મુગલ બાદશાહના વારસદારનો લાલ કિલ્લા પરનો દાવો હાઈકોર્ટે ફગાવી દીધો
દિલ્હી હાઈકોર્ટે મુગલ બાદશાહના પ્રપૌત્રની વિધવા પત્નીની અરજી ફગાવી દીધી છે. જેમાં તેમણે લાલ કિલ્લા પર દાવો કર્યો હતો. બહાદુર શાહ ઝફર ‘દ્વિતીય’ના પ્રપૌત્રની પત્ની સુલતાના બેગમે અગાઉ આ અંગે અરજી દાખલ કરી હતી, જેને દિલ્હી હાઈકોર્ટે ડિસેમ્બર, 2021માં ફગાવી દીધી હતી. આ પછી સુલતાના બેગમે તે નિર્ણયને પડકારતી ફરી અપીલ કરી હતી. જેને હવે હાઇકોર્ટે એમ કહીને ફગાવી દીધી છે કે, અઢી વર્ષના વિલંબ પછી પડકાર દાખલ કરવામાં આવ્યો હતો, જેને માફ કરી શકાય નહીં. સુલતાના બેગમ બહાદુર શાહ ઝફરના પ્રપૌત્ર મિર્ઝા બેદર બુખ્તની વિધવા પત્ની છે. જેનું 1980માં કોલકાતામાં અવસાન થયું હતું.
મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર, દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ વિભુ બાખરુ અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની બેન્ચે સુલતાના બેગમની અપીલ ફગાવી દીધી હતી. જે તેણે ડિસેમ્બર 2021ના હાઈકોર્ટના નિર્ણય સામે દાખલ કરી હતી. કોલકાતા નજીક હાવડામાં રહેતી બેગમે જણાવ્યું હતું કે, તેણે સૌપ્રથમ 2021માં દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં આરોપ લગાવ્યો હતો કે તેના પરિવારને લાલ કિલ્લાના કબજાથી વંચિત રાખવામાં આવ્યો હતો.
તેમણે જણાવ્યું કે, 1857ની ક્રાંતિ દરમિયાન અંગ્રેજોએ બહાદુર શાહ ઝફર દ્વિતીયને દેશનિકાલ કરી દીધો હતો અને લાલ કિલ્લા પર ગેરકાયદે કબજો જમાવી લીધો હતો. ઝફર 1836થી 1857 સુધી દિલ્હીનો બાદશાહ હતો. સુલતાના બેગમે દાવો કર્યો હતો કે તેમને લાલ કિલ્લો કાયદેસર રીતે વારસામાં મળ્યો છે. તેથી, તેઓ કેન્દ્ર સરકાર દ્વારા કથિત ગેરકાયદેસર કબજા હેતુ વળતર મેળવવા માટે હકદાર છે.
સુલતાના બેગમની પ્રારંભિક અરજી 20 ડિસેમ્બર, 2021ના રોજ ન્યાયમૂર્તિ રેખા પલ્લીની અદાલતે તેને સુનાવણી માટે યોગ્ય ન ગણીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે 164 વર્ષના વિલંબના આધારે અરજી સુનાવણીને લાયક નથી. કોર્ટે વધુમાં કહ્યું હતું કે, 'જો અરજદારનો મામલો સ્વીકારવામાં આવે તો પણ સ્વર્ગસ્થ બહાદુર શાહ ઝફર દ્વિતીયને ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા ગેરકાયદેસર રીતે તેમની સંપત્તિથી વંચિત રાખવામાં આવ્યા હતા. તો પણ, 164 વર્ષથી વધુ વિલંબ પછી રિટ પિટિશન કેવી રીતે સ્વીકારવામાં આવશે?'
આ પછી, આ વર્ષે નવેમ્બરમાં, સુલતાના બેગમે 2021ના આદેશ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટની ડિવિઝન બેંચ સમક્ષ અપીલ દાખલ કરી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 'કેન્દ્ર સરકાર લાલ કિલ્લા પર ગેરકાયદેસર રીતે કબજો કરી રહી છે. જે અપીલકર્તાની વડીલોપાર્જિત મિલકત છે અને સરકાર આવી મિલકતનું વળતર કે કબજો આપવા તૈયાર નથી. જે અરજદારના મૂળભૂત અધિકારો અને બંધારણીય અધિકારોનું સીધું ઉલ્લંઘન છે.'
હાલમાં દિલ્હી હાઈકોર્ટે આ અરજી પણ ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, અઢી વર્ષના વિલંબ પછી પડકાર દાખલ કરવામાં આવ્યો હતો.
સુલતાના બેગમે જણાવ્યું કે તેના પતિ મિર્ઝા બેદર બુખ્તના મૃત્યુ પછી તે કોલકાતા ચાલી ગઈ હતી. તેણે કહ્યું કે, 'અમે તલતલામાં રહેતા હતા અને બહાદુર શાહ ઝફર દ્વિતીયના કાયદાકીય વારસદાર તરીકે તેમને મળતા પેન્શન પર આધાર રાખતા હતા, જે થોડાક રૂપિયા હતા. આ પછી, 1984માં, હું મારા બાળકો સાથે હાવડા રહેવા ગઈ. જ્યાં હું તેમણે એકલે હાથે ઉછેરવાનો પ્રયાસ કરી રહી છું. તેમના (મિર્ઝા બેદાર બુખ્ત) મૃત્યુ પછી, સમય સમય પર અલગ અલગ કામ જેવા કે, હું એક ચાની દુકાન ચલાવતી હતી, બંગડીઓ બનાવતી હતી, પરંતુ હવે ઉંમરે મને સાથ આપવાનું છોડી દીધું છે અને હું મોટાભાગનો સમય પથારીમાં જ રહું છું.'
સુલતાના બેગમે જણાવ્યું કે, બહાદુર શાહ ઝફર દ્વિતીયની કાનૂની વારસદાર હોવાને કારણે તેમને હઝરત નિઝામુદ્દીન ટ્રસ્ટ તરફથી પેન્શન મળે છે. તેમને પેન્શન તરીકે 6,000 રૂપિયા મળે છે. જેમાંથી તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે. તેણે કહ્યું, 'મારે એક દીકરો અને પાંચ દીકરીઓ છે. મારી સૌથી મોટી દીકરી 2022માં મૃત્યુ પામી. જેના કારણે અપીલ દાખલ કરવામાં વિલંબ થયો હતો. મારા બાળકો અભણ રહ્યા. તેમાંથી કોઈ પણ શાળાનું શિક્ષણ પૂર્ણ કરી શક્યું નથી અને અમે હજી પણ ગરીબીમાં જીવીએ છીએ.'
હાવડામાં ઝૂંપડા જેવા મકાનમાં રહેતી બેગમે કહ્યું કે, તેને પૈસાની સખત જરૂર છે અને તેથી જ તેણે 2021માં હાઈકોર્ટમાં અરજી કરી હતી. એ આશાએ કે, સરકાર મારી તરફ ધ્યાન આપશે અને મને આર્થિક મદદ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp