સંદીપ દીક્ષિતનો દાવો, 'AAP જીતે તો પણ કેજરીવાલ CM નહીં બની શકે', આપ્યું આ કારણ
દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ પહેલા તમામ રાજકીય પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. AAPના વડા અરવિંદ કેજરીવાલ યોજનાઓની જાહેરાતો પર જાહેરાત કરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ CM શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિતે અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના CM નહીં બની શકે અને અન્ય કોઈને CM બનાવવા તેમની મજબૂરી છે.
કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે એક સમાચાર એજન્સી સાથે વાત કરતા કહ્યું, 'પહેલી વાત તો એ છે કે તે CM નહીં બની શકે. જો દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં AAP જીતી પણ જાય તો પણ કેજરીવાલ CM નહીં બની શકે. સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપતાં શું કહ્યું કે, અમે તમને જામીન પર છોડી દઈશું? પરંતુ તમે ફાઇલ પર સહી નહીં કરી શકો. અરવિંદ કેજરીવાલ જ્યાં સુધી જેલમાં રહ્યા ત્યાં સુધી રાજીનામું આપ્યું ન હતું. તે સમયે તેઓ સહી કરી શક્યા હોત. કોન્ટ્રાક્ટરો ને નક્કી કરી શક્યા હોત.'
સંદીપ દીક્ષિતે વધુમાં કહ્યું, 'તેઓ એવું કહી રહ્યા હતા કે હું વિકાસના કામ કરી શકતો નથી. તમે જેલની અંદરથી સામાન ભેગો કરવાનું કામ તો કરી શક્યા હોત. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો તમે CM રહો છો તો તમે સહી કરી શકતા નથી. તમે ન તો અધિકારીઓને મળી શકો છો, ન ઓર્ડર આપી શકો છો અને ન ઓફિસ જઈ શકો છો. સુપ્રીમ કોર્ટે તો નક્કી કરી નાખ્યું હતું કે તમે નકામા CM છો. ભલે તમે શપથ માટે CM બની રહો. અરવિંદ કેજરીવાલને ફરજ પડી હતી અન્ય કોઈને CM બનાવવાની. આમ પણ જો તેઓ કાલે CM બની પણ જાય અને અધિકારીઓને બોલાવે કે કંઈક સહી કરે તો જામીનની શરત તૂટી જાય, અને જામીનની શરત ભંગ થતાં જ તેઓ જેલમાં જશે.'
કોંગ્રેસ નેતાએ કહ્યું, 'અરવિંદ કેજરીવાલ માટે CM બનવું શક્ય જ નથી.' જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, અરવિંદ કેજરીવાલ આટલી બધી જાહેરાતો કેવી રીતે કરી રહ્યા છે, તો તેમણે કહ્યું, 'તેઓ પાર્ટીના અધ્યક્ષ છે, તેથી જ તેઓ જાહેરાત કરી રહ્યા છીએ. તેમને જાહેરાત કરવામાં શું જાય છે? તેણે અઢી વર્ષ પહેલા પંજાબમાં પણ જાહેરાત કરી હતી કે, તે દર મહિને મહિલાઓને પૈસા આપશે. તેમણે જાહેરાત કરી હતી કે, તેઓ યમુના નદીની સફાઈ કરશે. તે હજુ સુધી ક્યાં સાફ થઇ છે? તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં વાહનો ઝડપથી દોડશે. આ પણ ક્યાં થયું? દિલ્હીમાં દરેક વ્યક્તિને રોજગાર આપવાનું વચન આપ્યું હતું. એવું પણ ક્યાં થઈ શક્યું છે? તેઓ કહેતા હતા કે, તેઓ કોન્ટ્રાક્ટ મજૂરોને કાયમી કરશે. હજુ સુધી એક પણ કરી શક્યા નથી. તેઓ દરરોજ બીજાને દોષી ઠેરવે છે. તેમણે કહ્યું હતું કે, તેઓ દરેક ભ્રષ્ટ અધિકારીઓને જેલમાં મોકલી દેશે. જેલની વાત તો છોડો, હજુ સુધી તેમને કોઈ પુરાવા પણ મળ્યા નથી.'
પૂર્વ CMના પુત્રએ કહ્યું, 'જે સરકારે એક મહિના પહેલા ભારત સરકાર પાસેથી દસ હજાર કરોડની લોન માંગી હતી. જ્યારે દિલ્હીનું બજેટ સરપ્લસ છે તો પછી તમે ભારત સરકાર પાસે પૈસા કેમ માગો છો. છેતરપિંડી ઘણી છે. જો આ મફતમાં અને જે કંઈ આપવાના છે, તો તેમના પૈસા ક્યાંથી આવશે? હું આ વિશે જાણવા માંગુ છું. કઈ અર્થવ્યવસ્થામાં આવું થઈ શકે છે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp