સ્વિટ્ઝરલેન્ડે 'મોસ્ટ ફેવર્ડ' દેશનો દરજ્જો ભારત પાસેથી ખેંચી લીધો, આનો અર્થ શું?
નવા વર્ષની શરૂઆતમાં ભારત અને સ્વિટ્ઝર્લેન્ડના સંબંધોમાં કંઈક મોટું થવાની આશંકા છે. થયું એવું કે, સ્વિસ સરકારે આપણી પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો છીનવી લીધો છે. તેમણે આ નિર્ણય વર્ષ 2023માં સુપ્રીમ કોર્ટના એક નિર્ણય પછી લીધો હતો. ઘણા દેશો પોતાની વચ્ચે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો જાળવી રાખે છે, પરંતુ પછી તેને રદ પણ કરી દે છે. જાણો તેનો અર્થ શું છે અને તે શા માટે નુકસાન પહોંચાડી શકે એમ છે.
શુક્રવારે સ્વિસ સરકારે કહ્યું કે, ભારતીય કોર્ટના કારણે તેને આવું કરવું પડ્યું. હકીકતમાં, ગયા વર્ષે, સ્વિસ કંપની નેસ્લે સંબંધિત એક કેસ વિશે વાત કરતી વખતે, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, દેશમાં ડબલ ટેક્સ અવોઇડન્સ એગ્રીમેન્ટ (DTAA) ત્યાં સુધી લાગુ કરી શકાય નહીં જ્યાં સુધી તે આવકવેરા કાયદા હેઠળ સૂચિત ન થાય.
DTAA એક પ્રકારનો કરાર છે, જેનો ઉપયોગ બે દેશો તેમના લોકો અને કંપનીઓને ડબલ ટેક્સેશનથી બચાવવા માટે કરે છે. આ હેઠળ, કંપનીઓ અથવા વ્યક્તિઓએ બે અલગ-અલગ દેશોમાં તેમની સેવાઓ અથવા ઉત્પાદનો માટે અલગથી ટેક્સ ચૂકવવો પડતો નથી. તેને એ રીતે પણ સમજી શકાય છે કે, જો એક દેશની કંપની બીજા દેશમાં રોકાણ કરે છે અને વ્યવસાય કરે છે, તો તેણે બંને દેશોમાં તેના નફા પર ટેક્સ ચૂકવવો પડતો નથી.
હવે કેન્દ્રએ સૌપ્રથમ આવકવેરા હેઠળ DTAAને સૂચિત કરવું પડશે. આ પછી જ સ્વિસ સરકાર ટેક્સમાં છૂટ મેળવી શકશે. ત્યાં સુધી નેસ્લે સહિતની ઘણી કંપનીઓ વધુ ટેક્સ ચૂકવવાનું ચાલુ રાખશે. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે, વિદેશી કંપનીઓમાં કામ કરતા લોકોએ ડબલ ટેક્સ ન ભરવો જોઈએ, પરંતુ SCએ આ નિર્ણયને પલટી નાખ્યો હતો. આ પછી જ સ્વિટ્ઝર્લેન્ડે પણ ભારત પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લીધો. હવે ત્યાં કાર્યરત ભારતીય કંપનીઓએ 10 ટકા વધુ ટેક્સ ચૂકવવો પડશે. હાલમાં આ મર્યાદા 5 ટકા છે.
હકીકતમાં, સ્વિસ કંપની નેસ્લેએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે, ભારતે ઘણા દેશોને ટેક્સમાં મોટી છૂટ આપી છે, જે FSN હેઠળ તેને પણ મળવી જોઈએ. કંપની દ્વારા ઉલ્લેખવામાં આવેલા દેશો કોલંબિયા અને લિથુઆનિયા જેવા નાના દેશો હતા. ભારત સાથેના કરાર પછી જ તેઓ આર્થિક સહયોગ સંગઠનનો ભાગ બન્યા અને મોસ્ટ ફેવર્ડ નેશનની યાદીમાં આવ્યા. તેમને આપવામાં આવેલી છૂટને જોતા, સ્વિસ કંપનીએ અનુમાન લગાવ્યું કે, તે પણ વેપારમાં તે જ મુક્તિ મેળવી શકશે, જે આ દેશોને મળી રહી છે.
આ મામલો કોર્ટમાં પહોંચ્યો અને નિર્ણય સ્વિસ કંપનીની અપેક્ષા કરતાં અલગ હતો. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે નેસ્લેને MFN હેઠળ આ લાભ આપોઆપ મળી શકે નહીં, પરંતુ સરકારે આ માટે અલગથી નોટિફિકેશન બહાર પાડવું પડશે.
સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સ્વિત્ઝર્લેન્ડે આકરી પ્રતિક્રિયા આપી અને ભારત પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો જ પાછો ખેંચી લીધો. તેણે પોતાના નિર્ણયનું કારણ કોર્ટના નિર્ણયને પણ ગણાવ્યું હતું.
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનનો ટેરિફ એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ 1994 જણાવે છે કે, તમામ સભ્ય દેશોએ એકબીજાને મોસ્ટ ફેવર્ડ રાષ્ટ્રનો દરજ્જો આપવો જોઈએ, ખાસ કરીને પડોશી દેશોમાં, જેથી મુક્ત વેપારને સરળ બનાવી શકાય. જો કે આ એક મક્કમ નિયમ નથી. આ જ કારણ છે કે, જ્યારે સંબંધો બગડે છે, ત્યારે સૌથી પહેલા દેશો પોતાની વચ્ચેનો દરજ્જો ખતમ કરે છે, જેથી નારાજગીની આર્થિક અસર પણ જોરદાર રીતે જોવા મળે. જેમ કે પાકિસ્તાન અને ભારતે પોતાની વચ્ચે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો લઇ લીધો છે. આમાં દેશો પોતાની વચ્ચે ઓછી કે વધુ છૂટછાટ આપી શકે છે. એકંદરે, એવું કોઈ નિશ્ચિત ફોર્મેટ નથી કે, જેમાં મોસ્ટ ફેવર્ડ નેશન હોવાના કિસ્સામાં આવી છૂટછાટ આપવામાં આવે. આને લઈને પણ એકબીજા વચ્ચે સરખામણીઓ અને ખેંચતાણ થતી રહેતી હોય છે.
હાલમાં દેશમાં ત્રણસોથી વધુ સ્વિસ કંપનીઓ કામ કરી રહી છે, જેમાં લગભગ દોઢ લાખ લોકોને રોજગાર મળ્યો છે. બેન્કિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, IT ઉપરાંત અન્ય ઘણા ક્ષેત્રો પણ તેમાં સામેલ છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, લગભગ 140 ભારતીય કંપનીઓએ સ્વિટ્ઝર્લેન્ડના વિવિધ ભાગોમાં રોકાણ કર્યું છે. હવે જો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો હટાવી દેવામાં આવે તો તેની અસર બંને જગ્યાઓ પર પડી શકે છે. ખાસ કરીને ત્યારે કે જ્યારે ભારત અને સ્વિટ્ઝર્લેન્ડ સહિત ઘણા દેશોએ એક સાથે મળીને વેપારમાં અન્ય એક વધુ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
આયર્લેન્ડ, નોર્વે, સ્વિટ્ઝર્લૅન્ડ અને લિક્ટેનસ્ટેઇનની સાથે, ભારત યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન નામના જૂથમાં જોડાયું. આ અંતર્ગત આગામી 15 વર્ષમાં EFTA દેશો ભારતમાં લગભગ 100 અબજ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહ્યા છે. જો કે સ્વિસ એમ્બેસીએ કહ્યું કે, મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો હટી જવાથી તેના પર કોઈ અસર નહીં થાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp