મહારાષ્ટ્રમાં સમસ્યા વધી... શું દિલ્લી આવીને પવારે સમસ્યા ઉકેલવાને બદલે ગુંચવી?
સોમવારની જેમ મંગળવાર પણ મહારાષ્ટ્રના રાજકારણમાં સસ્પેન્સથી ભરેલો રહ્યો હતો. મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામોના 10મા દિવસે પણ CM અને બે DyCMને લઈને સ્થિતિ સ્પષ્ટ થઈ શકી નથી. હા, શિવસેના શિંદે જૂથના નેતા અને રાજ્યના કાર્યવાહક CM એકનાથ શિંદેની તબિયતમાં સુધારાના સમાચાર ચોક્કસપણે આવ્યા છે, એકનાથ શિંદે મુંબઈ જવા માટે રવાના થઈ ગયા છે અને તેઓ રાત્રે પહોંચવાના અહેવાલ છે. આવી સ્થિતિમાં હવે એવું લાગી રહ્યું છે કે, મહારાષ્ટ્રના લોકોને આજ રાત સુધીમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. મુંબઈમાં BJPનો CM ચહેરો દેવેન્દ્ર ફડણવીસ પહેલેથી જ જડ જમાવીને બેસેલા છે. પરંતુ, મહાયુતિમાં અન્ય એક સહયોગી NCPના નેતા અજિત પવારને કારણે અમુક મુશ્કેલીઓ વધી રહી હોવાના સમાચાર આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અજિત પવાર પણ એ જ મંત્રાલયની માંગ કરી રહ્યા છે, જેની માંગ શિવસેના શિંદે જૂથ કરી રહી છે.
અહીં તમને જણાવી દઈએ કે, NCP નેતા અજિત પવાર સોમવાર સાંજથી દિલ્હીમાં છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી છે કે કેમ, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. તે સ્થિતિમાં, અજિત પવાર છેલ્લા 24 કલાકથી દિલ્હીમાં કેમ પડાવ નાખીને બેઠા છે? મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના પ્રયાસ વચ્ચે મુંબઈ છોડીને અજિત પવાર દિલ્હીમાં શું કરી રહ્યા છે? અજિત પવાર કેમ ગૃહમંત્રી અમિત શાહને મળવા માંગે છે? શું NCP પણ સરકારમાં એવા મંત્રાલયની માંગ કરી રહી છે, જેના પર એકનાથ શિંદે જૂથ પહેલેથી જ દાવો કરી ચૂક્યું છે?
મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે શપથ ગ્રહણ સમારોહ યોજાનાર છે. આવામાં BJPના બંને નિરીક્ષકો મુંબઈ પહોંચી ગયા છે કે પહોંચવાના છે. આવી સ્થિતિમાં અજિત પવારનું દિલ્હી ન છોડવું અનેક સવાલોને જન્મ આપી રહ્યું છે. જો કે, અહીં તમને જણાવી દઈએ કે, અજિત પવાર જ પહેલા વ્યક્તિ હતા જેમણે BJPને CM ચહેરો આપવા માટે સમર્થન આપ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, આ મામલે NCP અને શિંદે જૂથ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. પરંતુ, અજિત પવારનું દિલ્હીમાં સતત રોકાણ અનેક પ્રશ્નોને જન્મ આપી રહ્યું છે.
મહારાષ્ટ્રમાં મહાયુતિની જોરદાર જીતના 10મા દિવસે પણ રાજકીય લડાઈ અટકવાનું નામ નથી લઇ રહી. એકનાથ શિંદે પહેલા જ કહી ચુક્યા છે કે, BJP જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું. આવી સ્થિતિમાં સટ્ટાબજાર કેમ વારંવાર ગરમ થઇ રહ્યું છે? જો કે, એકનાથ શિંદેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા હતા કે, તેઓ ભલે બોલી ચુક્યા હોય, પરંતુ અંદરથી તેઓ CM પદ માટે પોતાનો દાવો છોડવા માંગતા નથી. આના કારણે તેઓ પાંચ દિવસમાં બે વખત તેમના ગામ રવાના થઇ ગયા હતા. કદાચ તેના કારણે BJP કોઈ મોટો નિર્ણય લઈ શકી નથી. પરંતુ, હવે તેઓ મુંબઈ આવી રહ્યા છે.
જ્યાં સુધી અજિત પવારનો સવાલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ પ્રફુલ પટેલ અને છગન ભુજબળ જેવા નેતાઓ સાથે સતત વાતચીત કરી રહ્યા છે. નવી સરકારમાં કેટલાક મંત્રાલયો પર મામલો ગુંચવાયો છે. કદાચ તેનો ઉકેલ લાવીને પવાર આજે રાત્રે મુંબઈ પહોંચી જશે. BJPના બંને નિરીક્ષકો વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણ પણ મુંબઈ પહોંચવાના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે NCP નેતા અજિત પવાર પણ રાતની ફ્લાઈટ દ્વારા મુંબઈ પહોંચી જશે. આવી સ્થિતિમાં નિરીક્ષકો અને મહાયુતિના નેતાઓ બંને સાથે મળીને આજે રાત્રે મંત્રાલયોને લઈને મોટો નિર્ણય લઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp