ડૉલર સામે નબળો રૂપિયો ફક્ત સરકાર-RBIનું ટેન્શન નથી,આપણા જીવન સાથે પણ જોડાયેલુંછે

PC: aajtak.in

તમારા ખિસ્સામાં પડેલી નોટ એ તમારી સૌથી મોટી શક્તિ છે, જેનું ખિસ્સું જેટલું મોટું, તે તેટલો વધુ શક્તિશાળી છે, પરંતુ જે રૂપિયા પર તમે પોતાની તાકાત બતાવી રહ્યા છો, તે પૈસા પોતે જ હાંફી રહ્યા છે. અમેરિકી ડૉલર સામે ભારતીય ચલણનું મૂલ્ય ઘટી રહ્યું છે. મંગળવારે ભારતીય રૂપિયો તેની સર્વકાલીન નીચી સપાટી 84.76 પ્રતિ ડૉલર પર પહોંચ્યો હતો. આ પહેલા સોમવારે ડૉલર સામે રૂપિયો 12 પૈસા ઘટીને 84.71 પર બંધ થયો હતો, જે અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર હતું. જો તમે એ વિચારી રહ્યા છો કે, આ બધા આંકડા સરકાર, અર્થતંત્ર અને RBIના છે તો જરા થોભો અને જુઓ. નબળો પડી રહેલો રૂપિયો માત્ર સરકાર અને રિઝર્વ બેંક માટે તણાવ પેદા કરે છે એવું નથી પણ એ આપણા ખિસ્સા પર પણ અસર કરે છે. આ નબળા રૂપિયાની અસર ગામડાથી લઈને શહેર સુધી દરેક જગ્યાએ જોવા મળશે. તમે અને તમારું ખિસ્સું તેનાથી બચી શકશે નહીં. જ્યારે કમાણી અને મોંઘવારીની વાત આવે છે, ત્યારે સમજો કે નબળો રૂપિયો તમારી સમસ્યાઓ કેવી રીતે વધારી શકે છે.

રૂપિયો જેમ જેમ નબળો પડતો જાય છે, સામાન્ય લોકોની પરેશાનીઓ વધતી જાય છે. રૂપિયો એકદમ તળિયે જવાની અસર મોંઘવારીથી લઈને GDP સુધીની દરેક વસ્તુ પર પડે છે. આયાત-નિકાસથી માંડીને વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓ સુધી. નબળા રૂપિયાનો માર સામાન્ય ગ્રાહકોને ભોગવવો પડશે. નબળા રૂપિયાની સીધી અસર તમારા ખિસ્સા પર પડવાની છે.

અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડી રહ્યો છે. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટાયા પછી રૂપિયા પર દબાણ વધી રહ્યું છે. તાજેતરમાં જ ટ્રમ્પ દ્વારા બ્રિક્સ દેશો સામે 100 ટકા ટેરિફ લાગુ કરવાની જાહેરાત પછી રૂપિયો વધુ ગગડી રહ્યો છે. ટ્રમ્પે ધમકી આપી હતી કે, જો બ્રિક્સ દેશો ડૉલરથી દૂર રહેવાની કોશિશ કરશે અને બ્રિક્સ ચલણ લાવવામાં આવશે તો તેમના પર 100 ટકા ટેરિફ ડ્યુટી લાદવામાં આવશે. ટ્રમ્પના આ નિવેદન પછી રૂપિયો ઐતિહાસિક રીતે નબળા સ્તરે આવી ગયો હતો.

જેમ જેમ રૂપિયો નબળો પડતો જશે, તેમ તેમ તેની અસર તમારા જીવન અને ખિસ્સા પર પડશે. જેમ જેમ રૂપિયો નબળો પડતો જશે, તેમ તેમ સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધતી જશે. મોંઘવારીનો માર તમારે સહન કરવો પડશે. રૂપિયો નબળો પડવાને કારણે આયાત ખર્ચ વધશે. આપણે વિદેશમાંથી સામાન ખરીદવા માટે વધુ ખર્ચ કરવો પડશે. જો કે મોટાભાગની આયાત અને નિકાસ ડૉલરમાં થતી હોવાથી, જો રૂપિયો નબળો પડશે તો આપણે વધુ ખર્ચ કરવો પડશે અને મોંઘવારી વધશે.

અહીં તમને જણાવી દઈએ કે, ભારત પોતાની જરૂરિયાતના 85 ટકા તેલની આયાત કરે છે. ડૉલર સામે રૂપિયો નબળો પડવાને કારણે તેલની આયાત ખર્ચ વધશે. તેલ મોંઘું થવાનો અર્થ માલવાહક પરિવહન ખર્ચમાં વધારો થાય છે, જેના કારણે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ વધે છે. એટલે કે તેની સીધી અસર સામાન્ય માણસ દ્વારા ઉપયોગમાં લેવાતા સામાન પર પડશે અને દેશમાં મોંઘવારી વધશે.

રૂપિયો નબળો પડવાને કારણે RBIની કરન્સી રિઝર્વમાં ઘટાડો થઈ શકે છે. રૂપિયાના ઘટાડાને રોકવા માટે, રિઝર્વ બેંકે તેના અનામતમાંથી વધુ ડૉલર ખર્ચવા પડશે, જેના કારણે દેશની વિદેશી મુદ્રા ભંડાર ઘટી જશે અને તેની અસર દેશની GDP અને દેશની અર્થવ્યવસ્થા પર પડી શકે છે. જે આયાતકારો વિદેશમાંથી ઈલેક્ટ્રોનિક્સ અને ખાતર કે અન્ય ચીજવસ્તુઓની આયાત કરે છે તેમના ખર્ચમાં વધારો થશે. તેમને આ સામાન મંગાવવા માટે વધુ ખર્ચ કરવો પડશે અને તેઓ ગ્રાહકો પાસેથી આ વધેલા ખર્ચની વસુલાત કરશે એટલે કે ફક્ત તમારી પાસેથી જ. ભારતમાં મોટાભાગના મોબાઈલ ફોન, ગેજેટ્સ, ઈલેક્ટ્રીકલ સામાનના ભાગો વગેરે વિદેશમાંથી આયાત કરવામાં આવે છે. એટલે કે જો રૂપિયો નબળો પડશે તો તેની કિંમત અને તેનાથી બનેલી વસ્તુઓની કિંમતો વધી જશે.

મોંઘી આયાતને કારણે માત્ર મોબાઈલ ફોન કે ગેજેટ્સ જ મોંઘા નહીં થાય, પરંતુ સરસવ અને રિફાઈન્ડ તેલ પણ મોંઘા થશે. આ તેલનો ઉપયોગ કરીને બનાવેલી ચીપ્સ અને નમકીન જેવી વસ્તુઓ મોંઘી થશે. તેલના ભાવ વધારાને કારણે માલવાહક પરિવહન મોંઘું થશે. શાકભાજી, ફળ, દૂધના ભાવમાં વધારો થશે. વધતી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે RBIએ વ્યાજદર વધારવો પડશે. એટલે કે તમારી લોન, હોમ લોન, કાર લોન બધું મોંઘું થઈ જશે. મોંઘવારી અને વ્યાજદરમાં વધારાથી દેશમાં રોજગાર પર અસર થશે. MSME અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોજગાર પર દબાણ આવી શકે છે. આયાત ડ્યુટીમાં વધારો થવાથી વેપાર ખાધ વધશે.

રૂપિયાની નબળાઈને કારણે જે માતા-પિતાના બાળકો વિદેશમાં અભ્યાસ કરે છે, તેમના પર તેની અસર પડશે. નબળા રૂપિયાના કારણે, તેઓએ તેમના બાળકોની ફી અને તેમના રહેવા ખાવાના ખર્ચ માટે વધુ પૈસા મોકલવા પડશે. એ જ રીતે વિદેશમાં ફરવા જનારાઓએ પણ વધુ પૈસા ચૂકવવા પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp