પોતે સેનામાં મેજર હોવાનું કહી શખ્સે આ રીતે લોકો પાસેથી કરોડો ઉલેચી લીધા

PC: siasat.com

સત્યનું સાતત્ય હોય છે એ રીતે ખોટાનો અંત પણ હોય છે. ક્યારેક પાયો ખોટો હોય તો પરિણામ પણ ગંભીર ભોગવવું પડે છે. હૈદરાબાદ પોલીસે શનિવારે એક એવા શખ્સની ધરપકડ કરી જે પોતાને સૈન્યમાં મેજર હોવાનું લોકોને કહેતો હતો. લગ્નની વાત કરીને તેણે 17 પરિવારો પાસેથી રૂ. 6.61 કરોડની છેત્તરપિંડી કરી છે. તેણે કુલ 17 મહિલાઓ અને એના પરિવારજનોને ચૂનો લગાવ્યો છે. પોલીસે હાલ આ વ્યક્તિની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

આરોપીનું નામ મધુવન શ્રીનું નાયક ઉર્ફે શ્રીનિવાસ ચૌહાણ છે. જે આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લાના કેલ્લમપલ્લી ગામમાં રહે છે. પોલીસે તેની પાસેથી ત્રણ પિસ્તોલ, સૈન્યના ત્રણ જોડી કપડાં, એક આર્મીનું નકલી આઈકાર્ડ અને બીજા કેટલાક ડૉક્યુમેન્ટ મળી આવ્યા છે. પોલીસે એની પાસેથી રૂ.85,000 સિવાય પણ અન્ય ત્રણ કાર પણ જપ્ત કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે, તે ધો.9 પાસ છે પણ એની પાસે પોસ્ટ ગ્રેજ્યુએશનની નકલી ડિગ્રી છે. એની પત્નીનું નામ અમૃતા દેવી છે. એનો એક દીકરો ઈન્ટરમીડિએટ ફાઈનલ યરનો વિદ્યાર્થી છે. એનો પરિવાર આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લામાં રહે છે. પણ તે હૈદરાબાદ આવીને સૈનિકપુર-જવાહરનગરમાં રહેતો હતો. તેણે પોતાના પરિવારને કહ્યું હતું કે, એને ઈન્ડિયન આર્મીમાં નોકરી મળી ગઈ છે અને તે મેજર બની ગયો છે. પોલીસે ઉમેર્યું કે, તેણે શ્રીનિવાસ ચૌહાણ નામથી એક ખોટું આધારકાર્ડ તૈયાર કરાવ્યું હતું. તેણે પોતાની જન્મતારીખ 12.7.1979ના બદલે 27.7.1986 બતાવી છે. એની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, તે મેરેજ બ્યૂરો અને સંબંધીઓની મદદથી એવા પરિવારની શોધ કરતો જેમાં દીકરીઓના લગ્ન કરવાના હોય.

ત્યાર બાદ તે પોતાનું આર્મીનું નકલી કાર્ડ વાપરી રમકડાની પિસ્તોલની મદદથી પરિવારને પોતાની માયાજાળમાં ફસાવી લેતો હતો. તે કહેતો કે, તે નેશનલ ડિફેન્સ એકેડમીમાંથી ગ્રેજ્યુએટ થયો છે. આર્મીની હૈદરાબાદ રેન્જમાં મેજર છે. છેત્તરપિંડીના પૈસાથી તેણે સૈનિકપુરીમાં એક મકાન, ત્રણ કાર અને આરામદાયક જીવન માટેના સાધનો ખરીદ્યા હતા. શનિવારે બાતમીદાર પાસેથી મળી ચોક્કસ જાણકારીને આધારે પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી કાયદેસરના પગલાં લીધા છે. પોલીસ આ કેસમાં બીજા કેટલા પરિવાર સાથે છેત્તરપિંડી કરી છે એની સઘન પૂછપરછ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp