જામનગરનો યુવક પાટા પર ફંસાયેલું સ્કૂટર કાઢતો હતોને સામે આવી ગઇ પૂરઝડપે ટ્રેન

PC: divyabhaskar.co.in

તમે ફિલ્મોમાં જોયું જ હશે કે ટ્રેન પુરપાટ ઝડપે આવી રહી હોય, સામેથી હીરો દોડીને આવતો હોય અને અંતિમ ક્ષણે કોઈકને બચાવીને સાઈડ પર કૂદી જતો હોય છે અથવા તો કોઈકની રેલવે ટ્રેક પર ફસાયેલી ગાડીને હીરો પુરપાટ ઝડપે આવતી ટ્રેન કચડી નાખે એ પહેલા જ બચાવી લેતો હોય. આવી જ એક ઘટના જામનગરથી સામે આવી છે, જ્યાં એક શખ્સ પોતાનું ફસાયેલું સ્કૂટર પુરપાટ ઝડપે આવતી ટ્રેન સામે કાઢવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે સ્કૂટર કાઢવામાં નિષ્ફળ રહે છે અને અંતિમ ક્ષણે પોતાનો જીવ બચાવવા સાઈડ પર કૂદી જાય છે.

જામનગરથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે અને તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક શખ્સનું સ્કૂટર રેલવે ટ્રેક પર ફસાઈ જાય છે અને તે તેને બહાર કાઢી શકતો નથી. શખ્સના જીવને જોખમ પણ આવી જાય છે. જામનગર રેલવે ટ્રેક પર યુવક પોતાના સ્કૂટર સાથે ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ અચાનક ટ્રેન સામે આવી જાય છે. યુવક સ્કૂટરને રેલવે ટ્રેક પરથી બહાર કાઢવાના અનેક પ્રયત્ન કરે છે, પરંતુ બહાર કાઢી શકતો નથી.

અંત સુધી તે પોતાના જીવના જોખમે સ્કૂટર કાઢવાનો પ્રયત્ન કરે છે. જ્યારે સ્કૂટર પાટા પરથી કાઢવાનો છેલ્લો પ્રયાસ પણ નિષ્ફળ થઈ જાય છે અને ટ્રેન એકદમ નજીક આવીને તેને કચડવાની હોય છે ત્યારે જ સ્કૂટર છોડીને બીજી તરફ કૂદી જાય છે. પાટા પર પડેલા સ્કૂટરને લગભગ 100 મીટરથી વધારે દૂર સુધી ખેચીને લઈ જાય છે. ત્યારબાદ ટ્રેન થોભી જાય છે. આ ઘટનાનો વીડિયો જ્યારે સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો તો ખૂબ વાયરલ થઈ ગયો.

એક રિપોર્ટ મુજબ આ ઘટના જામનગર શહેરના હરિયા કૉલેજ વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક પરની છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જે સ્થળે બનાવ બન્યો તેની નજીક કોઈ સ્ટેશન કે ક્રોસિંગ નહોતું તો સ્વાભાવિક છે કે ટ્રેનની સ્પીડ ઝડપી જ હોય છે. હરિયા કૉલેજ વિસ્તારમાંથી રેલવે ટ્રેક પર ટ્રેન પુરપાટ ઝડપે આવી રહી હતી અને બીજી તરફ રેલવે ક્રોસિંગ વગર જ પસાર થતી વખતે બાઇક ફસાતા શખ્સ સ્કૂટર સુરક્ષિત રીતે કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

ટ્રેનનો ચાલક દૂરથી જ વ્હિસલ વગાડી રહ્યો હતો એ છતા શખ્સ પોતાનું સ્કૂટર કાઢવામાં વ્યસ્ત હતો. સ્વાભાવિક છે કે હાથ ઊચો કરીને બસ રોકાય તેમ ટ્રેન ન રોકાય છતા શખ્સ ટ્રેનના ચાલકને હાથ ઊંચો કરીને ટ્રેનને ઈશારો કરીને રોકવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો. શખ્સે હાથ ઊંચો કરીને ટ્રેન રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ટ્રેન આગળ આવી જતા અંતિમ ક્ષણોમાં શખ્સે બાજુમાં કૂદકો મારી દીધો, જેના કારણે તેનો જીવ બચી ગયો.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp