નરેશ પટેલ ક્યારે ખોલશે પોતાના કાર્ડ? કોંગ્રેસ કે ભાજપ? કોને કરશે સપોર્ટ?

PC: https://www.facebook.com/NareshPate

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું ઘમ્મરવલોણું ચાલી રહ્યું છે. પાટીદાર અનામત આંદોલનનો હવે ફૂગ્ગો ફૂટવાની અણી પર છે. હાર્દિકની તથાકથિત સીડીએ પાટીદાર અનામત આંદોલનની કેડ ભાંગી નાંખી છે જેનો સીધો ફાયદો ભાજપને મળશે એમાં બેમત નથી.

નરેશ પટેલ શું કરશે? તેના પર સમગ્ર પાટીદાર સમાજની નજર મંડાયેલી છે. હાલ તો નરેશ પટેલ તરફથી કોઈ પ્રતિભાવ મળી રહ્યા નથી. મોબાઈલ નંબર તેમની ઓફિસ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તાજેતરમાં પાટીદાર સમાજનાં અનેક આગેવાનો અને સમાજસેવીઓ ખોડલધામ આવ્યા હતા. તે વખતે તમામ આગેવાનોએ એકી અવાજે નરેશ પટેલને સક્રીય રાજકારણમાં જોડાવા ભારપૂર્વકનાં સૂચન કર્યા હતા. નરેશ પટેલ તેલ અને તેલની ધાર જોઈ રહ્યા છે. તેમનું અકળ વલણ સમાજ અને યુવાનો માટે મૂંઝવણ જન્માવી રહ્યું છે.

નરેશ પટેલ કોને સપોર્ટ કરશે તે પ્રશ્ન પણ મહત્વનો છે. ચર્ચાતી વાત મુજબ જે સેવાભાવી, સમાજહિતલક્ષી હશે તેને સપોર્ટ કરવામાં આવશે પરંતુ આનાથી કોઈ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું નથી કે ખરેખર નરેશ પટેલ કોની તરફ ઢળશે. ભાજપ-કોંગ્રેસ, એમ કોને સપોર્ટ કરશે તે કહેવું હાલ ઉતાવળીયું ગણાશે. જોકે, ખોડલધામને સંબંધ છે ત્યાં સુધી ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબને પટેલના તેઓ નિકટનાં મનાય છે. આ ઉપરાંત કેશુભાઈ પટેલને પણ નરેશ પટેલ માટે ભારોભાર લાગણી છે. આ સ્થિતિમાં નરેશ પટેલ ભાજપ તરફ જઈ શકે છે.

જ્યારે પાટીદાર સમાજ સંલગ્ન અનામત આંદોલનને લઈ ચાલી રહેલા ઘમાસાણમાં નરેશ પટેલ માટે ધર્મસંકટ તો છે જ કે કોંગ્રેસને ટેકો આપવો કે કેમ? આ રહસ્ય પરથી તો નરેશ પટેલ પોતે જ પડદો ઉંચકી શકે એમ છે. ફેમિલીનાં સભ્યોએ નરેશ પટેલને રાજકારણથી દુર રહેવાની સલાહ આપી હોવાની જાણકારી મળી રહી છે. જ્યારે ગુજરાત અને પાટીદાર સમાજનાં યુવાનોમાં તીવ્ર લાગણી છે નરેશ પટેલે ભાજપ કે કોંગ્રેસ, ગમે ત્યાંથી સક્રીય રાજકારણમાં આવવું જોઈએ.

પાટીદાર સમાજ હાલ ત્રિભેટે આવીને ઉભું થઈ ગયું છે. સબળ અને સાલસ નેતૃત્વની જરૂર છે ત્યારે સમાજનાં મોભીઓએ નરેશ પટેલ તરફ નજર દોડાવી છે તેની પાછળનું કારણ જોઈએ તો નરેશ પટેલ પ્રત્યેનો તેમનો પ્રેમ વ્યક્ત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp