સૈફનો હુમલાખોર વ્યક્તિ અસલી કે નકલી? ઘણા પ્રશ્નો, 7 પુરાવા..એક સત્ય...

મુંબઈના બાંદ્રા સ્થિત સદગુરુ શરણ એપાર્ટમેન્ટમાં અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરવાના આરોપમાં મુંબઈ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. તેનું નામ મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ ઉર્ફે વિજય દાસ હોવાનું કહેવાય છે. પોલીસનો દાવો છે કે, તેણે જ સૈફ પર ઘાતક હુમલો કર્યો હતો. પરંતુ આ ધરપકડ સાથે જ સવાલો ઉભા થવા લાગ્યા કે, પોલીસે પકડેલો વ્યક્તિ હુમલાખોર નથી. હુમલાખોર અને પકડાયેલ વ્યક્તિ અલગ છે.
આ પ્રશ્ન ઉઠાવવા પાછળનું સૌથી મોટું કારણ એ CCTV ફૂટેજ છે જેમાં સૈફ પર હુમલો કરનાર વ્યક્તિ દેખાય છે. આ CCTV ફૂટેજ પોલીસે સૈફના એપાર્ટમેન્ટમાંથી જપ્ત કર્યા છે. લોકોનું કહેવું છે કે, શરીફુલ ઇસ્લામ તે ફોટાથી એકદમ અલગ દેખાય છે. એટલા માટે લોકોને પોલીસની કાર્યવાહી પર શંકા છે. પરંતુ આ પ્રશ્નનો જવાબ પણ પોલીસ તપાસમાં છુપાયેલો છે કે, શું જે વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે તે વ્યક્તિ જ અસલી હુમલાખોર નથી?
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, હુમલો કરનાર ગુનેગાર અને ધરપકડ કરાયેલા આરોપીના ચહેરા, આંખો, હોઠ, કપાળ અને ભ્રમરની રચના સંપૂર્ણપણે અલગ છે. ધરપકડ કરાયેલ વ્યક્તિનું કપાળ લાંબુ છે. તેની ભ્રમર વચ્ચેનું અંતર ઓછું છે, જ્યારે CCTV ફૂટેજમાં દેખાતા ગુનેગારનું કપાળ નાનું છે. તેની ભ્રમર વચ્ચે ઘણું અંતર છે. બંનેના ચહેરાના રંગમાં પણ ઘણો ફરક છે. ત્યાં સુધી કે, બંનેના વાળની સ્ટાઇલમાં પણ ઘણો તફાવત છે.
તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે, આવા કિસ્સાઓમાં ફોરેન્સિક તપાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, સૈફના એપાર્ટમેન્ટમાંથી લેવામાં આવેલા ફિંગરપ્રિન્ટ્સ ધરપકડ કરાયેલા આરોપી શરીફુલથી મેચ થઇ ગયા છે. ફોરેન્સિક ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસ પુષ્ટિ કરી રહી છે કે, પોલીસે સાચા ગુનેગારની ધરપકડ કરી છે. સૈફ અલી ખાનના ઘરમાં પ્રવેશવા માટે જે પાઇપ દ્વારા તે ચઢ્યો હતો, તેના પર પણ તેના ફિંગરપ્રિન્ટ્સ મળી આવ્યા છે. હવે પ્રશ્ન એ છે કે, બંને ફોટા વચ્ચે આટલો ફરક કેમ છે?
હુમલાખોર જે CCTV ફૂટેજમાં દેખાય છે તેની બ્રાઇટનેસ વધારવા માટે પોલીસે ઘણા ફિલ્ટર્સનો ઉપયોગ કર્યો. આ કારણે, આ તસવીરમાં હુમલાખોરના ચહેરાનો રંગ ગોરો દેખાય છે. ધરપકડ કરાયેલ ગુનેગાર રંગે ઘેરો દેખાય છે. આવું ફિલ્ટર્સના ઉપયોગને કારણે હોઈ શકે છે.
જે લોકો એમ કહી રહ્યા છે કે, બે ગુનેગારોની આંખો, નાક, કપાળ અને ભ્રમર મેળ ખાતા નથી, તેઓ કદાચ એ કારણ હોઈ શકે કે, CCTV ફૂટેજનો ફોટો ઉપરના ખૂણાથી લેવામાં આવ્યો છે અને ધરપકડ કરાયેલા ગુનેગારનો ફોટો સામેથી લેવાયેલો છે. જ્યારે ઉપરથી કોઈ વ્યક્તિનો ફોટો લેવામાં આવે છે અને સામેથી બીજો ફોટો લેવામાં આવે છે, ત્યારે બે ફોટા વચ્ચે ચોક્કસપણે થોડો તફાવત હોય છે. આ કેમેરાના એંગલને કારણે થાય છે. શક્ય છે કે આ કિસ્સામાં પણ આવું જ બન્યું હોય. આ કારણે બંને ગુનેગારોની ઊંચાઈ ઓછી કે વધુ દેખાઈ રહી છે.
આ બે તસવીરોમાં આરોપીના વાળ અલગ અલગ છે. શરીફુલના વાળ ટૂંકા છે, જ્યારે CCTV ફૂટેજમાં દેખાતા ગુનેગારના વાળ લાંબા છે. આનાથી પણ લોકોમાં શંકા જાગી રહી છે. આ અંગે પોલીસનું કહેવું છે કે, સૈફ પર હુમલો કર્યા પછી, શરીફુલ સવારે દાદર પશ્ચિમથી મુંબઈના વરલી કોલીવાડા વિસ્તારમાં ગયો હતો. તેણે ત્યાં એક દુકાનમાં વાળ કપાવ્યા. એટલા માટે બંને તસવીરોમાં ગુનેગારના વાળ અલગ અલગ દેખાય છે.
બાંગ્લાદેશમાં, શરીફુલ ઇસ્લામના પિતા રુહુલ અમીને દાવો કર્યો છે કે, સૈફ પર હુમલો કરનાર ગુનેગાર તેમનો પુત્ર નથી. CCTV કેમેરા ફૂટેજમાં દેખાતો વ્યક્તિ કોઈ બીજો જ છે. તેમના દીકરાએ ક્યારેય લાંબા વાળ રાખ્યા નથી. તેની હેરસ્ટાઇલ લશ્કરના સૈનિકો જેવી હતી. તેમણે કહ્યું કે, તેઓ ટૂંક સમયમાં તેમના પુત્રની મુક્તિ માટે તેમના દેશના વિદેશ મંત્રાલય અને ભારતીય ઉચ્ચાયોગનો સંપર્ક કરશે. તેમના પુત્રને ફસાવવામાં આવી રહ્યો છે.
શરીફુલ ઇસ્લામની ધરપકડ કર્યા પછી, મુંબઈ પોલીસે ગુનાના સ્થળે મળેલા ફિંગરપ્રિન્ટ્સ સાથે તેના ફિંગરપ્રિન્ટ્સ મેચ કર્યા, અને તે મેચ થઇ ગયા.
શરીફુલે માહિતી આપ્યા પછી, મુંબઈ પોલીસે બાંદ્રા નજીકના તળાવમાંથી તૂટેલા ચાકુનો બાકીનો ભાગ શોધી કાઢ્યો, જે અડધો ભાગ તૂટી ગયો હતો અને સૈફના શરીરમાં રહી ગયો હતો. આરોપીઓએ આ ચાકુથી અભિનેતા પર હુમલો કર્યો હતો.
ઘટનાની રાત્રે સૈફ અલી ખાનના ઘરની આસપાસ અને અંદર શરીફુલના મોબાઇલ નંબરનું લોકેશન પણ જોવા મળ્યું હતું, આ પણ એક મોટો પુરાવો છે.
ગુનો કર્યા પછી, પોલીસે તે સલૂન માલિકનું નિવેદન નોંધ્યું છે, જ્યાં શરીફુલ ઇસ્લામે ગુનો કર્યા પછી વાળ કાપ્યા હતા.
ધરપકડ કરતા પહેલા પોલીસે શરીફુલ જે લોકોને મળ્યા હતા અને વાત કરી હતી તે બધાની પણ પૂછપરછ કરી છે. તેણે કહ્યું કે ઘટના પછી શરીફુલ ખૂબ જ ડરી ગયો હતો.
મુંબઈ પોલીસે ગુનાના સ્થળેથી શરીફુલની ટોપી મળી આવી છે, જેમાં આરોપીના વાળ ફસાયેલા છે. તેને DNA પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસને આશા છે કે આ નમૂનો પણ ચોક્કસપણે મેચ થઇ જશે.
હવે શરીફુલની ઓળખ પરેડ હજુ થવાની બાકી છે, જે તેના જેલમાં ગયા પછી જ થશે. શક્ય છે કે સૈફ અને આયા આલિયામા ફિલિપ તેને ચોક્કસપણે ઓળખશે. વાસ્તવમાં, TIP એક મહત્વપૂર્ણ કાનૂની પ્રક્રિયા છે, જેમાં એ સ્પષ્ટ થાય છે કે, સાચા આરોપીની ધરપકડ કરવી જોઈએ કે નહીં. એટલા માટે જ્યાં સુધી પીડિત આરોપીની ઓળખ ન કરે ત્યાં સુધી તેનો ચહેરો જાહેર કરવામાં આવતો નથી. પરંતુ મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતાં, તેની તસવીરો જાહેર થઈ ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp