26th January selfie contest

કાયદા મંત્રી બની જજોને ફોન કરતો હતો સુકેશ ચંદ્રશેખર, EDએ કોર્ટને જણાવ્યું

PC: zeenews.india.com

EDએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, સુકેશ ચંદ્રશેખર તિહાર જેલમાં રહીને પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હતો. જેલમાં રહીને તેણે કાયદા મંત્રી બનીને ઘણા ન્યાયાધીશોને ફોન કર્યા અને તેમને તેની તરફેણમાં આદેશો પાસ કરવા કહ્યું હતું. ED તરફથી હાજર રહેલા ASG S.V. રાજુએ આ દલીલ સુકેશ ચંદ્રશેખરની અરજી પર સુનાવણી દરમિયાન કરી હતી.

વાસ્તવમાં, સુકેશ ચંદ્રશેખરે તિહાર જેલમાં પોતાના જીવને જોખમ હોવાનું જણાવીને બીજી જેલમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. આ પહેલા જસ્ટિસ A.S.બોપન્ના અને જસ્ટિસ વિક્રમ નાથની વેકેશન બેન્ચે સુકેશને અન્ય જેલમાં ટ્રાન્સફર કરવાની માંગણીને યોગ્ય માનતા સરકારને આ બાબતે સૂચન કરવા કહ્યું હતું.

આજે કોર્ટ તરફથી આ વિશે પૂછવામાં આવતા ASG S.V. રાજુએ કહ્યું હતું કે, સુકેશ ચંદ્રશેખરને તિહારથી મંડોલી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. ત્યાં જેલની અંદર અને બહાર અર્ધલશ્કરી દળોના જવાનો તહેનાત છે. તામિલનાડુ સ્પેશિયલ ફોર્સના જવાનો પણ તેની સુરક્ષાને લઈને નજર રાખી રહ્યા છે.

સુકેશ ચંદ્રશેખરના વકીલ આર. બસંતે મંડોલી જેલમાં ટ્રાન્સફર કરવાના ASG એસવી રાજૂના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, તે દિલ્હીની બહાર કોઈ અન્ય જેલમાં ટ્રાન્સફર ઈચ્છે છે. સુકેશને ભલે ગાઝિયાબાદમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે પરંતુ, તેને દિલ્હી પ્રશાસન અંતર્ગત આવનારી કોઈ બીજી જેલમાં ટ્રાન્સફર ના કરવો જોઈએ. જે વિશે કોર્ટે આર. બસંતને કહ્યું હતું કે, તેનો લેખિત જવાબ દાખલ કરવા કરો.

આ પહેલા 21 જૂને આ મામલે થયેલી સુનાવણીમાં ED તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર થયા હતા. તેમણે તિહારથી બીજી જેલમાં ટ્રાન્સફર કરવાની સુકેશ ચંદ્રશેખરની માંગનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે, જેલમાં સુકેશના જીવને જોખમ હોવાની તેની દલીલ અર્થહીન છે. વાસ્તવિકતા તો એ છે કે, જેલમાં તેને મળવા માટે મોડલ આવતી હતી. તે મોડેલોને મળવા માટે તેણે જેલના અધિકારીઓને લાંચ આપી હતી. હવે તે જેલ અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. EDનું કહેવું હતું કે, જેલમાં સુકેશ ચંદ્રશેખરના પ્રભાવનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે, તે જેલમાં પાર્ટી કરતો હતો અને ફાઈવ સ્ટાર હોટેલમાંથી તેનું ખાવાનું આવતું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp