'ચોકીદાર ચોર હૈ' ના તોડ તરીકે PM મોદી આ લઇને આવ્યા છે

PC: uniindia.com

વર્ષ 2014ની ચૂંટણીમાં ચા વાળા શબ્દને લઇને નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે જંગ જામ્યો હતો. હવે લાગે છે કે ચોકીદાર શબ્દ પર યુદ્ધ શરૂ થયું છે.

પહેલીવાર મુખ્યમંત્રી તરીકે ચોકીદાર શબ્દનો ઉપયોગ કર્યો હતો

વર્ષ 2012ની ચૂંટણીઓથી જ નરેન્દ્ર મોદી આ શબ્દનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. તેઓ કહેતા હતા કે આ રાજ્યની તિજોરી પર આ ચોકીદાર કોંગ્રેસનો પંજો નહીં પડવા દે. ત્યાર પછી વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીઓ વખતે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસની સરકાર ત્યારે સંખ્યાબંધ કૌભાંડોને કારણે ભ્રષ્ટાચારી સરકાર તરીકે પંકાઇ ગઇ હતી. અન્ના આંદોલને પણ તે પૂરવાર કર્યું હતું. તેનો ફાયદો ભાજપને અને નરેન્દ્ર મોદીને સીધો મળવાનો હતો. એટલે તેમણે પોતાની પ્રામાણિક રાજકારણીની છાપ ખૂબ ઉપસાવી હતી. તેમણે કહ્યું હતું કે તે ચોકીદાર છે. કોંગ્રેસની જેમ કોઇને લૂંટ કરવા નહીં દે. ત્યારે આ શબ્દનો કોંગ્રેસ પાસે કોઇ તોડ ન હતો. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની ગયા.

PM મોદીની સૌથી મોટી સિદ્ધિ પર જ પ્રહાર

PM મોદીની સૌથી મોટી સિદ્ધિ છે તેમની પ્રામાણિકતાની છાપ. ગત ચાર વર્ષોમાં કોઇ પણ કૌભાંડ સાબિત થયું નથી. કોંગ્રેસને લાગે છે કે બોફોર્સની જેમ જ રાફેલને મુદ્દો બનાવશે તો મોદીની છબિ ખરાબ થઇ શકે છે. એટલે જ કોંગ્રેસે ચોકીદાર ચોર હૈનો નારો આપ્યો. પહેલીવાર આ વાક્ય રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી વખતે બોલવામાં આવ્યું હતું. ગુજરાતને અડીને આવેલા દક્ષિણ રાજસ્થાનના સાગવાડા ગામ ખાતે રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચોકીદાર ચોર હૈ. રાહુલ ગાંધીએ પોતાની સૌમ્ય રાજકારણીની છબિથી ઉલટ જઇને આવો વાક્યપ્રયોગ કર્યો હતો. ત્યારે બધાને આંચકો લાગ્યો હતો. જોકે, તે તેમના છબિ પરિવર્તનની શરૂઆત હતી. કારણ કે ગુજરાતની ચૂંટણીઓમાં કોંગ્રેસ કરેલા સારા પ્રદર્શનથી તેમનો આત્મવિશ્વાસ વધ્યો હતો.

રાફેલને મુદ્દો બનાવીને ચોકીદાર પર પ્રહાર

ત્યારપછી કોંગ્રેસે રાફેલના મુદ્દાને સતત જીવતો રાખ્યો છે. જોકે, વચ્ચે પુલવામાં હુમલો અને ત્યારપછી એરસ્ટ્રાઇકના કારણે પાછી મોદી લહેર શરૂ થઇ ગઇ. મીડિયાના સર્વે અને પાર્ટીઓના પોતાના સર્વે પણ મોદી ફરી વડાપ્રધાન બની શકે, તેવા રિપોર્ટ આપવા લાગ્યા. જોકે, કોંગ્રેસે હજુ આશા ગુમાવી નથી. તે ચોકીદાર પર સીધા પ્રહાર કર્યા જ કરે છે. ભાજપને પણ લાગ્યું કે આ વાક્ય લોકોમાં પકડાઇ ગયું છે. તેનો તોડ આપવો જરૂરી છે. કારણ કે જો વધુ ચાલે તો અચ્છે દિનની જેમ આ વાક્ય લોકોના માનસમાં પકડાતા વાર નહીં લાગે.

આ રીતે તોડ શોધી લીધો

કોંગ્રેસ PM મોદીને ચોર કહીને બોલાવે છે અને ચોકીદાર પણ કહે છે. તેની સામે ના તોડ તરીકે મોદીએ તેમના સમર્થકોને પણ ચોકીદાર બનાવવાના શરૂ કરી દીધા છે. તેમણે એક ગીત પણ તૈયાર કરાવ્યું છે જેમાં લોકો બોલે છે મૈં ભી ચોકીદાર. ટ્વિટર પર જે લોકો મેં ભી ચોકીદાર હેશગેટનો ઉપયોગ કરે છે તેમને એક સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યો છે. આમ સોશિયલ મીડિયા પર ચૂંટણી પ્રચારનો પ્રારંભ હેશ ગેટ મૈ ભી ચોકીદારથી શરૂ થયો છે. લોકો પોતાના નામની આગળ ચોકીદાર લગાવીને ટ્વિટ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp