેસોના વિતરણ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. NCDCના નિદેશકે સૌથી વધુ વૃદ્ધિ દર ધરાવતા 12 રાજ્યો (મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, તેલંગાણા, બિહાર, રાજસ્થાન અને આસામ); રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પરીક્ષણોની સંખ્યા અને પરીક્ષણોની પોઝિટીવિટીનો દર; તેમજ સક્રિય કેસો અને મૃત્યુના સંદર્ભમાં ટોચના 20 જિલ્લા તેમજ જિલ્લાઓમાં કન્ટેઇન્મેન્ટ ઝોન વિશે પણ મંત્રીઓના સમૂહને માહિતી આપી હતી.

તેમણે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, વધુ કેસોનું ભારણ ધરાવતા જિલ્લા/ શહેરો અને પૂણે, થાણે, બેંગલુરુ, હૈદરાબાદ વગેરે જેવા શહેરો કે જ્યાં તાજેતરમાં કેસોની ઘણી વૃદ્ધિ નોંધાઇ છે ત્યાં મૃત્યુદર ઘટાડવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. ચુસ્ત પરિસીમા નિયંત્રણ; વ્યાપક પ્રમાણમાં રેપિડ એન્ટિજેન પરીક્ષણો; સઘન અને ઘરે-ઘરે જઇને દર્દીઓની શોધખોળ; શંકાસ્પદ લોકો/ દર્દીઓ માટે વધુ આઈસોલેશન સુવિધાઓ; ઓક્સિજન સમર્થિત બેડ અને વેન્ટિલેટર સાથે પ્રમાણભૂત કેસ વ્યવસ્થાપન પ્રોટોકોલ અને સુનિયોજિત સિરો સર્વે દ્વારા વાસ્તવિક કેસોના ભારણના આકલન દ્વારા કન્ટેઇન્મેન્ટ ઝોનના અસરકારક વ્યવસ્થાપન માટે વ્યૂહનીતિમાં સુધારા જેવા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. લક્ષિત IEC અભિયાન દ્વારા જન ચેતના અને જન ભાગીદારી (સામુદાયિક સહભાગીતા) જેવા પગલાં પણ આગામી સમય માટે સૂચવવામાં આવ્યા હતા.

હળવા લક્ષણો ધરાવતા કેસોનું ભારણ હોય તેવા જિલ્લા/ શહેરોમાં, અતિ ભારણ ધરાવતા વિસ્તારોમાંથી સંક્રમણનો ફેલાવો રોકવો; સ્થાનિક સંક્રમણ પર અંકુશ; કેસોની વહેલી ઓળખ; ટેકનોલોજીનો ઉપયોગ કરીને મજબૂત સંપર્ક ટ્રેસિંગ; અને સામુદાયિક ભાગીદારી જેવી બાબતો પર પ્રયાસો કેન્દ્રિત કરવામાં આવશે.

ઓછું ભારણ ધરાવતા જિલ્લાઓ માટે, અન્ય વિસ્તારોમાંથી લોકોમાં ચેપના ફેલાવા પર નિયંત્રણ; ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી (ILI)/ ગંભીર તીવ્ર શ્વસન બીમારી (SARI) સર્વેલન્સ અને લક્ષિત પરીક્ષણ વધુ મજબૂત કરવું; સ્થાનિક પ્રશાસન દ્વારા લક્ષ્ય સાથે સઘન સંપર્ક ટ્રેસિંગ (>15-20 સંપર્કો/ કેસ); અને ઉચ્ચ જોખમ ધરાવતા લોકોમાં વહેલા બીમારીની ઓળખ વગેરે લક્ષ્ય સાથેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

DGFT અમિત યાદવે મંત્રીઓના સમૂહને કોવિડ-19 મહામારી દરમિયાન નિકાસ પર નિયંત્રણ/ પ્રતિબંધ હેઠળ લાવવામાં આવેલી વિવિધ ચીજવસ્તુઓ વિશે માહિતી આપી હતી અને તેની વર્તમાન સ્થિતિ અંગે જાણકારી આપી હતી. મંત્રીઓના સમૂહે હવાઇમથકો ખાતે અનુસરવામાં આવતા પ્રોટોકોલ વિશે અને ભારતમાં આવી રહેલા મુસાફરોના ટ્રાયજિંગમાં સુધારો લાવવા માટે પદ્ધતિસર સુધારણા અંગે ચર્ચા કરી હતી.

 

આરોગ્ય સચિવ પ્રિતિ સુદાન, MoHFWમાં વિશેષ ફરજ નિયુક્ત અધિકારી રાજેશ ભૂષણ, ફાર્મા સચિવ પી.ડી. વાઘેલા, નાગરિક ઉડ્ડયન સચિવ પ્રદીપસિંહ ખારોલા, વાણિજ્ય સચિવ અનુપ વાધવાન, કાપડ સચિવ રવિ કપૂર, ICMRના મહા નિદેશક બલરામ ભાર્ગવ, DGHS ડૉ. રાજીવ ગર્ગ, AFMSના મહા નિદેશક લેફ્ટેનન્ટ જનરલ અનૂપ બેનર્જી, MEAના અધિક સચિવ દામ્મુ રવિ, કેબિનેટ સચિવાલયના અધિક સચિવ પંકજ અગ્રવાલ, ગૃહ મંત્રાલયના અધિક સચિવ અનિલ મલિક, MoHFWના અધિક સચિવ આરતી આહુજા, ITBP, DGFT, MEA, સંરક્ષણ મંત્રાલયના પ્રતિનિધીઓ અને અન્ય વરિષ્ઠ સરકારી અધિકારીઓએ વર્ચ્યુઅલ માધ્યમથી આ બેઠકમાં ભાગ લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp