ફરી ધુણસે બોફોર્સનું ભૂત, CBI ફરી ખોલશે આ કેસ! જાણો શું છે કેસ
બોફોર્સ કાંડનું જીન ફરી એકવાર બોટલમાંથી બહાર આવી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ મામલામાં CBI ટૂંક સમયમાં અમેરિકાને પ્રાઈવેટ ડિટેક્ટીવ માઈકલ હર્શમૈન પાસેથી માહિતી મેળવવા માટે કાયદાકીય અપીલ કરશે. આ અગાઉ હર્શમૈન રૂ. 64 કરોડના બોફોર્સ લાંચ કૌભાંડ અંગે ભારતીય એજન્સીઓ સાથે મહત્વપૂર્ણ માહિતી શેર કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અધિકારીઓનું કહેવું છે કે સ્પેશિયલ કોર્ટને જ્યુડિશિયલ રિક્વેસ્ટ અમેરિકા મોકલવા અંગે જાણ કરવામાં આવી છે. આ કોર્ટ આ કેસમાં વધુ તપાસ માટે CBIની અરજી પર સુનાવણી કરી રહી છે. લેટર્સ રોગેટરી (LR) મોકલવાની પ્રક્રિયા આ વર્ષે ઓક્ટોબરમાં શરૂ થઈ હતી. આ પ્રક્રિયામાં લગભગ 90 દિવસનો સમય લાગી શકે છે. તેનો હેતુ કેસની તપાસ માટે માહિતી એકત્ર કરવાનો છે.
બોફોર્સ કૌભાંડ ભારતીય રાજનીતિનું એક એવું કાળું પ્રકરણ છે, જેણે એક સમયે દેશને હચમચાવી નાંખ્યો હતો. આ કૌભાંડ 1980ના દાયકામાં થયું હતું અને ભારતીય રાજકારણ પર તેની ઊંડી અસર પડી હતી. 1986માં, ભારત સરકારે સ્વીડિશ આર્મ્સ કંપની બોફોર્સ પાસેથી 155 MMની 400 હોવિત્ઝર્સ તોપ ખરીદવાનો સોદો કર્યો હતો. આ ડીલ ભારતીય સેનાને આધુનિક હથિયારો આપવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી. જોકે, થોડા સમય પછી આ સોદામાં મોટા પાયે લાંચ લેવાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
સ્વીડિશ રેડિયોએ સૌપ્રથમ 1987માં આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. તેમના કહેવા પ્રમાણે, બોફોર્સ કંપનીએ આ સોદો હાંસલ કરવા માટે ભારતીય રાજનેતાઓ અને સેના અધિકારીઓને મોટી રકમ આપી હતી. રેડિયો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, બોફોર્સે આ કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓ, રાજકારણીઓ અને વચેટિયાઓને મોટી લાંચ આપી હતી. આ ઘટસ્ફોટથી ભારતમાં સનસનાટી મચી ગઈ હતી અને રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ હતી. આ ડીલ અંદાજે 1.4 US બિલિયન ડૉલરની હતી.
તત્કાલીન રાજીવ ગાંધી સરકાર દરમિયાન બોફોર્સ સાથે 1,437 કરોડ રૂપિયાના સોદામાં લાંચ લેવાના આરોપો લાગ્યા હતા. અહેવાલ પછી, આ મામલો ભારતમાં એક મોટો રાજકીય મુદ્દો બની ગયો અને વિપક્ષી દળોએ રાજીવ ગાંધીની સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો, જેના કારણે 1989માં તેમની સરકાર પડી ગઈ. જો કે તપાસ દરમિયાન કોઈ નક્કર પુરાવા મળ્યા ન હતા, પરંતુ રાજકીય વિરોધીઓએ રાજીવ ગાંધી અને તેમની પાર્ટી સામે તેને મોટો મુદ્દો બનાવીને તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp