પત્ની સચિવ બનાવીને માસ્ટરે સરકારને લગાવ્યો આટલા રૂપિયાનો ચૂનો
બિહારના અરરિયા જિલ્લાના રાણીગંજની અપગ્રેડ મિડલ સ્કૂલ કુપાડીમાં એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. શાળાના તત્કાલિન પ્રભારી મુખ્ય શિક્ષક અનમોલ આનંદ પર શાળા શિક્ષણ સમિતિને ભંગ કરવાનો અને તેમની પત્ની કિરણ દેવીને સચિવ તરીકે નિયુક્ત કરી છેતરપિંડી કરવાનો આરોપ છે. આ પછી સ્કોલરશિપ અને યુનિફોર્મ માટે મંજૂર કરાયેલા 4.25 લાખના સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી હતી.
શાળા શિક્ષણ સમિતિના ખાતામાંથી નાણાં ઉપાડવા માટે સચિવ અને મુખ્ય શિક્ષકની સહી ફરજિયાત છે, પરંતુ મુખ્ય શિક્ષક અનમોલ આનંદે સચિવ રાણી દેવીને હટાવીને તેમની પત્ની કિરણ દેવીને નકલી સચિવ બનાવી દીધા હતા. બેંકમાં તેનો ફોટો અને સહી પ્રમાણિત કરાવી લીધી. આ પછી બેંક ઓફ બરોડાની બિસ્ટોરિયા શાખામાંથી રકમ ઉપાડી લેવામાં આવી હતી.
જ્યારે શિષ્યવૃત્તિ અને ગણવેશ યોજનાની આ રકમ વિદ્યાર્થીઓ સુધી ન પહોંચી તો આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. શાળા શિક્ષણ સમિતિ અને સ્થાનિક અધિકારીઓએ તપાસ કરી તો મુખ્ય શિક્ષકની છેતરપિંડી સામે આવી હતી.
મામલાને ગંભીર ગણીને રાણીગંજના BEO ચંદન પ્રિયદર્શીએ તપાસ શરૂ કરી અને 21 નવેમ્બરે રાણીગંજ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી. FIRમાં મુખ્ય શિક્ષક અનમોલ આનંદ પર છેતરપિંડી અને સરકારી ફંડની ઉચાપતનો આરોપ છે.
FIR નોંધાયા પછી અનમોલ આનંદે મેડિકલ લીવ માટે અરજી કરી અને ફરજ પર આવવાનું બંધ કરી દીધું. તેમણે પોતાના પદનો ચાર્જ પણ નવા ઈન્ચાર્જ મુખ્ય શિક્ષકને સોંપ્યો ન હતો.
શિક્ષણ સમિતિને નોટિસ આપ્યા વિના ભંગ કરી દેવામાં આવી હતી અને અનમોલ આનંદની પત્ની કિરણ દેવીને સેક્રેટરી બનાવવામાં આવી હતી. બેંકમાં કિરણ દેવીનો નકલી ફોટો અને સહી પ્રમાણિત કરવામાં આવી હતી. બેંકમાંથી 4.25 લાખની રકમ ઉપાડી હતી.
17 ઓક્ટોબરે BEOએ આ બાબતે DEOને જાણ કરી હતી. આમ છતાં 21 નવેમ્બરે FIR નોંધાયાના 15 દિવસ પછી પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. DPO એસ્ટાબ્લિશમેન્ટ (જિલ્લા શિક્ષણ અધિકારી)ને પણ આ બાબતે કોઈ માહિતી નથી.
અરરિયા DPO રવિ રંજને કહ્યું, 'મને ખબર નથી કે, સ્કૂલના HM વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. BEO સાથે વાત કર્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.'
શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ અને ગણવેશ ખરીદવા માટે પૈસાની ચુકવણી ન થઇ હોવાને કારણે તેમના શિક્ષણને અસર થઈ રહી છે. સ્થાનિક ગ્રામજનોએ દોષિત મુખ્ય શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. BEO ચંદન પ્રિયદર્શીએ આ મામલે સ્પષ્ટતા માંગતી કાર્યવાહી શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp