'ચરખાથી ક્રાંતિ આવી, બુલડોઝરથી આવી શાંતિ', BJPના મુસ્લિમ નેતાએ પોસ્ટર લગાવડાવ્યા

PC: lalluram.com

UP BJPના લઘુમતી મોરચાના નેતા શમ્સી આઝાદે નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી અને બુલડોઝરને શાંતિનું પ્રતિક ગણાવ્યું છે. આ પોસ્ટરમાં તેમણે લખ્યું છે, 'ચરખાથી ક્રાંતિ આવી અને બુલડોઝરથી શાંતિ આવી છે.' તેમણે કહ્યું કે, 'અમે આ પોસ્ટર દ્વારા સંદેશ આપવા માંગીએ છીએ કે, UPમાં ગુનેગારોએ ગુનાથી દૂર રહેવું પડશે, કારણ કે આ યોગી સરકાર છે.'

શમ્સી આઝાદે એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું કે, આ પોસ્ટર પર લખેલા સ્લોગનનો અર્થ એકદમ સ્પષ્ટ છે. જ્યારે CM યોગીજીએ બીજી વખત CM તરીકે શપથ લીધા ત્યારે તેમણે UPને અપરાધથી નહીં, અપરાધીઓથી સંપૂર્ણપણે મુક્ત કરવાનું મિશન બનાવ્યું હતું. તેમણે આના પર કામ પણ કર્યું છે.

તેમણે કહ્યું, 'CM યોગીજીએ આમાં ઉમેર્યું કે, જ્યારે માફિયાઓની આર્થિક સંપત્તિઓ પર બુલડોઝરની કાર્યવાહીથી હુમલો કરવામાં આવે છે, ત્યારે તેમની કમર ક્યાંક ને ક્યાંક તૂટી જાય છે. તેમના ઇરાદાઓ તૂટી જાય છે અને તેમની લાગણીઓનો નાશ થાય છે. યોગીજી આ મિશન સાથે આગળ વધી રહ્યા છે. અને તમે જોશો કે, આજે ઉત્તર પ્રદેશમાં ભાઈચારો અને શાંતિ છે, એકતા છે, જેના કારણે આજે UP વિકાસના પંથે આગળ વધી રહ્યું છે, તો તેનું ઉત્તમ ઉદાહરણ છે આ બુલડોઝર.'

BJP લઘુમતી મોરચાના નેતાએ કહ્યું કે, 'આ બુલડોઝરને રોલ મોડલ માનીને UPની સાથે સાથે ઘણા રાજ્યોએ તેનું પાલન કર્યું છે. અમે બંધારણના દાયરામાં રહીને કામ કરીએ છીએ. જો આરોપ સાબિત થાય છે તો ગુનેગાર પોતાનો ગુનો કબૂલતો નથી. જો તે વ્યક્તિ શરણાગતિ સ્વીકારતો નથી, તો અમે બુલડોઝર મારફતે કાર્યવાહી કરીએ છીએ, તેના થકી એક ભય એ પણ રહે છે કે, જે પરિવારો કોઈ પોતાનો હોય અને તેને બચાવવાનો પ્રયાસ કરે છે, કમ સે કમ તે પરિવારમાં પણ ડર રહે છે કે જો આપણા પરિવારમાંથી કોઈ અપરાધી નીકળ્યો તો આવી જ કાર્યવાહી થકી આપણને પણ નુકસાન થઇ શકે છે, તેથી બુલડોઝરની કાર્યવાહીનો એક આવો પણ પ્રભાવ હોય શકે છે.'

યોગી સરકાર ઉત્તર પ્રદેશમાં ગુનાખોરી પર અંકુશ મેળવવા માટે સતત બુલડોઝરનો સહારો લઈ રહી છે. વહીવટીતંત્ર ગુનો કરનાર વ્યક્તિના ઘર પર બુલડોઝરની કાર્યવાહી કરે છે. જો કે આ અંગે સુપ્રીમ કોર્ટે UP સરકારને ફટકાર પણ લગાવી છે. સર્વોચ્ચ અદાલતે બુલડોઝરની કાર્યવાહીને કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, કોઈ પણ કેસમાં આરોપી હોય કે દોષિત સાબિત થઇ ગયો હોય તો પણ ઘર તોડી પાડવું યોગ્ય નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બુલડોઝરની કાર્યવાહી પક્ષપાતી ન હોઈ શકે. ખોટી રીતે મકાન તોડી પાડવા બદલ વળતર મળવું જોઈએ. કોર્ટે કહ્યું કે, બુલડોઝરની કાર્યવાહીના મનસ્વી અભિગમને સાંખી લેવામાં આવશે નહીં. અધિકારીઓ મનસ્વી રીતે કામ કરી શકશે નહીં. જો કોઈ કેસમાં એક આરોપી હોય તો ઘર તોડીને આખા પરિવારને શા માટે સજા કરવી? આખા પરિવાર પાસેથી તેમનું ઘર છીનવી શકાય નહીં. બુલડોઝરની કાર્યવાહી ખરેખર કાયદાના ભયનો અભાવ દર્શાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp