નિર્ભયાના બળાત્કારીઓ જ નહીં નિઠારીના નરભક્ષીઓને પણ થઇ છે ફાંસીની સજા પણ...

PC: google.co.in

નિર્ભયાના ગુનેગારોની ફાંસીની કેટલીયે તારીખો નજીક આવી અને કોઈક ને કોઈક કારણોસર ફાંસી ટાળી દેવાઇ હતી. ચારેય દોષીઓને ફાંસીની સજાથી બચાવવા દરેક કાયદાકીય દાવપેચ અજમાવવામાં આવી રહ્યાં છે. જોકે કાયદાકીય દાવપેચોમાં સજાને ગૂંચવવાની આ કોઈ પહેલી ઘટના નથી. કંઇક આવો જ હાલ નિઠારી કાંડનો પણ છે. વર્ષ 2006માં નોયડાના નિઠારીની કોઠી નંબર D-5માંથી નરકંકાળ મળવાના શરૂ થયા તો લોકોના હોંશ ઉડી ગયા હતાં.

CBIને ઇન્વેસ્ટિગેશન દરમિયાન માનવ અંગોથી ભરેલા થેલા મળી આવ્યા હતા. આ ઘટનામાં કોઠીના માલિક મનિંદર સિંહ પંઢેર અને તેના નોકર સુરેન્દ્ર કોળીની પોલીસે ધરપકડ કરી હતી. એ ઘટનાનો ખુલાસો 7 મે, 2006ના રોજ ગૂમ થઇ ગયેલી પાયલ નામની છોકરીના કારણે થયો હતો.

નિઠારી કાંડમાં કોળી અને પંઢેર પર 16 કેસો ચાલી રહ્યાં છે. તેમાંથી 1 ઘટનામાં ગુરુવારે સુરેન્દ્ર કોળીને કડક સુરક્ષા વચ્ચે ડાસના જેલથી લાવીને CBI કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. નિઠારી કાંડના એક કેસમાં કોળીએ દલીલ માટે સમય માંગી લીધો અને બીજા કેસમાં સમયના અભાવના કારણે સુનાવણી નહોતી થઇ શકી. હવે કોર્ટે આગલી સુનાવણી માટે 17 માર્ચની તારીખ આપી છે.

9 સપ્ટેમ્બર, 2014ના રોજ સુરેન્દ્ર કોળીને મેરઠ જેલમાં ફાંસી અપાવાની હતી. કોળીને મેરઠ જેલની એક હાઇ સિક્યોરિટીવાળી બેરેકમાં રાખવામાં આવ્યો હતો. તૈયારીઓ લગભગ પૂરી થઇ ગઇ હતી. દરમિયાન સુરેન્દ્ર કોળીની ફાંસીની સજાને અટકાવતો સુપ્રીમ કોર્ટનો ઓર્ડર જેલ પ્રશાસનને સવારે લગભગ 4 વાગ્યે મેરઠના DM દ્વારા મળ્યો હતો. આ વાતની જાણકારી તત્કાલિન વરિષ્ઠ જેલ અધિક્ષક મોહમ્મદ હુસેન મુસ્તફાએ આપી હતી.

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ એ. એલ. દત્તુ અને જજ એ. આર. દવેની પીઠે કોળીની મોતની સજાના આદેશ પર એક અઠવાડિયાનો પ્રતિબંધ લગાવી દીધો હતો. આશ્ચર્યની વાત એ છે કે, આ સંદર્ભમાં જજોની બેન્ચની સામે અડધી રાત બાદ એક અરજી રજૂ કરવામાં આવી હતી અને મોડી રાતે 1 વાગીને 40 મિનિટ પર આદેશ જાહેર કરાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp