લોકડાઉનના ડરથી શ્રમિકોનું ફરી પલાયન, ટ્રેનના આ 5 ફોટો જોઇને ગંભીરતા સમજાશે

PC: timesnownews.com

લોકડાઉનના ડરને પગલે ફરી એકવાર પ્રવાસી મજૂરોનું પલાયન શરૂ થઈ ગયું છે. આ લોકો પોતાના ઘરે પાછા જઈ રહ્યા છે. મુંબઈમાં લોકમાન્ય તિલક ટર્મિનસ સ્ટેશન પરથી યુપી જનારી ટ્રેનોમાં પગ મુકવાની પણ જગ્યા નથી. જનરલ ડબ્બાઓમાં તો લોકો એકબીજાની ઉપર સવાર થઈને યાત્રા કરી રહ્યા છે. પુણે અને નાગપુરમાં પણ આ જ હાલત છે. આ ટ્રેનો સુપર સ્પ્રેડર બની શકે છે અને સંક્રમણનું જોખમ ઘણું વધારી શકે છે.

LTT સ્ટેશન પર ટ્રેનોના જનરલ ડબ્બાઓમાં ક્ષમતા કરતા બે ગણા વધુ લોકો દેખાઈ રહ્યા છે. લોકો ડબ્બાઓમાં યોગ્યરીતે ઊભા પણ નથી રહી શકતા. મોટાભાગના ચહેરા માસ્ક અથવા કપડાંથી ઢંકાયેલા હતા, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન આ સ્થિતિમાં અસંભવ હતું. સીટો અને ફ્લોર પર જગ્યા ના મળી તો લોકો છતો પર ચાદર બાંધીને બેસી ગયા. ગોરખપુર જઈ રહેલી ટ્રેનમાં તો લોકો ગેટ પર લટકીને પણ પ્રવાસ કરવા માટે તૈયાર હતા.

લખનૌ જઈ રહેલા એક પ્રવાસીનું કહેવું હતું કે, લોકડાઉનની આશંકાને પગલે કામ નથી મળી રહ્યું. અહીં શું કરશું, એટલે પાછા જઈ રહ્યા છીએ. સંક્રમણની પહેલી લહેર બાદ આ વર્ષે જાન્યુઆરીમાં બારાબંકીથી મુંબઈ પાછો આવેલો રામેશ્વર ફરી પોતાના ઘરે જઈ રહ્યો છે. જતા પહેલા તેણે જણાવ્યું હતું કે, થોડાં દિવસ એક પ્રાઈવેટ કપડાંની ફેક્ટરીમાં કામ મળ્યું, પરંતુ 4 દિવસ પહેલા કંપનીના માલિકે નોકરીમાંથી કાઢી મુક્યો. હવે ઘરે પાછા જવા સિવાય કોઈ રસ્તો નથી. તો ઘણા બધા પ્રવાસીઓનું કહેવું હતું કે, ગત વખતની જેમ ચાલતા પાછા ઘરે જવા કરતા આ રીતે ટ્રેનમાં ઊભા-ઊભા 30-35 કલાકનો પ્રવાસ કરી લેવો વધુ યોગ્ય છે.

લાંબા અંતરની ટ્રેનોમાં અચાનક વધતી ભીડનું એક કારણ યુપીની પંચાયત ચૂંટણીઓ પણ છે. ઉત્તર પ્રદેશમાં 14 એપ્રિલથી 28 એપ્રિલ સુધી ચાર ચરણોમાં પંચાયત ચૂંટણી થવાની છે. મોટી સંખ્યામાં લોકો પોતાના ઉમેદવારોને વોટ આપવા માટે ગામ રવાના થવા માગે છે. આ જ કારણ છે કે, યુપી બિહાર તરફ જતી તમામ ટ્રેનોમાં વેઈટિંગ લિસ્ટ વધી ગયું છે.

કોંગ્રેસ નેતા સંજય નિરુપમ LTT સ્ટેશન પહોંચ્યા. તેઓ લોકોને સમજાવવા માટે ગયા હતા. તેમણે કહ્યું- લોકોમાં લોકડાઉનનો ડર છે. ટ્રેનમાં જે ભીડ છે, તેમાં સંક્રમિત થશે અને તેઓ બીજા રાજ્યોમાં કોરોના ફેલાવશે. જ્યારે તેઓ પાછા આવશે ત્યારે શું કોરોના ભાગી જશે? મજૂરો પર લોકડાઉન આફત બનીને આવી ગયું છે. તેને કારણે બેરોજગારી વધશે. જેટલું જલ્દી બને, સરકારે લોકડાઉનનો નિર્ણય પાછો લેવો જોઈએ.

આટલી ભીડને જોતા રેલવેએ અપીલ કરી છે કે, ટ્રેનોમાં ટિકિટના બુકિંગને લઈને ફેલાઈ રહેલી અફવાઓથી ગભરાવાની જરૂર નથી. રેલવે ગરમીઓની રજાઓમાં વધુ વિશેષ ટ્રેનો ચલાવે છે. લોકોને અપીલ છે કે, તેઓ મહામારીને ધ્યાનમાં રાખીને સ્ટેશનો પર ભીડ ના કરે. ટ્રેન ઉપડવાના 90 મિનિટ પહેલા જ સ્ટેશન પર પહોંચે. ટિકિટ લેનારાઓને જ પ્રવાસ કરવાની પરવાનગી છે. કોવિડ પ્રોટોકોલનું ધ્યાન રાખો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp