ટ્રેનમાં જતા મંત્રીનો ફોન ચોરાયો, પોલીસે 4 ટીમ બનાવી કલાકોમાં ચોરને પકડ્યો

ટ્રેનની મુસાફરી દરમિયાન, ઉત્તર પ્રદેશ સરકારના વન અને પર્યાવરણ મંત્રી અરુણ કુમારનો મોબાઇલ ફોન ચોરાઈ ગયો. રાજ્યમંત્રી બરેલીથી લખનઉ જઈ રહ્યા હતા અને A1 કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. મોબાઇલ ચોરી અંગે રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ પછી આરોપી ટ્રેનમાં જ પકડાઈ ગયો. પોલીસે તેને જેલમાં મોકલી દીધો છે.
સોમવારે સાંજે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી ડૉ. અરુણ કુમાર પંજાબ મેઇલ દ્વારા બરેલીથી લખનઉ જવા રવાના થયા. કોચ A1માં ચાર સીટો તેમના માટે અનામત રાખવામાં આવી હતી. શાહજહાંપુર પસાર કર્યા પછી, મંત્રીએ તેમનો ફોન તપાસ્યો પણ તે મળ્યો નહીં. જ્યારે તેમણે સુરક્ષા ગાર્ડ્સને પૂછ્યું, ત્યારે મોબાઇલની તપાસ કરવામાં આવી.
જ્યારે મોબાઇલ ન મળ્યો, ત્યારે રેલવે અધિકારીઓ અને કંટ્રોલ રૂમને માહિતી આપવામાં આવી. મંત્રીના ફોનની ચોરીની માહિતી મળતાં, શાહજહાંપુર, હરદોઈ, લખનઉ અને બરેલીમાં RPF અને GRPને એલર્ટ કરવામાં આવ્યા હતા. તરત જ પોલીસની ટીમોએ મંત્રીના મોબાઇલ શોધવાનું શરૂ કર્યું.
આ કેસમાં વનમંત્રી ડૉ. અરુણ કુમારે જણાવ્યું હતું કે, બરેલી અને શાહજહાંપુર વચ્ચે ટ્રેનમાં ઊંઘ આવી ગઈ હતી. જ્યારે મેં શાહજહાંપુર પસાર થયા પછી જોયું તો ત્યાં મોબાઈલ નહોતો. અધિકારીઓને માહિતી આપી. GRPએ મોબાઇલ ફોન જપ્ત કર્યો.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, મંત્રીના મોબાઈલ ઉપરાંત, આરોપીઓ પાસેથી વધુ બે ફોન મળી આવ્યા છે. એવું કહેવાય છે કે, ચોરીની માહિતી મળતાની સાથે જ RPF અને GRPને સતર્ક કરવામાં આવ્યા હતા. આ મામલાની તપાસ માટે 4 ટીમો તૈનાત કરવામાં આવી હતી. પોલીસે આરોપીને શાહજહાંપુર અને લખનઉ વચ્ચે અટકાયતમાં લીધો.
આરોપીની ઓળખ સાહિલ તરીકે થઈ છે, જે નૈનિતાલના વનભુલપુરા વિસ્તારના ગોજાજલીનો રહેવાસી છે. આ કેસ શાહજહાંપુર GRP પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. કેસ નોંધાયા પછી, આરોપીની ધરપકડ કરવામાં આવી અને ત્યાર પછી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો.
આ પહેલા 16 જાન્યુઆરીએ UPના CM યોગી આદિત્યનાથના સલાહકાર અવનીશ અવસ્થીની માતાનું પર્સ ચોરાઈ ગયું હતું. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, કોઈ અજાણ્યા વ્યક્તિએ લખનઉથી પર્સ ચોરી લીધું હતું. આ કેસ 21 જાન્યુઆરીએ મેટ્રોપોલિટન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો.
પીડિતા, ઉષા અવસ્થી, ગોમતી નગરના વિજય ખંડની રહેવાસી છે. તેમણે કહ્યું કે તે કોઈ કામ માટે પોલીસ લાઇનમાં ગઈ હતી. આ દરમિયાન કોઈએ તેમનું પર્સ ચોરી લીધું. તેના પર્સમાં 10 હજાર રૂપિયા, એક ATM કાર્ડ અને ઘરની ચાવીઓ હતી. થોડા સમય પછી, બેંકમાંથી તેના મોબાઇલ પર કેટલાક સંદેશા આવ્યા, જેમાં જાણવા મળ્યું કે, તેના ખાતામાંથી દસ-દસ હજાર એમ કરીને કુલ 1 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે. તેમણે તરત જ બેંકમાં ફરિયાદ નોંધાવી, ત્યારપછી તેમનું કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp