રાજસ્થાનમાં પાયલટની સાથે અન્યાય યથાવત, કોંગ્રેસે સત્તા ગુમાવી પણ જૂથવાદ નથી હટતો

PC: aajtak.in

પહેલા હરિયાણા અને પછી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી મંથન કરવામાં વ્યસ્ત છે, પરંતુ રાજસ્થાનમાં વર્ષોથી ચાલી રહેલ પાર્ટીના આંતરિક મુદ્દાનો ઉકેલ આવી રહ્યો નથી. સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચે ચાલી રહેલ આંતરિક સંઘર્ષ રહી રહીને બહાર આવી રહ્યા છે. રાજધાની જયપુરમાં સોમવારે રાજ્ય કોંગ્રેસ સમિતિની બેઠકમાં આ મુદ્દો ફરી એકવાર સામે આવ્યો છે. અહીં સભાના બેનરોમાંથી કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને પૂર્વ DyCM સચિન પાયલટનો ફોટો ગાયબ થવાને લઈને ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આ મુદ્દો ત્યારે ઉભો થયો જ્યારે કોંગ્રેસના કેટલાક સભ્યોએ બૅનરમાંથી પાયલટની તસવીર ગાયબ થવા પર નારાજગી વ્યક્ત કરી. આ મામલો પ્રથમ રાજ્ય સચિવ નરપત મેઘવાલે ઉઠાવ્યો હતો. ત્યાર પછી વિભા માથુરે પણ સચિન પાયલટની તસવીર ગાયબ થવા પર સવાલ ઉઠાવ્યા હતા. પૂર્વ CM શિવચરણ માથુરની પૌત્રી અને પાયલોટ સમર્થક વિભા માથુરે આ ચર્ચામાં ભાગ લીધો હતો અને સખત વાંધો વ્યક્ત કર્યો હતો. વિભા માથુરે દલીલ કરી હતી કે, 'જ્યારે કોઈ મોટા નેતાની તસવીર નથી ત્યારે પાર્ટીને મજબૂત કરવાની વાત કેવી રીતે કરી શકાય?' તેમણે સવાલ કર્યો કે બેનરમાં પૂર્વ CM અશોક ગેહલોતની તસવીર કેમ છે, સચિન પાયલટની કેમ નહીં?

ત્યાર પછી ઉગ્ર બોલાચાલી થઈ હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગોવિંદ સિંહ ડોટાસરાએ બેનર ડિઝાઇન પાછળનું કારણ પ્રોટોકોલ હોવાનો ઉલ્લેખ કરીને નિર્ણયનો બચાવ કર્યો હતો. ડોટાસરાએ ટીકાને નકારી કાઢી હતી, જણાવ્યું હતું કે પોસ્ટરો પરના ફોટોગ્રાફ્સ કોંગ્રેસના માર્ગદર્શિકાને અનુસરે છે અને સભ્યોને પક્ષની એકતા પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું, 'જો કોઈ નેતાઓની તસવીરો બતાવવા માંગે છે, તો તેઓ તેમના કાર્યક્રમોમાં એવું કરી શકે છે.'

આ વિવાદ એક બેનરથી શરૂ થયો હતો, જેમાં કેન્દ્રીય અને રાજ્ય સ્તરે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની તસવીરો મુખ્ય રીતે દર્શાવવામાં આવી હતી, પરંતુ સચિન પાયલટને તેમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. આ મુદ્દાને સંબોધતા ડોટાસરાએ આ ઘટનાને ઓછા મહત્વની બતાવીને તેને આંતરિક બાબત ગણાવી. તેમણે કહ્યું, 'તેઓએ તેમની ચિંતા વ્યક્ત કરી અને અમે તેમની તે ચિંતાને સ્વીકારી.'

અહીં તમને જણાવી દઈએ કે, રાજસ્થાન વિધાનસભા ચૂંટણી સમયે પણ સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચેના મતભેદને કારણે કોંગ્રેસને મોટું નુકસાન થયું હતું અને સત્તા પણ ગુમાવવી પડી હતી. ભારતીય જનતા પાર્ટીને 115 અને કોંગ્રેસને 69 બેઠકો મળી હતી. જ્યારે 2018ની ચૂંટણીમાં કોંગ્રેસ 100 બેઠકો સાથે રાજ્યમાં સત્તા પર હતી. બીજી તરફ BJP પાસે માત્ર 73 બેઠકો હતી. ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી રાજકીય વિશ્લેષકોએ કોંગ્રેસની હાર પાછળ આંતરિક કલહને મુખ્ય કારણ ગણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp