પૂરમાં ફસાયેલા 1 કરોડની કિંમતના ‘પ્રિતમ’ નામના બળદને NDRF ટીમે બચાવી લીધો

PC: republicworld.com

યમુના પૂરની ઝપેટમાં માત્ર માણસો જ નહીં પરંતુ પશુઓ પણ આવી ગયા છે. પૂરના પાણીમાં ફસાયેલા એક કરોડની કિંમતના બળદ 'પ્રીતમ'નો જીવ NDRFએ બચાવી લીધો છે અને આ બળદને સહીસલામાત બહાર કાઢી લેવામાં આવ્યો છે.

યમુના પૂરને કારણે માત્ર દિલ્હી જ નહીં પરંતુ ગાઝિયાબાદથી નોઈડા સુધીના રહેણાંક વિસ્તારો  પાણીમાં ગરક થઇ ગયા છે. સામાન્ય જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. સેનાથી લઈને NDRF-SDRF બચાવ કામગીરીમાં જોડાયા છે. મોટી સંખ્યામાં લોકો બેઘર બન્યા છે. જાનમાલને ઘણું નુકસાન થયું છે. માત્ર માણસો જ નહીં પરંતુ પશુઓ પણ પૂરની ઝપેટમાં આવી ગયા છે.

National Disaster Response Force (NDRF)  ટીમ  માત્ર માણસોને જ બચાવી રહી છે એવું નથી, પરંતુ પૂરમાં ફસાયેલા પ્રાણીઓને પણ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. ગાજિયાબાદ NDRFની ટીમે નોઇડાના સેક્ટર 135 વિસ્તારમાં શનિવારે મોટી સંખ્યામાં પ્રાણીઓને બચાવી લીધા હતા. આ દરમિયાન પૂરમાં ફસાયેલો બળદ જેનું નામ ‘પ્રિતમ’ છે અને જેની કિંમત 1 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે, NDRFએ આ મજબુત બળદનું પણ રેસ્કયુ કર્યું હતું.

જ્યારે પણ દેશમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે દેશની NDRF અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ(SDRF)ની ટીમને મદદ માટે મોકલવામાં આવે છે. આ ટીમના જાબાંઝ લોકો જીવના જોખમે ઉંડા પાણીમાં જઇને લોકો, પશુ, પક્ષી કે જે કોઇ પણ ફસાયેલું હોય તેને બચાવીને બહાર લાવે છે. NDRFની ટીમે અનેક કુતરાંઓના પણ જીવ બચાવ્યા છે.

NDRFએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. બળદને બચાવવાનો ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. NDRFએ પોતાના ટ્વિટર પર બળદ 'પ્રીતમ'ની તસવીરો પણ મૂકી છે. તે ભારતનો નંબર વન બળદ હોવાનું કહેવાય છે અને તેની કિંમત 1 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

દિલ્હીમાં યમુના નદીનું જળસ્તરનું ટેન્શન ઘટવાનું નામ જ નથી લેતું. શનિવાર રાતે 10 વાગ્યા સુધીમાં યમુના જળસ્તર 206.60 મીટર નોંધાયું હતું. જો કે અધિકારીઓનું કહેવું છે કે યમુનાનું જળસ્તર હવે ઝડપથી ઘટવા માંડશે. હવમાન વિભાગે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી સરકારે કહ્યું છે કે જો ફરી વરસાદ ચાલું થશે તો સ્થિતિ પાછી બગડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp