બે ફિલ્મો, બે PM: ઉરીમાં મજબૂત, એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં મજબૂર

PC: youtube.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં રામલીલા મેદાન ખાતે શનિવારે ભાજપના રાષ્ટ્રીય અધિવેશનના સમાપન ભાષણમાં બે શબ્દો પર ખાસ ભાર મૂક્યો હતો- મજબૂર અને મજબૂત. તેમના ભાષણના એક દિવસ પહેલા જ એકસાથે બે ફિલ્મો રીલીઝ થઇ. એક ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇક અને બીજી એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર. ઉરીમાં પીએમ નરેન્દ્ર મોદી જેવા દેખાતા એક્ટરને મજબૂત પીએમ તરીકે બતાવાય છે તો એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં મનમોહનસિંગને એક સારા પરંતુ મજબૂર પ્રાઇમ મિનિસ્ટર બતાવાયા છે.

ઉરી- ધ સર્જિકલ સ્ટ્રાઇક- ફિલ્મમાં પીએમ નરેન્દ્ર મોદી જેવા દેખાતા પ્રાઇમ મિનિસ્ટર છે. સફેદ દાઢી છે. મોદી જેકેટ અને ચશ્મા પહેરે છે. તેઓ જ નિર્ણય લે છે કે પીઓકેના આતંકવાદી કેમ્પમાં જઇને સર્જિક્લ સ્ટ્રાઇક કરવી. તેઓ સૈન્યને આદેશ પણ આપે છે કે ઓપરેશન દરમિયાન એક પણ સૈનિક શહીદ થવો જોઇએ નહીં. જે દિવસે સર્જિકલ સ્ટ્રાઇક થાય છે ત્યારે આખી રાત તેઓ જાગે છે. આવી જ વાત તાજેતરમાં ન્યૂઝ એજન્સી એએનઆઇને આપેલા ઇન્ટરવ્યૂમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહી હતી કે સર્જિકલ સ્ટ્રાઇકનો નિર્ણય લેતી વખતે તેમની એક શરત હતી કે કોઇ સૈનિક શહીદ થવો જોઇએ નહીં. ફિલ્મમાં સર્જિકલ સ્ટ્રાઇક સફળ થયા પછી સૈન્યની ટીમ પીએમ સાથે ડીનર પણ કરે છે. ફિલ્મમાં સાંસદ પરેશ રાવલે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત દોવાલનો રોલ કર્યો છે. તે પણ દોવાલ જેવા જ દેખાય છે. આ ઉપરાંત સ્ટ્રાઇક વખતે ડિફેન્સ મિનિસ્ટર રહેલા મનોહર પરિકરનો રોલ પણ તેમના જેવા દેખાતા એક્ટરે કર્યો છે. ફિલ્મનો મુખ્ય હીરો વિકી કૌશલ રીલીઝના દિવસે જ પીએમ નરેન્દ્ર મોદીને મળવા ગયો હતો અને તેનો બહોળો પ્રચાર પણ કરાયો હતો. આમ, ઉરી ફિલ્મ જોયા પછી પીએમ મોદીની છાપ એક મજબૂત નેતા તરીકે ઉપસે છે. આ ફિલ્મ સફળ પણ થઇ રહી છે. પહેલા બે દિવસમાં 8 કરોડથી વધુનું કલેક્શન કરી ચૂકી છે.

બીજી ફિલ્મ છે એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર. આ ફિલ્મ મનમોહનસિંગના મીડિયા એડવાઇઝર રહેલા પત્રકાર સંજય બારૂના પુસ્તક પરથી બનાવાઇ છે. વર્ષ 2004થી ચૂંટણીમાં યુપીએની જીત, સોનિયા ગાંધીનો વડાપ્રધાન પદનો ત્યાગ અને મનમોહનસિંગનું એક્સિડેન્ટલી પ્રાઇમ મિનિસ્ટર બનવાથી ફિલ્મ શરૂ થાય છે. ફિલ્મનો અંત 2014માં થાય છે જ્યારે કોંગ્રેસને  ભૂંડી હાર આપી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને છે. આખી ફિલ્મમાં મનમોહસિંગને એક જિનિયસ પરંતુ મજબૂર વડાપ્રધાન બતાવાયા છે. ફિલ્મનો મેસેજ છે કે મનમોહનસિંગ ગાંઘી પરિવારની ઇમેજ બચાવવા માટે પોતાની ઇમેજનું બલિદાન આપી દે છે. તેમની પાસે કોઇ પાવર હોતો નથી પરંતુ જ્યારે જવાબદારી લેવાની વાત આવે છે ત્યારે દોષનો ટોપલો તે પોતાના પર જ લઇ લે છે. મનમોહનસિંગની ચાલ-ઢાલ, અવાજની તદ્દન કોપી જીનિયસ એક્ટર અનુપમ ખેરે મુખ્ય કિરદાર તરીકે કરી છે. આમ, કોંગ્રેસની આગેવાનીમાં બનેલી ગઠબંધનની સરકાર કેટલી મજબૂર હતી તે આ ફિલ્મ બતાવે છે. આ ફિલ્મ પણ બે દિવસમાં 4.5 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી ચૂકી છે.

આ બન્ને ફિલ્મો એક સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધિવેશનના પહેલા દિવસે જ રીલીઝ થઇ છે. રાષ્ટ્રીય અધિવેશનથી લોકસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં લગભગ 2 મિનિટ સુધી ભાજપની મજબૂત અને કોંગ્રેસની મજબૂર સરકારની સરખામણી કરી હતી. આવનારા દિવસોમાં હજુ શું નવું નવું આવશે એ તો સમય જ બતાવશે. પરંતુ એક વાત નક્કી છે છે પિક્ચર અભી બાકી હૈ...

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp