માત્ર ડાયલ કરો આ નંબર અને રાત્રિના સમયે મહિલાઓને સુરક્ષિત ઘરે પહોંચાડશે આ પોલીસ

PC: jagran.com

પહેલા દિલ્હીમાં નિર્ભયા કેસ અને હવે હૈદરાબાદમાં ડૉક્ટર સાથેના દુષ્કર્મના કેસથી સમગ્ર દેશ હચમચી ગયો છે. સૌ પ્રજાજનોનો આક્રોશ સાતમા આસમાને છે. પોલીસની કામગીરી પર અનેક સવાલ ઊઠી રહ્યા છે. એવામાં દેશના લુધિયાણા શહેરની પોલીસે એક મહત્ત્વનો એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. ચંદીગઢની જેમ હવે લુધિયાણામાં પણ રાત્રિના સમયે જરુરિયાતમંદ મહિલાઓને પોલીસ પૂરતી સુરક્ષા પૂરી પાડશે. આ માટે મહિલા હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ પોલીસે એક ટીમની પણ રચના કરી છે. જેને શક્તિ નામ આપવામાં આવ્યું છે. આ ટીમમાં પાંચ મહિલાઓ રહેશે. ખાસ કરીને શૈક્ષણિક સંકુલ વ્યવસાયિક સંસ્થાનોની આસપાસ આ ટીમ ફાળવવામાં આવશે.

જો મહિલા રાત્રિના સમયે રસ્તા પર એકલી હશે અને ઘરે જવા માટે રીક્ષા કે કેબમાં જવા ડર લાગતો હશે તો પોલીસ તેમની સાથે જશે. આવી સ્થિતિમાં હેલ્પલાઈન નંબર 1091 અથવા 7837018555 પર કોલ કરીને પોલીસની મદદ માંગવાની રહેશે. આ નંબર સીધો જ કંટ્રોલ રુમમાં જશે અને મહિલાને તેનું લોકેશન પૂછવામાં આવશે. ત્યારબાદ પોલીસ ટીમ આવી પહોંચશે. PCR વાન, કંટ્રોલરુમની ગાડીઓ અથવા મહિલા પોલીસ ટૂકડીના અધિકારીઓની ગાડી જે-તે સ્થળ પર પહોંચીને મહિલાને શોધશે. પછી ઘરે મૂકવા માટેની તૈયારી શરુ થશે.

રાત્રિના 10.00 વાગ્યાથી લઈને સવારના 6.00 વાગ્યા સુધી આ ટીમ પેટ્રોલિંગ કરશે. સાથોસાથ એકલી મહિલાની મદદે પણ આવશે. માત્ર ગાડીઓ જ નહીં પણ ટુ વ્હિલર્સ ઉપર પણ આ ટીમ દોડશે. જ્યાં જેવું લોકેશન એ પ્રમાણે સુરક્ષા વ્યવસ્થા આગળ વધશે. માત્ર રાત્રિના સમયે જ નહીં પણ કોઈ જગ્યાએ, ઓફિસમાં કે ઘરમાં, મોલમાં કે થિએટર્સમાં જ્યાં પુરુષ દ્વારા છેડતી કે અણછાજતું વર્તન કરવામાં આવશે ત્યાં એક્શન લેવા માટે આ મહિલા પોલીસ હેલ્પલાઈન યુવતીઓની મદદ કરશે. આ સમગ્ર પહેલનું સંચાલન મહિલા પોલીસ એસપીના હાથમાં રેહશે. રોડ સાઈડ રોમિયો અને ટપોરી કક્ષાના યુવાનો માટે પોલીસે આ એક મહત્ત્વનું અભિયાન શરુ કર્યું છે.

પોલીસે મહિલાઓની સુરક્ષા માટે એક શક્તિ એપ્લિકેશન પણ ડિઝાઈન કરી છે. જે મહિલાના મોબાઈલમાં ઈન્સ્ટોલ કરવવામાં આવી રહી છે. આ માટે પોલીસે એક ખાસ સેમિનારનું પણ આયોજન કર્યું હતું. આ એપ્લિકેશનની મદદથી મહિલા ફોનનંબર કે ફોટો અપલોડ કરી શકે છે. જેને પોલીસ તરફથી સ્કેન કરવામાં આવશે. ત્યારબાદ એક્શન લેવાશે. જેથી શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ વધુ સુરક્ષા બંદોબસ્ત લાગુ કરી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp