રામજન્મભૂમિના મુખ્ય પૂજારીને જાણો કેટલો પગાર મળે છે, પહેલા 100 રૂપિયા મળતા
UPમાં અયોધ્યામાં રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી તરીકે છેલ્લા 34 વર્ષથી જવાબદારી સંભાળી રહેલા આચાર્ય સત્યેન્દ્ર દાસને ટ્રસ્ટ આજીવન પગાર આપવાનું ચાલુ રાખશે. જોકે, સત્યેન્દ્ર દાસની વધતી જતી ઉંમર અને ખરાબ તબિયતના કારણે રામ મંદિર ટ્રસ્ટે તેમને કામમાંથી મુક્ત થઇ જવાની પણ વિનંતી કરી છે. પહેલાની જેમ, મુખ્ય પૂજારી જ્યારે ઇચ્છે ત્યારે રામ મંદિરની મુલાકાત લેવા અને તેમના પૂજા કરવા પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.
25 નવેમ્બરના રોજ મળેલી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, છેલ્લા 34 વર્ષથી રામ મંદિરમાં સેવા આપી રહેલા આચાર્ય સત્યેન્દ્રને કામમાંથી મુક્તિ લેવા વિનંતી કરવામાં આવે. સત્યેન્દ્ર દાસ 87 વર્ષના થઈ ગયા છે. તેમની તબિયત પણ હવે સાનુકૂળ નથી, તેથી તેમને સેવામાંથી મુક્તિ લેવાની વિનંતી કરવી જોઈએ. તેમને જે મહેનતાણું આપવામાં આવી રહ્યું છે તે તેમને આજીવન આપવામાં આવશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના તમામ અધિકારીઓ આ માટે સંમત પણ થયા હતા.
આચાર્ય સત્યેન્દ્ર દાસ 1 માર્ચ, 1992થી રામ મંદિરના મુખ્ય પૂજારી તરીકે સેવા આપી રહ્યા છે. શરૂઆતમાં તેમને દર મહિને 100 રૂપિયાનો પગાર આપવામાં આવતો હતો. રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પછી તેમનો પગાર વધીને 38500 રૂપિયા થઈ ગયો છે.
આચાર્ય સત્યેન્દ્ર દાસને જીવનભર આ પગાર મળતો રહેશે. હાલમાં આચાર્ય સત્યેન્દ્ર દાસ સહિત કુલ 14 પૂજારી રામ મંદિરમાં સેવા આપી રહ્યા છે. તેમની સાથે ચાર સહાયક પૂજારી પણ લાંબા સમયથી રામ મંદિરમાં કામ કરી રહ્યા છે, જ્યારે તાજેતરમાં નવ નવા પૂજારીઓની નિમણૂક કરવામાં આવી છે.
રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ બાબરી ધ્વંસથી લઈને રામ મંદિર નિર્માણ સુધીના સાક્ષી રહ્યા છે. રામલલાના ભવ્ય મંદિરમાં થયેલી પ્રાણપ્રતિષ્ઠા પણ તેમણે પોતાની આંખે જોય છે. 28 વર્ષથી તંબુમાં રહેતા રામલલાની પૂજાની જવાબદારી આચાર્ય સત્યેન્દ્ર દાસે લીધી હતી. ત્યાર પછી, તેમણે લગભગ ચાર વર્ષ સુધી અસ્થાયી મંદિરમાં મુખ્ય પૂજારી તરીકે રામલલાની સેવા કરી. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પછી પણ તેઓ મુખ્ય પૂજારી તરીકે સેવા આપી રહ્યા છે.
મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે, રામ મંદિરના ટ્રસ્ટીઓ આશ્રમમાં આવ્યા હતા. તબિયત અને વધતી ઉંમરનો ઉલ્લેખ કરીને તેમણે કામમાંથી મુક્તિ લેવાની વિનંતી કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે, જ્યારે તમને મંદિરમાં જવાનું મન થાય ત્યારે જાય, મન ન હોય તો ન જાવ. ટ્રસ્ટે એમ પણ કહ્યું છે કે, તેઓ હાલમાં જે પગાર મેળવે છે તે તેઓને જીવનભર ચૂકવવાનું ચાલુ રાખશે. ટ્રસ્ટે મને મારા કામમાંથી મુક્તિ તો આપી જ દીધી છે, અત્યારે પણ હું મંદિરમાં જાઉં છું, ત્યાં કોઈ પ્રતિબંધ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp