રાહુલનું સાંસદ સભ્યપદ રદ્દ, હવે રાહુલ ગાંધી પાસે શું છે વિકલ્પ જાણો

PC: hindustantimes.com

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મોટો ઝટકો લાગ્યો છે. લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીનું સાંસદ સભ્ય પદ રદ્દ કરી દીધું છે. સુરત કોર્ટે માનહાનિ કેસમાં ગુરુવારે રાહુલ ગાંધીને દોષી ઠેરવતા 2 વર્ષની સજા સંભળાવી હતી. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ હતા. સુરત કોર્ટના નિર્ણય બાદ જ રાહુલ ગાંધીની લોકોસભા સભ્યતા પર તલવાર લટકી રહી હતી. જનપ્રતિનિધિ કાયદા મુજબ, જો સાંસદો અને ધારાસભ્યોને કોઈ પણ કેસમાં 2 વર્ષ કરતા વધુની સજા થઈ તો એવામાં તેમની સભ્યતા (સંસદ અને વિધાનસભામાંથી) રદ્દ થઈ જશે.

એટલું જ નહીં, સજાની અવધિ પૂરી કર્યા બાદ તે 6 વર્ષ સુધી ચૂંટણી લડવા માટે અયોગ્ય પણ હોય છે. રાહુલ ગાંધીની લોકસભા સભ્યતા સમાપ્ત થઈ ગઈ છે. જો કે, પોતાની સભ્યતા બચાવવા માટે રાહુલ ગાંધીના બધા રસ્તા બંધ થયા નથી. તેઓ પોતાની રાહત માટે હાઇ કોર્ટમાં પડકાર આપી શકે છે, ત્યાં જો સુરત સેશન કોર્ટના નિર્ણય પર સ્ટે લાગી જાય છે તો સભ્યતા બચી શકે છે. હાઇકોર્ટ જો સ્ટે નથી આપતી, તો પછી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવો પડશે.

એવામાં સુપ્રીમ કોર્ટ પાસેથી જો સ્ટે મળી જાય છે તો પણ તેમની સભ્યતા બચી શકે છે, પરંતુ જો ઉપલી કોર્ટથી તેમને રાહત મળતી નથી તો રાહુલ ગાંધી 8 વર્ષ સુધી કોઈ ચૂંટણી નહીં લડી શકે. રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં 13 એપ્રિલ 2019ના રોજ ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, નીરવ મોદી, નરેન્દ્ર મોદીનું સરનેમ કોમન કેમ છે? બધા ચોરોનું સરનેમ મોદી કેમ હોય છે? રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કલમ 499, 500 હેઠળ ગુનાહિત માનહાનિનો કેસ નોંધાવ્યો હતો.

પોતાની ફરિયાદમાં ભાજપના ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે, રાહુલ ગાંધીએ વર્ષ 2019માં ચૂંટણી રેલીને સંબોધિત કરતા આખા મોદી સમુદાયને કથિત રૂપે એમ કહીને બદનામ કર્યો કે બધા ચોરોનું સરનેમ મોદી કેમ હોય છે? કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરત કોર્ટે ‘મોદી સરનેમ’વાળા નિવેદનને લઈને દાખલ માનહાનિના કેસમાં દોષી કરાર આપતા 2 વર્ષની સજા સંભળાવી છે.

રાહુલ ગાંધીએ વર્ષ 2019 લોકસભાની ચૂંટણી અગાઉ આ નિવેદન આપ્યું હતું. કોર્ટે રાહુલ ગાંધીને 15,000 રૂપિયાના અંગત ડ્રાફ્ટ પર જામીન આપતા સજાને 30 દિવસ માટે સસ્પેન્ડ કરી દીધી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી ઉપલી કોર્ટમાં સજાને પડકાર આપી શકે છે. કોર્ટે પોતાના 170 પાનાંના નિર્ણયમાં કહ્યું કે, આરોપી પોતે સાંસદ (સંસદ સભ્ય) છે અને સુપ્રીમ કોર્ટની સલાહ બાદ પણ આચરણમાં કોઈ બદલાવ આવ્યો નથી.

શું કહે છે જનપ્રતિનિધિ કાયદો?

વર્ષ 1951માં જનપ્રતિનિધિ કાયદો આવ્યો હતો. આ કાયદાની કલમ 8માં લખ્યું છે કે, જો કોઈ સાંસદ કે ધારાસભ્યને ગુનાહિત કેસમાં દોષી ઠેરવવામાં આવે છે, તો જે દિવસે તેમને દોષી ઠેરવવામાં આવશે, ત્યારથી લઈને આગામી 6 વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે.

કલમ 8(1)માં એ ગુનાઓનો ઉલ્લેખ છે, જે હેઠળ દોષી ઠેરવવા પર ચૂંટણી લડવા પર રોક લાગી જાય છે. એ હેઠળ બે સમુદાયો વચ્ચે ધૃણા વધાવી, ભ્રષ્ટાચાર, દુષ્કર્મ જેવા ગુનામાં દોષી ઠેરવવા પર ચૂંટણી નહીં લડી શકાય. જો કે, તેમાં માનહાનિનો ઉલ્લેખ નથી.

ગયા વર્ષે સમાજવાદી પાર્ટીના નેતા આજમ ખાનની વિધાનસભાની સભ્યતા જતી રહી હતી કેમ કે, તેમને હેટ સ્પીચના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા.

આ કાયદાની કલમ 8(3)માં લખ્યું છે કે જો કોઈ સાંસદ કે ધારાસભ્યને 2 વર્ષ કે તેનાથી વધારાની સજા થાય છે તો તાત્કાલિક તેમની સભ્યતા જતી રહે છે અને આગામી 6 વર્ષ સધી ચૂંટણી લડવા પર રોક લાગી જાય છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp