LOC નજીક ફાયરિંગનો ભારતીય સૈન્યએ આપ્યો જડબાતોડ જવાબ, 6 આતંકી કેમ્પો કર્યા નષ્ટ

PC: firstpost.com

જમ્મુના પૂંછ જિલ્લામાં LOC નજીક છેલ્લા ત્રણ દિવસથી સમયાંતરે થતા ફાયરિંગ સામે ભારતીય સૈન્યએ જડબાતોડ જવાબ આપ્યો છે. રવિવારે મોડી રાત્રે એક પ્લાન બનાવીને શાહપુર સેક્ટર બહાર પાકિસ્તાનમાં સૈન્યએ આતંકીઓના છ અડ્ડાઓનો ખાતમો બોલાવ્યો હતો. જેમાં 2 પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા હોવાના રિપોર્ટ છે. જ્યારે અનેક આતંકીઓ ઈજાગ્રસ્ત થયા છે. મોડી રાત સુધી ચાલેલા આ ઑપરેશનને કારણે ઈન્ડો-પાક. બોર્ડર વિસ્તારમાં વાતાવરણ ભયાનક બની ગયું હતું.

સામે પારથી આતંકીઓ તોપ અને મોર્ટાર મારાથી કીરણી, કસબા, શાહપુર અને ગુનતરિયા સેક્ટરમાં આવેલા ભારતીય સૈન્યના મહત્ત્વના બેઝકેમ્પ અને ચોકીઓ પર ગોળીબાર કરી રહ્યા હતા. જેમાં એક સ્થાનિક નાગરિક પણ ઈજાગ્રસ્ત થયો હતો. આ ઉપરાંત આ તમામ વિસ્તારના અનેક નાના-મોટા મકાનને નુકસાન થયું હતું. રિપોર્ટમાંથી મળતી વિગત પ્રમાણે, સામે પારની સેના બપોરના સમયે શાહપુર વિસ્તારમાં આવેલી ભારતીય ચોકી પર ફાયરિંગ કરવા લાગી હતી. ત્યારબાદ કીરણી, કસબા અને ગુનતરિયા સેક્ટરમાં પણ ફાયરિંગ શરુ થઈ ગયું. જેમાં મોર્ટારથી મારો કરવામાં આવ્યો હતો.

ઈજાગ્રસ્ત નાગરિકને સ્થાનિક રાજા સુખદેવસિંહ જિલ્લા હોસ્ટિપલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ચારેય સેક્ટરમાં થોડા થોડા સમયમાં ફાયરિંગ થતું રહ્યું. જેની સામે જવાબ આપવા માટે ભારતીય સૈન્યએ પ્લાન બનાવ્યો હતો અને મોડીરાત્રે ઑપરેશન શરૂ કર્યું હતું. જેમાં છ જેટલા આતંકી અડ્ડાઓ નષ્ટ થઈ ગયા હતા. બે આતંકીઓ પણ મરાયા હતા. ફાયરિંગના માહોલમાં પાકિસ્તાની એમ્બ્યુલન્સ ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ જતી હોવાનું જોવા મળ્યું હતું. આખી રાત ચાલેલા ફાયરિંગમાં ભારતીય સૈન્યએ કેટલાક સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી હતી. આમ આતંકીઓનો પૂંછ સેક્ટરમાં ઘુસવાનો પ્લાન નિષ્ફળ નીવડ્યો હતો.

સ્થાનિકઓએ જણાવ્યું હતું કે, સામે પારથી પાકિસ્તાને ટોપથી મારો રવિવારે જ શરુ કરી દીધો હતો. જેના મોટા અવાજને કારણે અનેક વિસ્તારો પ્રભાવિત થયા હતા. કેટલાક મકાનોમાં પણ તિરાડ પડી હતી. હાલના સમયમાં કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જેથી LOCની આસપાના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. તેથી જે વિસ્તારોમાં ઓછો બરફ પડ્યો છે એ વિસ્તારમાંથી આતંકીઓ ઘૂસણખોરી કરવાની ફિરાકમાં હોય છે. 370ની કલમ દૂર થયા બાદ અનેક વિસ્તારોમાં સૈન્ય પર ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે, જેનો ભારતીય સૈન્ય જડબાતોડ જવાબ આપી રહી છે. શનિવારે રફિયાબાદ, બારામુલામાંથી એક આતંકી અડ્ડા પરથી ભારે માત્રામાં દારુગોળો મળી આવ્યો હતો. આ વિસ્તારમાં આતંકી છુપાયા હોવાની બાતમી મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp