દુનિયાભરમાં કોરોનાના કેસોમાં 12%નો વધારો, ભારતના 13 રાજ્યમાં પણ ખતરાની ઘંટી

PC: business-standard.com

ભારત સહિત આખી દુનિયામાં ફરીથી કોરોના પોતાનું માથું ઊંચકી રહેલો જોવા મળે છે. ભારતમાં રોજના નવા આવનારા કેસોની સંખ્યા 40 હજારની આસપાસ મળી રહી છે. જ્યારે આખા વિશ્વમાં ગયા અઠવાડિયે કોરોનાના કુલ નવા 34 લાખ કેસો સામે આવ્યા હતા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું હતું કે ગયા અઠવાડિયે જે નવા કેસો આવ્યા છે તે તેના આગળના અઠવાડિયાની સરખામણીએ 12 ટકા વધુ છે. જોકે WHOનું કહેવું છે કે, કોરોનાથી થતા મોતની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જે ઘણી સારી વાત કહી શકાય તેમ છે. ગયા અઠવાડિયે કોરોનાના કારણે લગભગ 57000થી વધુ લોકોના મોત નીપજ્યા હતા.

હાલમાં વધી રહેલા કોરોનાના કેસોમાં સૌથી વધુ વધારો પશ્ચિમી પ્રશાંત(વેસ્ટર્ન પેસિફિક) અને યુરોપીયન દેશોમાં જોવા મળ્યો છે. WHOએ કહ્યું હતું કે, ગયા અઠવાડિયે કોરોનાના સૌથી વધારે કેસો, ઈન્ડોનેશિયા, બ્રિટન, બ્રાઝિલ, ભારત અને અમેરિકામાં હતા. ભારતની વાત કરીએ તો કોરોનાની બીજી લહેર આખા દેશને હચમચાવી દીધો હતો. જ્યાં જુો ત્યાં દવાની કમી, ઓક્સિજનની કમી અને હોસ્પિટલોમાં બેડની કમી જોવા મળી રહી હતી. હાલમાં જ કરવામાં આવેલા સીરો સર્વે પ્રમાણે આશરે 40 કરોડ લોકો પર હજુ પણ કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ સર્વેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે 6 વર્ષની ઉંમરથી વધુના દેશની વસ્તીના 2/3 લોકોમાં સાર્સ-એનકોવ-2 એન્ટીબોડી મળી આવી છે.

રિપોર્ટ પ્રમાણે દેશની એક તૃત્યાંશ વસ્તીમાં આ એન્ટીબોડી નથી, જેનો મતલબ છે કે આશરે 40 કરોડ લોકોને હજુ પણ કોરોના વાયરસના સંક્રમણનો ખતરો છે. મહારાષ્ટ્ર, કેરળ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને પૂર્વોત્તરના તમામ રાજ્યોમાં કોરોનાના સૌથી વધારે કેસો જોવા મળી રહ્યા છે. અહીં રોજના કેસોની સંખ્યા ઘણી ઊંચી છે. જ્યારે કેરળ, આંધ્ર પ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ અને ઉત્તર પૂર્વના 8 રાજ્યોમાં સક્રિય કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. ચિંતાનો વિષય છે કે મહિનાની શરૂઆતમાં ઘણા રાજ્યોમાં સંક્રમણનો દર ઘણો ઓછો હતો પરંતુ હવે તેમાં વધારો જોવા મળી રહ્યો છે.

દેશના વડાપ્રધાને પણ દરેક રાજ્યની સરકારે કોરોનાના વધતા કેસોને નજરઅંદાજ ન કરવા માટેની સલાહ આપી છે અને કોરોનાની ત્રીજી લહેર પહેલા પૂરતી સુવિધા અને વ્યવસ્થા કરી લેવાની પણ વાત કરી છે. ગઈકાલે જ દેશમાં 41000ની આસપાસ નવા કોરોનાના કેસો નોંધાયા છે અને 507 લોકોના મોત થયા છે. મેડિકલ એક્સપર્ટ્સે પણ કોરોનાની ત્રીજી લહેર ઓગષ્ટ મહિના સુધીમાં આવે તેવું અનુમાન લગાવ્યું છે અને લોકોને સાવચેત રહેવા માટે પણ કહ્યું છે.     

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp