રાહુલ અને પ્રિયંકા ગાંધીના ભવિષ્યને લઈને મણિશંકર ઐયરે આપી કોંગ્રેસને સલાહ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે જેઓ હંમેશા પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે અવારનવાર સમાચારોમાં છવાયેલા રહે છે, તેમણે તેમની જીવનચરિત્ર 'અ મેવેરિક ઇન પોલિટિક્સ'નો બીજો ભાગ બહાર પાડ્યો છે. જેમાં તેમણે કોંગ્રેસનું ભવિષ્ય અને ગઠબંધનની રાજનીતિ સહિત અનેક મહત્વના મુદ્દાઓ પર પણ વાત કરી છે. આ રીતે અય્યરે પોતાની રાજકીય જીવનચરિત્ર તેમજ કોંગ્રેસ સાથે જોડાયેલી ઘણી બાબતોનો પર્દાફાશ કર્યો છે. આ દરમિયાન, પુસ્તક પર ચર્ચા કરતી વખતે અય્યરે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીની તુલના નેહરુ અને પટેલની જોડી સાથે કરી હતી. અય્યરે કહ્યું કે, જે લોકોએ સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે લખ્યું છે તેઓએ નહેરુ અને પટેલની પ્રશંસા કરી છે. તેઓએ લખ્યું હતું કે, આ જોડીએ જ દેશની સ્થાપના કરી અને શાસન કર્યું. તે સમયના નિષ્ણાતોએ બંનેને એકબીજાના પૂરક ગણાવ્યા હતા.
મણિશંકર ઐયરે મીડિયા સૂત્રને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, 'પ્રિયંકા ગાંધી છેલ્લા 6 અઠવાડિયાથી સાંસદ છે. હવે અમે તેમનામાં ભવિષ્ય જોઈએ છીએ. નેહરુ અને પટેલની જોડીએ દેશને ઉભો કર્યો હતો. મને ખાતરી છે કે રાહુલ અને પ્રિયંકાની જોડી પણ એ પ્રકારે જ હશે. મને લાગે છે કે આ બંને આગામી 30 વર્ષ માટે કોંગ્રેસનો ચહેરો હશે. મને બંને વચ્ચે કોઈ સ્પર્ધા દેખાતી નથી. એ લોકોએ નક્કી પણ કર્યું હશે કે કેવી રીતે આમાં કેવી રીતે રહેવું. રાહુલ ગાંધી પરિવાર તરફથી કોંગ્રેસનો ચહેરો હશે, પરંતુ પ્રિયંકા ગાંધી પાર્ટીમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. તેમને અલગ કરવાનો કોઈપણ પ્રયાસ સફળ થશે નહીં. ભવિષ્યમાં આપણે રાહુલ ગાંધી અને પ્રિયંકાની કોંગ્રેસ જોઈશું.'
કોંગ્રેસ નેતાએ ઈન્ટરવ્યુમાં પાર્ટીને એક સલાહ પણ આપી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસે એવું ન વિચારવું જોઈએ કે તેમના સિવાય કોઈ અન્ય નેતા INDIA ગઠબંધનનું નેતૃત્વ કરી શકશે નહીં. તેમણે કહ્યું, 'આ સમયે આ બહુ મહત્વનો પ્રશ્ન નથી. તેમ છતાં હું કહીશ કે, કોંગ્રેસે INDIA બ્લોકના નેતાનું પદ છોડવા માટે તૈયાર રહેવું જોઈએ. જેને નેતા બનવું હોય તેને બનવા દેવા જોઈએ. CM મમતા બેનર્જી પાસે આ કરવાની ક્ષમતા છે. અન્ય નેતાઓ પાસે પણ એલાયન્સનું નેતૃત્વ કરવા માટે તાકાત અને જરૂરી પ્રતિભા છે. તેથી, હું માનું છું કે, INDIA ગઠબંધનનું નેતૃત્વ કોણ કરે છે તે મહત્વનું નથી. કોંગ્રેસ ચોક્કસપણે કેન્દ્રીય ભૂમિકામાં રહેશે. મને લાગે છે કે, જો રાહુલ ગાંધી હવે મહાગઠબંધનના વડા ન હોય તો પણ તેમનું સન્માન વધુ કરવામાં આવશે.'
અહીં તમને જણાવી દઈએ કે, મણિશંકર અય્યરે હાલમાં જ કહ્યું હતું કે, જો ગાંધી પરિવારે તેમનું કરિયર બનાવ્યું તો બગાડ્યું પણ તેણે જ. તેમણે કહ્યું કે તેઓ લાંબા સમયથી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે વાત કરી શક્યા નથી. PM નરેન્દ્ર મોદી પર વાંધાજનક ટિપ્પણી કરવા સહિત આવા ઘણા નિવેદનો આવ્યા છે, જ્યારે ઐયરે કોંગ્રેસને જ ફસાવી દીધી હતી. એવું માનવામાં આવે છે કે, તેઓ સતત વિવાદોમાં ફસાયા રહેતા હોવાથી પાર્ટીએ તેમનાથી અંતર બનાવી રાખ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp