'સાસુ તેની પુત્રવધૂ પાસેથી ભરણપોષણ મેળવવા હકદાર', હાઇ કોર્ટે આવું કેમ કહ્યું
![](https://khabarchhe.com/uploads/mc_path/1734513932High1.jpg)
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પુત્રવધૂએ તેની સાસુને ભરણપોષણ ચૂકવવું તેવો આદેશ આપ્યો હતો. ફેમિલી કોર્ટે વિધવા મહિલાની અરજીને ફગાવી દીધી હતી અને તેને તેની સાસુને 10,000 રૂપિયા વચગાળાનું ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે, સાસુ તેની પુત્રવધૂ પાસેથી ભરણપોષણ મેળવવા માટે હકદાર છે, કે જે પુત્રવધૂએ તેના પતિના મૃત્યુ પછી દયાના આધારે નોકરી મેળવેલી છે.
અરજદારે હાઈકોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, તેના પતિ કપૂરથલાની રેલ કોચ ફેક્ટરીમાં કોન્સ્ટેબલ હતા અને માર્ચ 2002માં સેવામાં હતા ત્યારે તેમનું અવસાન થયું હતું. ત્યારબાદ 28 જાન્યુઆરી 2005ના રોજ અરજદારને જુનિયર ક્લાર્કની પોસ્ટ પર રહેમરાહે નિમણૂક આપવામાં આવી હતી અને ત્યારપછી તે તેના પિયર ચાલી ગઈ હતી.
2022માં, તેની સાસુએ અરજદાર પાસેથી ભરણપોષણ મેળવવા માટે CrPC ની કલમ 125 (હવે BNSSની કલમ 144) હેઠળ અરજી દાખલ કરી અને માર્ચ 2024માં, તેને દર મહિને 10,000 રૂપિયાનું વચગાળાનું ભરણપોષણ આપવામાં આવ્યું.
અરજદારના વકીલે હાઈકોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, તેના મૃત પતિના માતા-પિતાને પાંચ બાળકો છે અને તેઓ તેના પર નિર્ભર નથી. અરજદારના વકીલે કહ્યું, 'રહેમરાહે નિમણૂક મેળવ્યા પછી, અરજદાર તેના પુત્ર સાથે તેના પિયર ચાલી ગઈ હતી. તે સિંગલ મધર તરીકે બાળકનો ઉછેર કરી રહી છે. અરજદારના પતિનું 2002માં અવસાન થયું હતું અને અરજદારની 2005માં જુનિયર ક્લાર્ક તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જો કે, પ્રતિવાદીએ લગભગ 20 વર્ષના વિલંબ પછી 2022માં ભારણપોષણની માંગ કરતી અરજી દાખલ કરી.'
વકીલે વધુમાં કહ્યું કે, 'આ ઉપરાંત, CrPCની કલમ 125 (હવે BNSSની કલમ 144) મુજબ સાસુને તેની પુત્રવધૂ પર નિર્ભર ગણી શકાય નહીં.'
જો કે, પ્રતિવાદીના વકીલે દલીલ કરી હતી કે, અરજદારને જુનિયર ક્લાર્કના પદ પર એટલે નિયુક્ત કરવામાં આવી હતી, કારણ કે તેના પતિ, અને પ્રતિવાદીના પુત્રનું ચાલુ નોકરી દરમિયાન અવસાન થયું હતું અને રહેમરાહે નિમણૂક આપવાનો હેતુ અચાનક ઉભી થયેલી નાણાકીય કટોકટીને દૂર કરી પરિવારને મદદ કરવાનો હતો. સાસુના વકીલે કહ્યું, 'આ રીતે, એકવાર તેણે રહેમરાહે નિમણૂક સ્વીકારી લીધા પછી, અરજદારને પ્રતિવાદીના મૃત પુત્રના સ્થાને ગણવામાં આવવી જોઈએ અને તે તેના આશ્રિતને જાળવવા માટે જવાબદાર છે.'
કેસની સુનાવણી કર્યા પછી, જસ્ટિસ હરપ્રીત સિંહની સિંગલ બેન્ચે કહ્યું, 'તે સ્પષ્ટ છે કે CrPCની કલમ 125 (હવે BNSSની કલમ 144) તેની સાસુની જાળવણી માટે પુત્રવધૂ પર કોઈ જવાબદારી લાદતી નથી. જો કે, અરજદારને RCF દ્વારા રહેમરાહે નોકરી આપવામાં આવી હતી. રહેમરાહે નિમણૂક આપવા પાછળનો ઉદ્દેશ્ય પરિવારનું ભારણપોષણ કરનારના મૃત્યુ પછી પરિવારને આર્થિક સંકટનો સામનો કરવામાં મદદ કરવાનો છે.'
બેન્ચે વધુમાં જણાવ્યું હતું કે, 'પ્રતિવાદીના પતિનું પિટિશન ફાઈલ થયાના થોડા સમય પહેલા અવસાન થયું હતું અને તેમના અવસાન પછી પ્રતિવાદી, જે 60 વર્ષથી વધુ ઉંમરના છે, તેમને ટેકો આપનાર કોઈ નથી. પ્રતિવાદીને ત્રણ બાળકો છે, તેનો પુત્ર (પ્રવીણ કુમાર સૈની) ગુજરી ગયો છે, તેની પુત્રી પરિણીત છે અને તેનો બીજો પુત્ર રિક્ષાચાલક છે જેણે તેના ગંભીર રીતે બીમાર બાળકની સંભાળ લેવાની છે. આવી સ્થિતિમાં, તેના જીવતા પુત્રોમાંથી કોઈ પણ તેની મૂળભૂત જરૂરિયાતોની કાળજી લેવા માટે સક્ષમ નથી.'
ખંડપીઠે કહ્યું, 'અરજદારને તેની હાલની નોકરી રહેમરાહે આપવામાં આવી હોવાથી, તે પ્રતિવાદીની સંભાળ રાખવા માટે જવાબદાર છે, કારણ કે તેણે તેના મૃત પતિની જગ્યાએ નોકરી લીધી છે. આ કોર્ટ એક માતાની દુર્દશાથી વાકેફ છે અને અરજદારને માત્ર રહેમરાહે નિમણૂકનો લાભ મેળવવા અને તેની સાથે આવતી જવાબદારીઓને ટાળવાની મંજૂરી આપી શકાતી નથી. રેકોર્ડ્સ દર્શાવે છે કે અરજદાર દર મહિને રૂ. 80,000ની સારી એવી કમાણી કરે છે. આવી સ્થિતિમાં, અરજદાર પ્રતિવાદીને ભરણપોષણ તરીકે દર મહિને 10,000 રૂપિયા આરામથી ચૂકવી શકે એમ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp