જગદીપ ધનખરને ઉપરાષ્ટ્રપતિ પદેથી હટાવવાની માંગ સાથે વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ

PC: aajtak.in

સંસદમાં ચાલી રહેલા મડાગાંઠ વચ્ચે વિપક્ષ હવે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખર વિરુદ્ધ એકઠા થઇ ગયા છે. જગદીપ ધનખરને પદ પરથી હટાવવા માટે વિપક્ષ INDIA બ્લોક અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે. વિપક્ષી ગઠબંધને આ અંગેનો પ્રસ્તાવ રાજ્યસભાના મહાસચિવને બપોરે 1.37 વાગ્યે રજૂ કર્યો છે. જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર 60 સભ્યોએ સહી કરી છે.

મળતી માહિતી મુજબ, વિપક્ષી દળોએ રાજ્યસભામાં સંવિધાનની કલમ 67-B હેઠળ ઉપરાષ્ટ્રપતિને પદ પરથી હટાવવાની માગણી સાથે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ ઉપરાષ્ટ્રપતિને હટાવવાની માંગ સાથે લાવવામાં આવ્યો છે, જેઓ રાજ્યસભાના હોદ્દેદાર અધ્યક્ષ પણ છે. આ દરખાસ્ત પર સોનિયા ગાંધી કે કોઈપણ પક્ષના મુખ્ય લીડરોએ હસ્તાક્ષર કર્યા નથી.

કોંગ્રેસના જયરામ રમેશ અને પ્રમોદ તિવારી તેમજ તૃણમૂલ કોંગ્રેસના નદીમ ઉલ હક અને સાગરિકા ઘોષે રાજ્યસભાના મહાસચિવને આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વિરોધ પક્ષોએ અવિશ્વાસ પ્રસ્તાવમાં આરોપ લગાવ્યો છે કે, તેમને બોલવા દેવામાં આવતા નથી. અધ્યક્ષ પક્ષપાત કરી રહ્યા છે. એક દિવસ અગાઉનું ઉદાહરણ આપતા વિપક્ષી દળોએ કહ્યું હતું કે, ટ્રેઝરી બેંચના સભ્યોને બોલવાની તક આપવામાં આવી હતી, પરંતુ જ્યારે વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગે બોલી રહ્યા હતા ત્યારે તેમને અટકાવી દેવામાં આવ્યા હતા.

જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ પોસ્ટ કરી છે અને રાજ્યસભાના અધ્યક્ષ પર ઉપલા ગૃહની કાર્યવાહી પક્ષપાતી રીતે ચલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે, INDIA બ્લોકના ઘટક પક્ષો પાસે અધ્યક્ષ સામે ઔપચારિક રીતે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

રાજ્યસભાના અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવના પગલાને પીડાદાયક નિર્ણય ગણાવતા જયરામ રમેશે વધુમાં કહ્યું છે કે, સંસદીય લોકશાહીના હિતમાં આ અભૂતપૂર્વ પગલું ભરવું પડશે. આ પ્રસ્તાવ હવે રાજ્યસભાના મહાસચિવને સોંપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના સંસદીય ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે વિરોધ પક્ષો ઉપરાષ્ટ્રપતિને પદ પરથી હટાવવા માટે રાજ્યસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે.

બીજુ જનતા દળ (BJD)એ ઉપાધ્યક્ષ જગદીપ ધનખરને પદ પરથી હટાવવા માટે રાજ્યસભામાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવથી પોતાને દૂર કરી દીધા છે. BJDના રાજ્યસભા સાંસદ ડો.સસ્મિત પાત્રાએ કહ્યું છે કે, આ પ્રસ્તાવ INDIA બ્લોક દ્વારા લાવવામાં આવ્યો છે. BJDએ INDIA બ્લોકનો ઘટક નથી. તેમણે સ્પષ્ટ કર્યું છે કે BJD આ પ્રસ્તાવ પર તટસ્થ રહેશે. ડૉ. પાત્રાએ એમ પણ કહ્યું છે કે, આ એક એવો વિષય છે, જેની સાથે અમને કોઈ લાગતું વળગતું નથી.

ઉપરાષ્ટ્રપતિને પદ પરથી હટાવવા માટે, ઓછામાં ઓછા 50 સભ્યોની સહી સાથે બંધારણની કલમ 67B હેઠળ રાજ્યસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકાય છે. નિયમો અનુસાર, સંબંધિત પ્રસ્તાવ રાજ્યસભાના મહાસચિવને 14 દિવસ પહેલા સબમિટ કરવો જોઈએ. જો દરખાસ્ત રાજ્યસભામાં હાજર સભ્યોની બહુમતી દ્વારા પસાર થાય છે, તો તે લોકસભામાં મોકલવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિને પદ પરથી હટાવવા માટે રાજ્યસભામાંથી ઠરાવ પસાર કર્યા પછી લોકસભાની સંમતિ પણ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp