26th January selfie contest

ત્રણ વર્ષથી ડોન દાઉદ ઈબ્રાહિમનો અવાજ સાંભળવા રાહ જોઈ રહી છે એજન્સીઓ

PC: mangalorean.com

દેશનો મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઈબ્રાહિમની ત્રણ વર્ષથી બોલતી બંધ છે. અર્થાત સુરક્ષાના કારણોસર તે કોઈ સાથે ફોન પર વાત કરતો નથી. જાસુસી એન્જસીઓ એનો એક અવાજ સાંભળવા માટે રાહ જોઈ રહી છે. દાઉદનો અંતિમ ફોનકોલ દિલ્હી પોલીસે નવેમ્બર 2016માં ટ્રેક કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે એ સમયે ફોન ઈન્ટરસેપ્ટ કરીને 15 મિનિટ સુધી તેનું મોનિટરિંગ કર્યું હતું. આ ફોન પછીથી રેકોર્ડ કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે આ કોલ કરાંચીના નંબરથી કેન્દ્રીય એજન્સીની મદદથી રેકોર્ડ કર્યો હતો.

દક્ષિણ એશિયાનો સૌથી કુખ્યાત ગુનેગાર અને ડી કંપનીનો બોસ એ સમયે પોતાના એક સાથી મિત્રો સાથે વાત કરી રહ્યો હતો. જોકે, તેનો ભારતમાં સાથી મિત્ર કોણ છે એની ઓળખ થઈ શકી નથી. દિલ્હી પોલીસના એક IPS અધિકારીએ જણાવ્યું હતું કે, ફોન પરની વાતચીત પરથી એવું લાગી રહ્યું હતું કે, તેણે ખૂબ દારુ પીઘો છે. કારણ એનો અવાજ તતડાતો હતો. આ એક અંગત વાતચીત હતી. એની વાતમાં ખાસ કોઈ એવું ઈનપુટ ન હતું. આ ઉપરાંત કોઈ પ્લાન કે કાવતરાનો પણ ઉલ્લેખ ન હતો. જ્યારે આ વાતચીત સામે આવી ત્યારે ઈન્ટેલિજન્સ બ્યૂરો અને રૉના અધિકારીઓ પણ જોડાયા હતા.

જોકે, રૉ પાસે દાઉદના ફોનના ઘણા બધા ઈન્ટરસેપ્ટ અને એમના વાક્યો રેકોર્ડ થયેલા છે. જેમાં દિલ્હી પોલીસના અધિકારી નીરજ કુમાર તરફથી જૂન 2013 રેકોર્ડ કરવામાં આવેલો અવાજ સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો. વર્ષ 1994થી દાઉદનો પીછો કરતા અધિકારી નીરજકુમારે કહ્યું હતું કે, સ્પોર્ટ્સ ફિક્સિંગના મામલામાં એક તપાસ દરમિયાન અમે દાઉદનો અવાજ સાંભળ્યો હતો. જેમાં કેટલાક ક્રિક્ટરો પણ આ ચૂંગાલમાં ફસાયા હતા. નીરજ કુમારે દાઉદના સહયોગી દિવંગત ઈકબાલ મીર્ચી સામેની એક તપાસમાં ઓપરેશન પ્લાન કર્યું હતું. નીરજ કુમારે કહ્યુ હતું કે, હું દાઉદની વાતચીત જે 2016માં થઈ હતી એના પર કોઈ પ્રકારની ટિપ્પણી નહીં કરી શકું. પણ દિલ્હી પોલીસ જુદા જુદા ડોન સાથે ડી કંપનીના સાથીનો સંપર્ક અંગેના કોલ રેકોર્ડ કરવા માટે સક્ષમ છે. સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર મધ્ય પૂર્વ અને યુરોપમાં ડી કંપનીના કારોબાર પર બ્રેક મારવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ તરફથી સારી એવી સક્રિયતા દાખવી હતી.

ત્યાર બાદ દાઉદ અને તેના ભાઈ અનીસ ઈબ્રાહીમ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી બચી રહ્યા છે. બને ત્યાં સુધી તેઓ કોઈ પ્રકારના મોબાઈલ ફોન પર વાત કરતા નથી. એટલું જ નહીં મુંબઈના પ્રભાવશાળી ઉદ્યોગપતિઓને ઘમકી આપી ખંડણી માટેના શકીલના કોલ પણ ઓછા થઈ ગયા છે. દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, તેઓ બને ત્યાં સુધી કોઈ ફોન કોલ્સનો ઉપયોગ કરતા જ નથી. એટલે એનો અર્થ એ નથી કે, તેમણે પોતાનો અડ્ડો કરાંચીથી બદલી દીધો છે. અમારી પાસે એટલા પુરાવાઓ છે કે, જે પુરવાર કરે છે કે, દાઉદ અને તેનના સાથી હજુ સુધી પાકિસ્તાનથી પોતાની યોજનાઓ તથા કાવતરાઓને અંજામ આપી રહ્યા છે. વર્ષ 2014-15માં ભારતીય જાસુસી એજન્સીઓએ સતત ટેલિફોન પર દાઉદનો અવાજ સાંભળ્યો હતો. જેમાં તે દુબઈમાં જમીનના એક સોદામાં પોતાના સાથી જાવેદ અને અન્ય એક જાણકાર સાથે વાતચીત કરી રહ્યો છે.

સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, તે કરાંચી શહેરથી દુબઈ સ્થિત પોતાના સાથી મિત્રો સાથે વાતચીત કરતો હતો. પશ્ચિમી કેટલીક એજન્સીઓએ દાઉદનો ફોન ટેપ કરવામાં ભારતીય એજન્સીઓની મદદ કરી હતી. આ વાત પછીથી મીડિયામાં લીક થઈ ગઈ હતી. આ વાતચીત પરથી ખ્યાલ આવ્યો હતો કે, ભારતનો મોસ્ટ વોન્ટેડ બીમાર પડ્યો છે. તે હ્દયની બીમારીથી પીડા ભોગવી રહ્યો છે અને કરાંચીની હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો છે. પણ તેના ભાઈ અનીસ ઈબ્રાહિમે આ વાતને ફગાવી દીધી હતી. સ્પષ્ટ નકારો કર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી તે ફોન પર વાત પણ કરતો નથી. જેના કારણે ભારતીય જાસુસી એજન્સીઓ પરેશાન થઈ છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp