26th January selfie contest

કોલ સેન્ટરના માલિકો શુક્રવારને કતલની રાત કેમ કહે છે, જાણો 

PC: pymnts.com

આપણા પૈકી ઘણાને ફોન આવે કે ફલાણી બેંકમાંથી બોલું છું, તમને ઈનામ લાગ્યું છે. તમારું ATM કાર્ડ બદલાઈ રહ્યુ છે, વગેરે વગેરે કહી ડરાવી-ધમકાવી એકાઉન્ટમાંથી પૈસા પડાવી લેવામાં આવે છે. આ પ્રકારના કોલ સેન્ટરો દિલ્હી અને બિહારમાં પુષ્કળ પ્રમાણમાં ચાલી રહ્યા છે. આ કોલ સેન્ટરો ભારતીયોને મૂર્ખ બનાવી પૈસા પડાવે છે, જ્યારે અમદાવાદ-મુંબઈ અને પૂણે જેવા શહેરમાં ચાલતા કોલ સેન્ટરો વિદેશમાં વસતા વિદેશીઓને તેમનું સિટિઝન કાર્ડ કેન્સલ થઈ જશે તેવી ધમકી આપી લાખો ડોલર પડાવી રહ્યા હોવાની જાણકારી અમેરિકન પોલીસને મળતા હવે અમદાવાદના કોલ સેન્ટરો પણ તવાઈ આવી છે. પરંતુ પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત પ્રમાણે કોલ સેન્ટરોના માલિકો માટે શુક્રવારની રાતને કતલની રાત કહેતા હતા કારણ શુક્રવારે કોલ સેન્ટરોને અઢળક કમાણી થતી હતી.

2016મા મુંબઈના ક્રાઈમ બ્રાન્ચે અને ત્યાર બાદ હાલમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પાડેલા દરોડા દરમિયાન જે માહિતી બહાર આવી છે તે ચોંકાવનારી છે, જેમાં અમેરિકામાં વસતા નાગરિકોને કાયદાનો ખૂબ ડર લાગે છે, કારણ ત્યાંના કાયદા ખૂબ કડક છે, જેનો ફાયદો આ કોલ સેન્ટરના માલિક ઉઠાવતા હતા. અમેરિકામાં 90 ટકા લોકો એક અથવા બીજા પ્રકારની લોન લેતા હોય છે અને તેમની જિંદગી હપ્તાઓ ઉપર ચાલતી હોય છે, જેઓ હપ્તા ફરી શકતા નથી અથવા જેઓ એક પણ હપ્તો ચૂકી જાય તેમનું નામ ડીફોલ્ટરની યાદીમાં મૂકી દેવામાં આવે છે. અમેરિકામાં આ પ્રકારની ડીફોલ્ટર થયેલાની યાદી અમેરિકા કેટલાક લેભાગુઓ અમદાવાદના કોલ સેન્ટરને મોકલી આપે છે. એક હજાર લોકોની યાદી એકસોથી પાંચસો ડોલરમાં મળી જાય છે.

આ યાદીમાં જેમના નામ સરનામા અને ફોન નંબર છે તેમને કોલ સેન્ટરમાંથી ફોન કરવામાં આવતા હતા, ફાકડુ અને અમેરિકન અંગ્રેતી બોલી શકતા કોલરો ડીફોલ્ટરને ફોન કરી ધમકાવવાની શરૂઆત કરે અને તેમનું સિટિઝન કાર્ડ રદ કરવાની ધમકી આપે. અમેરિકાના નાગરિક માટે સિટિઝન કાર્ડ બહુ મહત્ત્વનું હોય છે. તેથી તે ડરી તેનો બાકી હપ્તો ભરવા તૈયાર થઈ જાય. જો અમેરિકન પૈસા ભરવા તૈયાર થાય તો તેને અમેરિકાના જ બેંક એકાઉન્ટરનો નંબર આપવામાં આવતો હતો. આ પ્રકારના બે એકાઉન્ટ માટે અમેરિકાનો નાગરિકત્વની જરૂર હોય છે. કોલ સેન્ટરવાળા આ પ્રકારનું બેંક એકાઉન્ટ ખોલાવવા માટે સ્થાનિક અમેરિકનનો ઉપયોગ કરતા હતા, જેને મર્ચન્ટ એકાઉન્ટ કહેવામાં આવે છે. કોલ સેન્ટરના ફોનથી ડરી ગયેલો નાગરિક તે એકાઉન્ટમાં પૈસા જમા કરાવે એટલે જેના નામનું એકાઉન્ટ છે તેને 30 ટકા હિસ્સો મળતો હતો અને બાકીના 70 ટકા તે અમદાવાદ અને મુંબઈના કોલ સેન્ટરને મોકલી આપતા હતા.

અમેરિકા જેવા દેશોમાં દર શુક્રવારે પગાર થાય છે અને શનિ-રવિ રજા હોય છે. આ વાતની જાણકારી કોલ સેન્ટરોને હતી, જેના કારણે શુક્રવારે પગાર આવે તે જ દિવસે ખાસ કરી ફોનનો મારો કરવામાં આવતો હતો. શુક્રવારે પગાર થયો હોવાને કારણે અમેરિકન નાગરિક પોતાની પાસે પૈસા હોવાને કારણે પુરી તપાસ કર્યા વગર ધમકીને વશ થઈ ચોક્કસ એકાઉન્ટમાં પૈસા જમા કરી દેતો હતો, જેના કારણે કોલ સેન્ટરો શુક્રવારને કતલની રાત કહેતા હતા. કોલ સેન્ટર એક હજાર વ્યક્તિને ફોન કરે તેમાંથી પાંચસોથી સાતસો વ્યક્તિ ડરીને પૈસા આપી દેતી હતી. આ કોલ સેન્ટરો તમામ ગેરકાયદે ચાલતા હતા અને રોજની લાખોની આવક થતી હતી જેની જાણકારી ગુજરાતના ચોક્કસ પોલીસ અધિકારીઓને થતાં તેઓ અથવા તેમના સંતાનો અથવા તેમના સગાઓ આ કોલ સેન્ટરના ભાગીદાર થઈ ગયા હતા. પોલીસ અધિકારી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે કોલ સેન્ટરના ભાગીદાર હોવાને કારણે કોલ સેન્ટરના માલિકમાંથી પોલીસનો ડર જતો રહ્યો હતો.

પરંતુ આ મામલે FBI દ્વારા પોતાના લુંટાઈ રહેલા નાગરિકો લૂંટનાર સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરતા હવે પોલીસે તે અભિયાનમાં જોડાઈ જવું પડ્યું છે.

(પ્રશાંત દયાળ)

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp