રાહુલ ભાષણમાં કેજરીવાલ વિશે એવું શું બોલ્યા કે પોતે જ ભેરવાઈ ગયા

એવું લાગે છે કે, રાહુલ ગાંધીએ અરવિંદ કેજરીવાલને ઘેરવામાં BJPને પણ પાછળ છોડી દીધું છે. દિલ્હીની ચૂંટણી દરમિયાન, કોંગ્રેસના નેતાએ અરવિંદ કેજરીવાલને 'દિલ્હી દારૂ કૌભાંડ', 'શીશમહેલ' અને દિલ્હી રમખાણો માટે ગુનેગાર ઠેરવવાનો પ્રયાસ કર્યો છે.
આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જે આમ આદમી પાર્ટી અને વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સાથે મળીને જંતર મંતર પર અરવિંદ કેજરીવાલને જેલમાં મોકલવાનો વિરોધ કર્યો હતો અને હવે એ જ અરવિંદ કેજરીવાલને રાહુલ ગાંધી 'દિલ્હી દારૂ કૌભાંડ'ના મુખ્ય સૂત્રધાર ગણાવી રહ્યા છે.
હવે એવું લાગે છે કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેનું ગઠબંધન ફક્ત દિલ્હીમાં લોકસભાની ચૂંટણી લડવા સુધી જ હતું. એ જ અરવિંદ કેજરીવાલ જે દિલ્હીમાં કોંગ્રેસના ઉમેદવારો માટે મત માંગી રહ્યા હતા, તેઓ હવે રાહુલ ગાંધીને જેલ ન મોકલવા પર આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.
રાહુલ ગાંધી કહે છે કે, અરવિંદ કેજરીવાલ 'શીશમહલ'માં રહે છે, અને અરવિંદ કેજરીવાલ પૂછી રહ્યા છે કે, નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં તમારી અને તમારા પરિવારની હજુ સુધી ધરપકડ કેમ નથી થઈ?
2020ના દિલ્હી રમખાણો દરમિયાન કોંગ્રેસના નેતાઓએ અમિત શાહ અને BJP પર જે રીતે હુમલો કર્યો હતો, તે જ રીતે રાહુલ ગાંધીનો અરવિંદ કેજરીવાલ પરનો હુમલો પણ તેમની પાસે પાછો ફર્યો છે, એવું લાગે છે કે રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલને પછાડવામાં પોતે જ જાતે પછડાઈ ગયા છે.
કોંગ્રેસ નેતૃત્વ પોતાની નબળાઈઓ સારી રીતે જાણે છે, છતાં વારંવાર એ જ ભૂલો કરે છે. દિલ્હી રમખાણોનું નામ લઈને રાહુલ ગાંધીએ એ જ ભૂલ કરી છે જે સોનિયા ગાંધીએ 2020માં કરી હતી. ત્યારે સોનિયા ગાંધીનું પહેલું નિશાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હતા, આ વખતે રાહુલ ગાંધી સીધા અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધી રહ્યા છે.
રાહુલ ગાંધીએ અરવિંદ કેજરીવાલ પર દિલ્હી રમખાણો દરમિયાન ગુમ થવાનો અને લોકોને છેતરવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધી કહે છે, 'જ્યારે ગરીબોને તેમની જરૂર હતી, ત્યારે તેઓ દેખાતા નહોતા... જ્યારે દિલ્હીમાં હિંસા થઈ, ત્યારે તેઓ ક્યાંય દેખાતા નહોતા.'
2020ના રમખાણો દરમિયાન, સોનિયા ગાંધીએ BJP પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે ભૂતપૂર્વ PM મનમોહન સિંહ સાથે રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ પણ કરી હતી. તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને અમિત શાહ સામે કાર્યવાહી કરવા અને PM નરેન્દ્ર મોદીને રાજધર્મ અંગે સલાહ આપવા અપીલ કરવામાં આવી હતી, પરંતુ જેવા BJPના નેતાઓએ આગળ આવીને ગાંધી પરિવારને 1984ના શીખ રમખાણોની યાદ અપાવીને હુમલો કર્યો. ત્યારે આખો મામલો શાંત થઇ ગયો.
શીખ રમખાણો ગાંધી પરિવારની નબળી કડી રહી છે, રાહુલ ગાંધી આ મુદ્દા પર નિવેદનો આપવાનું ટાળે છે, તેઓ એવી વાતો કેમ કહે છે કે, જેના જવાબમાં 84ના રમખાણોનું ઉદાહરણ આપવામાં આવે છે, અને માત્ર અરવિંદ કેજરીવાલ જ નહીં, હવે તો BJPના નેતાઓ પણ રાહુલ ગાંધીને 84ના રમખાણોની યાદ અપાવીને હુમલો કરશે.
લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ થતાં જ આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે, તે દિલ્હી વિધાનસભાની ચૂંટણી એકલા લડશે. હરિયાણા ચૂંટણીમાં કોંગ્રેસ અને AAP વચ્ચે ચૂંટણી ગઠબંધન અંગે ઘણી ચર્ચા થઈ હતી, પરંતુ એવું કંઈ થયું નહીં.
દિલ્હી ચૂંટણી માટે સીલમપુરમાં પહેલી જ રેલીમાં રાહુલ ગાંધીએ PM નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલને સમાન રીતે નિશાન બનાવીને પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો, અને હવે પટપડગંજમાં તેમના ભાષણથી સ્પષ્ટ થઈ ગયું છે કે, કોંગ્રેસનો તાજેતરનો નિર્ણય અરવિંદ કેજરીવાલને લઈને દ્રષ્ટિકોણ શું છે? કેજરીવાલ પછી AAPમાં નંબર 2 ગણાતા મનીષ સિસોદિયા પટપડગંજથી ચૂંટણી લડી રહ્યા છે. દિલ્હી દારૂ નીતિ કેસમાં 17 મહિના જેલમાં રહ્યા પછી મનીષ સિસોદિયા બહાર આવ્યા છે.
આશ્ચર્યજનક વાત એ છે કે, દિલ્હી એક્સાઇઝ પોલિસીના જે કેસને લઈને રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલ પર હુમલો કરી રહ્યા છે, તેમની જ ધરપકડનો વિરોધ કરવા માટે કોંગ્રેસના નેતાઓ પણ જંતર-મંતર પહોંચ્યા હતા, આમ આદમી પાર્ટી અને INDIA બ્લોકના વિપક્ષી પક્ષો સાથે, કોંગ્રેસના નેતાઓ ગૌરવ ગોગોઈ અને પ્રમોદ તિવારી પણ જંતર-મંતર પહોંચ્યા અને અરવિંદ કેજરીવાલની ધરપકડનો વિરોધ કર્યો હતો, અને રાહુલ ગાંધીએ પોતે લોકસભામાં જે બે CMની ધરપકડનો ઉલ્લેખ કર્યો હતો. તેમાંથી એક અરવિંદ કેજરીવાલ હતા, ભલે તેમણે નામ ન લીધું હોય.
હવે એ જ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારમાં એ જ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધે છે, 'જ્યારે રાજકારણમાં આવ્યા ત્યારે તેમની પાસે એક નાની કાર હતી... કહ્યું હતું કે હું નવા પ્રકારનું રાજકારણ કરીશ અને દિલ્હી બદલીશ... એક વાર તો વીજળીનો થાંભલો ઉપર ચઢી ગયા હતા.
હવે રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલની જીવનશૈલી વિશે કહી રહ્યા છે, 'તે શીશમહલમાં રહે છે, આ સત્ય છે.'
દિલ્હી રમખાણોની જેમ, રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવે છે, પરંતુ આ પગલું ઉલટું પડે છે. એવું કહેવાય છે કે તેમણે સ્વચ્છ રાજકારણનો દાવો કર્યો હતો... અને દિલ્હીમાં સૌથી મોટું દારૂ કૌભાંડ થયું છે.
રાહુલ ગાંધી કહે છે, '... અને એક વાર આ સમજી લો... મને ખબર નથી કે બીજી બધી પાર્ટીના સભ્યો PM મોદીથી ડરે છે કે નહીં... પણ કેજરીવાલ ચોક્કસ ધ્રુજી જાય છે.'
કોંગ્રેસે રાહુલ ગાંધીના આ ભાષણને સોશિયલ સાઇટ X પર શેર કર્યું છે, અને આ જ વીડિયોને ફરીથી પોસ્ટ કરીને, અરવિંદ કેજરીવાલ X પર પૂછી રહ્યા છે કે, તમારી હજુ સુધી ધરપકડ કેમ નથી થઈ. ગમે તે હોય, પણ અરવિંદ કેજરીવાલ તો જેલમાં પણ જઈને આવ્યા છે, જ્યારે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ED દ્વારા નોટિસ આપ્યા પછી ફક્ત પૂછપરછ માટે હાજર થયા છે.
અરવિંદ કેજરીવાલે X પર લખ્યું, PM મોદીજી દારૂ કૌભાંડ જેવા ખોટા કેસ બનાવીને પણ લોકોને જેલમાં નાખે છે... નેશનલ હેરાલ્ડ જેવા ખુલ્લા અને બંધ કેસોમાં તમને અને તમારા પરિવારની હજુ સુધી કેમ ધરપકડ કરવામાં આવી નથી? રોબર્ટ વાડ્રાને BJP તરફથી ક્લીનચીટ કેવી રીતે મળી? ભય અને બહાદુરી પર ઉપદેશ ન આપો તો જ વધુ સારું છે... દેશ જાણે છે કે કોણ કાયર છે અને કોણ બહાદુર.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp