ખાપ પંચાયતે છેડતીનો વિરોધ કરનારી સગીર બાળકીઓને જ આપી સજા, કર્યો અમાનવીય વ્યવહાર

PC: timesofindia.indiatimes.com

બિહારના મધુબનીથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં ફરી એકવાર માનવતાને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ગામમાં બોલાવવામાં આવેલી ખાપ પંચાયતમાં બે નાબાલિક યુવતીઓના વાળ કાપવામાં આવ્યા અને તેના ભાઈને ઢોર માર મારવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, પીડિતાનો ભાઈ તેની બહેનના વાળ કાપવાનો વિરોધ કરી રહ્યો હતો. ઘટના બાદ પીડિતાના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

રિપોર્ટ અનુસાર, ઝંઝારપુરના એક ગામમાં બગીચામાં બે નાબાલિક છોકરીએ પાંદડા વીણી રહી હતી. ત્યારે બે દબંગ છોકરાઓએ તેમની છેડતી કરવાનો પ્રયાસ કર્યો. તેનો છોકરીઓએ વિરોધ કરતા નારાજ દબંગોએ ગામમાં ખાપ પંચાયત બોલાવી. ખાપ પંચાયતે પોતાનું ફરમાન સંભળાવતા બંને પીડિત યુવતીઓને જ દોષી જાહેર કરી તેમને સજા સંભળાવી હતી. પંચાયતે પહેલા બંને બહેનોને ચરિત્રહીન જાહેર કરી તેમના વાળ કાપી નાંખ્યા હતા.

એટલું જ નહીં, પરંતુ તે લોકોએ નાબાલિક યુવતીઓને માર પણ માર્યો હતો. રિપોર્ટ અનુસાર, આ ઘટનાને નાબાલિક યુવતીઓનો ભાઈ જોઈ રહ્યો હતો, અને તેણે પંચાયતના નિર્ણયનો વિરોધ કર્યો તો તેને ઢોર માર મારવામાં આવ્યો અને તેને બેહોશીની હાલતમાં રસ્તા પર જ ફેંકી દેવામાં આવ્યો.

ઘટના અંગે બંને યુવતીઓએ જણાવ્યું હતું કે, પંચાયતે તેમને ગંદી-ગંદી ગાળો આપી, વાળ કાપ્યા તેમજ ડંડા વડે માર માર્યો. આ અંગે પીડિતાના પિતાએ પોલીસ સ્ટેશનમાં 12 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જોકે પીડિતાના પિતાનો આરોપ છે કે, પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp