લોરેન્સને દિલ્હીની જેલમાં રાખવા પોલીસ તૈયાર નથી, કોર્ટમાં આપ્યું કારણ

PC: bhaskar.com

દિલ્હી કોર્ટે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની પોલીસ કસ્ટડી 14 જૂન સુધી વધારી દીધી છે. જ્યારે, દિલ્હી જેલ પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે, કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને, ગેંગસ્ટરની કસ્ટડી પૂર્ણ થયા પછી, તેને શહેરની કોઈપણ જેલમાં ન રાખવામાં આવે. આ જ કારણ છે કે જેલ પ્રશાસન માંગ કરી રહ્યું છે કે તેને દિલ્હીની કોઈપણ જેલમાં રાખવાને બદલે તેને સીધા પંજાબની જેલમાં મોકલી આપવામાં આવે. આ માટે દિલ્હી જેલ પ્રશાસને કોર્ટમાં અરજી કરી છે. તેની નોંધ લેતા કોર્ટે ગેંગસ્ટરને તેની કસ્ટડી પૂરી થયા બાદ ભટિંડા જેલમાં સોંપવા પણ કહ્યું છે.

વાસ્તવમાં, લોરેન્સ બિશ્નોઈ લાંબા સમયથી ભટિંડા સેન્ટ્રલ જેલમાં બંધ હતો. અહીંથી તેને ગુજરાત પોલીસ દ્વારા ફોજદારી કેસની તપાસ માટે અટકાયતમાં લીધો હતો અને ગુજરાતની સાબરમતી જેલમાં લાવવામાં આવ્યો હતો. અહીંથી જ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં લોરેન્સને એક કેસના સંદર્ભમાં કસ્ટડીમાં લીધો હતો અને તેને દિલ્હીમાં લાવવામાં આવ્યો હતો. કોર્ટે ગેંગસ્ટરને રિમાન્ડ પર મોકલી આપ્યો હતો.

રવિવારે, 11 જૂને, લોરેન્સને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી કોર્ટે પોલીસની માંગને સ્વીકારીને 14 જૂન સુધી કસ્ટડી લંબાવી હતી. આ સાથે, દિલ્હી જેલ પ્રશાસનની એ માંગ પણ સ્વીકારવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ગેંગસ્ટરની કસ્ટડી પૂર્ણ થયા બાદ તેને સીધો ભટિંડા જેલમાં મોકલી આપવામાં આવે. આ દરમિયાન કોર્ટે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવા પણ આદેશ આપ્યો છે.

દિલ્હી પોલીસે પોતાની અરજીમાં લખ્યું હતું કે, લોરેન્સ બિશ્નોઈના દિલ્હી જેલમાં રહેવાથી કાયદો અને વ્યવસ્થા બગડી શકે છે. લોરેન્સને પહેલા NIA દ્વારા ભટિંડા જેલમાંથી, પછી ગુજરાત પોલીસ દ્વારા અને હવે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આથી એજન્સીઓએ જે જેલમાંથી બિશ્નોઈને કસ્ટડીમાં લીધા હતા, તેને સીધો તે જેલમાં મોકલવો જોઈએ, દિલ્હી જેલમાં નહીં.

તેને દિલ્હીની મંડોલી જેલમાં મોકલવાનો કોઈ અર્થ નથી. અહીં લોરેન્સનો જીવ જોખમમાં પણ હોઈ શકે છે. ક્રાઈમ સિન્ડિકેટ સાથે સંકળાયેલા તેના લોકો અને વિરોધી ગેંગના લોકો જેલમાં બંધ છે.

અહીં તમને જણાવી દઈએ કે, તાજેતરમાં દિલ્હીની તિહાર જેલમાં અનેક ગેંગ વોરમાં થયેલી હત્યાઓને કારણે તિહાર પ્રશાસન પર ઘણા ગંભીર સવાલો ઉભા થયા છે. તપાસ એજન્સીઓએ એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે, લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગ પર તિલ્લુ તાજપુરિયાની હત્યાનો બદલો લેવા માટે હુમલો કરવામાં આવી શકે છે. દિલ્હી જેલ પ્રશાસન આ અંગે પહેલાથી જ એલર્ટ છે અને કોઈપણ પ્રકારનું જોખમ લેવા તૈયાર નથી.

લોરેન્સ બિશ્નોઈની ગેંગ હવે દિલ્હી, પંજાબ, UP, ઝારખંડ, હરિયાણા, રાજસ્થાનમાં ફેલાઈ ગઈ છે. હાલમાં લોરેન્સ બિશ્નોઈ તેની ગેંગને જેલમાંથી ચલાવે છે જ્યારે ગોલ્ડી બરાડ કેનેડામાંથી ઓપરેટ કરે છે. આ સિવાય અમેરિકાના લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ અને અઝરબૈજાનના લોરેન્સના ભત્રીજા સચિન બિશ્નોઈ બિશ્નોઈ ગેંગનું સંચાલન કરી રહ્યા છે અને ઈન્ટરનેશનલ ક્રાઈમ સિન્ડિકેટ ચલાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ બોલિવૂડના ફેમસ એક્ટર સલમાન ખાનને જાનથી મારી નાખવાની સતત ધમકી આપીને ચર્ચામાં છે. તાજેતરમાં જ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIAએ લોરેન્સ બિશ્નોઈને લઈને મોટો ખુલાસો કર્યો હતો. NIA અનુસાર, લોરેન્સે ટોપ 10 ટાર્ગેટ બનાવ્યા છે, જેમાં સલમાન ખાન નંબર વન છે. આ યાદીમાં પંજાબી સિદ્ધુ મુસેવાલાના મેનેજરનું નામ પણ સામેલ છે. કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની કબૂલાત નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી સમક્ષ સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp