વરરાજા વગર લગ્ન કરાવીને 20થી વધુ કન્યાને સર્ટિફિકેટ આપ્યા! સમૂહ લગ્નમાં 'રમત'
ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનામાં છેતરપિંડીનો મામલો સામે આવ્યા પછી અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે. આરોપ છે કે, ગયા મહિને અહીં આયોજિત લગ્ન કાર્યક્રમમાં 20થી વધુ દીકરીઓના લગ્ન વરરાજા વગર કરવામાં આવ્યા હતા. આ અંગે ફરિયાદીએ IGRS મારફતે સમાજ કલ્યાણ મંત્રીને ફરિયાદ કરી છે. તેણે દાવો કર્યો છે કે, છોકરીઓના લગ્ન વર વગર 10,000 રૂપિયાની લાંચ લઈને કરવામાં આવ્યા હતા અને તેમને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું.
આ મામલાને ગંભીરતાથી લેતા કૌશામ્બીના DM મધુસુદન હુલગીએ તપાસના આદેશ આપ્યા છે. આ ઉપરાંત જો આરોપો સાબિત થશે તો છેતરપિંડીની રમતમાં સંડોવાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે. હાલ આ મામલો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
અહીં તમને જણાવી દઈએ કે, સિરાથુ તાલુકાના મીઠાપુર સાયરા સ્થિત બાબુ સિંહ ડિગ્રી કોલેજમાં 23 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના હેઠળ એક લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200થી વધુ છોકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા. સમૂહ લગ્ન કાર્યક્રમમાં કડા બ્લોકના સાયરા મીઠાપુર, અંદાવા, શહઝાદપુર અને સિરાથુ બ્લોકના કોખરાજ, બિદનપુર, ભદવા વગેરે ગામોના વર-કન્યાએ ભાગ લીધો હતો.
આ મુખ્યમંત્રી સમૂહ લગ્ન કાર્યક્રમમાં BJPના જિલ્લા અધ્યક્ષ ધરમરાજ મૌર્ય, રાજ્ય મહિલા આયોગના સભ્ય પ્રતિભા કુશવાહા, સિરાથુ બ્લોકના મુખ્ય પ્રતિનિધિ લવકુશ મૌર્ય અને જિલ્લાના અન્ય ઉચ્ચ અધિકારીઓએ પણ ભાગ લીધો હતો.
ફરિયાદી DS મૌર્યએ IGRS પોર્ટલ દ્વારા સમાજ કલ્યાણના સ્વતંત્ર પ્રભારી સાથે રાજ્ય મંત્રીને ફરિયાદ કરતી વખતે જણાવ્યું હતું કે, 20થી વધુ છોકરીઓના વરરાજા સમૂહ લગ્ન કાર્યક્રમમાં આવ્યા ન હતા. પરંતુ સિરાથુ અને કડા બ્લોકના મદદનીશ વિકાસ અધિકારી (સમાજ કલ્યાણ)એ 10,000 રૂપિયા લઈને લગ્ન કરાવ્યા.
આરોપ છે કે, ગરીબ છોકરીઓના લગ્નની ફાઇલો મદદનીશ વિકાસ અધિકારીઓ દલાલો દ્વારા તૈયાર કરાવે છે. દરેક કપલ પાસેથી 3 થી 5 હજાર રૂપિયાનું ફંડ એકત્ર કરવામાં આવે છે. જે છોકરીઓના વરરાજા વિદેશમાં પૈસા કમાવવા જાય છે અને લગ્ન સમારોહમાં હાજરી આપી શકતા નથી તેમના પાસેથી 10,000 રૂપિયાની મોટી રકમ લેવામાં આવે છે.
તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, જો કોઈ અરજદાર પોતે જ સમૂહ લગ્નની ફાઈલ ઓનલાઈન લાવે તો તેની ફાઈલમાં કોઈને કોઈ ખામી કાઢીને તેને નીકાળી દેવામાં આવતી હતી. મજબૂરીમાં તે દલાલો પાસે જાય છે. આ પછી, મોટી રકમ લઈને પછી ફાઇલનો સમાવેશ કરાવવામાં આવતો હતો.
DS મૌર્યએ સિરાથુ અને કડા બ્લોકના સહાયક વિકાસ અધિકારીઓ સામે તપાસ કરીને કડક કાર્યવાહીની માંગ કરી છે. હવે જોવાનું એ રહે છે કે, ફરિયાદીના આરોપમાં કેટલી સત્યતા છે. આ ઉપરાંત તપાસ કર્યા પછી જો આરોપ સાચો સાબિત થશે તો આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે અથવા તો તપાસ ચાલુ છે નું નાટક કરીને ક્લીનચીટ આપવામાં આવશે.
આ સમગ્ર મામલે DM મધુસુદન હુલગીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી સમૂહ લગ્ન સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કરાવવામાં આવે છે. સામૂહિક લગ્ન કરવા માંગતા લોકો પાસેથી અરજીઓ લેવામાં આવે છે. બધું જ ઓનલાઈન થાય છે. ત્યાર પછી તપાસ પણ થાય છે. લગ્નના દિવસે પણ કપલ્સની તપાસ કરવામાં આવે છે. બંને પરિવારોની તમામ વિગતો તપાસવામાં આવે છે. તે પછી જ મંજૂરી મળે છે. તેમ છતાં જો કોઈ કેસ અમારા ધ્યાનમાં આવે તો અમે તે દંપતીની તપાસ કરાવીએ છીએ. જો કોઈ વર-કન્યા ન આવ્યા હોય તો અમે લગ્ન કરાવી નાખીએ એવું શક્ય નથી. જો આવો કોઈ મામલો સામે આવ્યો છે તો અમે તેની ફરી તપાસ કરીશું. જેટલા લોકોએ લગ્ન કર્યા છે, તે જ ક્રમમાં વિભાગમાંથી ચુકવણી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp