26th January selfie contest

CAA વિરોધી ગદ્દાર કે દેશદ્રોહી નહિ, ભારતમાં બહુમતનું નહિ કાયદાનું શાસન: હાઇકોર્ટ

PC: jansatta.com

કોઈપણ કાયદાની સામે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરનારાઓને ગદ્દાર કે દેશદ્રોહી કહી શકાય નહીં. આ વાત બોમ્બે હાઈકોર્ટે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનથી જોડાયેલી એક અરજીની સુનાવણી કરતા કહી છે.

બોમ્બે હાઈકોર્ટની ઓરંગાબાદ બેંચે આ વાત નાગરકિતા કાયદાના વિરોધમાં પ્રદર્શન માટે પોલીસની પરવાનગી નહીં મળવાને કારણે દાખલ કરેલી એક અરજીની સુનાવણી દરમિયાન કહી છે.

રિપોર્ટ અનુસાર, અમુક લોકોએ મહારાષ્ટ્રના માલજલગાંવના એક મેદાનમાં CAA અને NRCના વિરોધમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની પરવાગની માગી હતી. પણ જિલ્લા તંત્રએ તેમને પરવાનગી આપી નહીં.

પરવાનગી નહીં આપવા પાછળ એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ(ADM)એ જે આદેશ આપ્યો તેમાં બીડના એસપીની તે રિપોર્ટનો પણ હવાલો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, આવા આંદોલનોને કારણે કાયદા-વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થાય છે. ત્યાર બાદ વિરોધ પ્રદર્શનની માગ કરનારાઓએ બોમ્બે હાઈકોર્ટમાં પોલીસના નિર્ણયને પડકારવા અરજી દાખલ કરી.

સુનાવણી દરમિયાન બેંચે કહ્યું કે, આ રીતના આંદોલનોથી નાગરિકતા સંશોધન કાયદાની જોગવાઈઓની અવગણના કરવાનો કોઈ સવાલ પેદા થતો નથી. કોર્ટ પાસેથી આ લોકો દ્વારા શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવાના અધિકાર પર વિચાર કરવાની આશા રાખવામાં આવે છે. નાગરિકતા કાયદાનો વિરોધ સરકારની સામે માત્ર એક વિરોધ પ્રદર્શન છે.

ભારતમાં બહુમતનું શાસન નહીં, પણ કાયદાનું શાસન છેઃ કોર્ટ

કોર્ટે કહ્યું, જ્યારે અમે આ રીતની કાર્યવાહી પર વિચાર કરીએ છે, ત્યારે આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે આપણે એક લોકતાંત્રિક ગણરાજ્ય દેશ છે અને આપણા બંધારણે આપણને કાયદાનું શાસન આપ્યું છે, નહીં કે બહુમતનું શાસન. જ્યારે આ રીતના કાયદા બનાવવામાં આવે છે, ત્યારે અમુક લોકોને વિશેષ કરીને મુસલમાનોને એવું મહેસૂસ થઈ શકે છે કે, આ કાયદો તેમના હિતના વિરોધનો છે. માટે આ રીતના કાયદાનો વિરોધ થવો જોઈએ. આ તેમની ધારણા અને વિશ્વાસનો વિષય છે. અને કોર્ટ તેમની ધારણા અને વિશ્વાસના ગુણમાં નહીં જઈ શકે.

જે ઓર્ડર પર પ્રદર્શનની રોક લગાવેલી તેને કોર્ટે રદ્દ કર્યોઃ

જણાવી દઈએ કે, ઓરંગાબાદ બેંચે બીડ જિલ્લાના ADM અને મજલગામના સિટી પોલીસના બે આદેશોને પણ રદ્દ કરી દીધા છે. જેમાં પોલીસે ADMના આદેશનો હવાલો આપી વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી આપી નહોતી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp