ભાજપશાસિત આ રાજ્યના મુખ્યમંત્રીએ CM પદેથી આપી દીધું રાજીનામું

PC: PIB

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા બિપ્લબ દેબે અચાનક મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા છે. બિપ્લબ દેબે ત્રિપુરાના મુખ્યમંત્રી પદેથી રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું છે. તેઓ આજે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને રાજીનામું આપવા ગયા હતા. રાજીનામું આપ્યા બાદ તેમણે મીડિયાને કહ્યું હતું કે, તેમના માટે પાર્ટીનો નિર્ણય સર્વોપરી છે. પાર્ટી હાઇકમાનના કહેવા પર તેમણે ત્રિપુરાના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. જો કે ત્રિપુરાના નવા મુખ્યમંત્રી કોણ બનશે, તેના પર તેમણે કોઈ જવાબ નહોતો આપ્યો.

રિપોર્ટ્સ મુજબ બિપ્લબ દેબને લઈને સંગઠનમાં નારાજગી ચાલી રહી છે. તેમના લીધે બે ધારાસભ્યોએ પાર્ટી પણ છોડી દીધી છે. વિધાનસભા ચૂંટણીની રણનીતિને લઈને ભાજપ કોઈ રિસ્ક નથી લેવા માગતી. તમને જણાવી દઈએ કે આવતા વર્ષે 2023મા ત્રિપુરામાં ચૂંટણી યોજાવાની છે. ગુજરાતની જેમ ત્રિપુરામાં મંત્રીથી લઈને સંગઠનમાં મોટા ફેરબદલ થાય તેવી સંભાવના છે. બિપ્લબ દેબ રાજીનામા બાદ સંગઠનમાં કોઈ પદ સંભાળે તેવી વાત ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે બિપ્લબ દેબ 2018મા ત્રિપુરાના CM બન્યા હતા. આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. એવામાં ભારતીય જનતા પાર્ટીનું માનવું છે કે, રાજ્યમાં નવા ચહેરાને તક આપવામાં આવે.

બિપ્લબ દેવ પોતાના વિવાદાસ્પદ નિવેદનોને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. 2020મા ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબે કહ્યું હતું કે પૂર્વોત્તર રાજ્યોમાં 80 ટકા ઘરોમાં જો સ્વામી વિવેકાનંદની તસવીર હોય તો ભાજપા સરકાર અહીં આવતા ત્રણ દશકા સુધી સત્તામાં રહી શકે છે. પાર્ટીની શાખા ભાજપા મહિલા મોરચાના સભ્યોને સંબોધિત કરતા દેબે કાર્યકર્તાઓને સ્વામી વિવેકાનંદના સંદેશો પ્રસાર કરવા અને રાજ્યમાં લોકોને પ્રોત્સાહિત કરવા માટે તેમની તસવીર વહેંચવા કહ્યું હતું. દેબે કહ્યું કે, મેં જોયું છે, મારા ગામમાં પણ લોકોએ કમ્યુનિસ્ટ નેતા જ્યોતિ બાસુ, જોસફ સ્ટાલિન, માઓ જેડોંગની તસવીરો ઘરોમાં લગાવી રાખી છે. શું આપણે સ્વામી વિવેકાનંદની તસવીરો ન લગાવી શકીએ. આપણી પાર્ટી આપણી વિચારધારાઓ અને સંસ્કારોને કાયમ રાખશે. જો ત્રિપુરાના 80 ટકા ઘરોમાં સ્વામી વિવેકાનંદની તસવીરો હોય તો સરકાર આવનારા 30-35 વર્ષ સુધી સત્તામાં રહી શકે છે.

તેમણે કહ્યું હતું કે, સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે ઓછું બોલો, શાંત રહો અને કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. વધારે બોલવાથી આપણી ઊર્જા નષ્ટ થઇ જાય છે. માટે આપણે આપણી ઉર્જા નષ્ટ કરવી જોઇએ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp