ભારતની કૂટનીતિ ચાલથી ટ્રમ્પે ટેરિફ વોરમાં ભારતને આપી રાહત, જાણો કેમ?

PC: aajtak.in

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયામાં ટેરિફ યુદ્ધ શરૂ કરી દીધું છે. બે દિવસ પહેલા જ, તેમણે કેનેડા, ચીન અને મેક્સિકોથી આયાત થતી વસ્તુઓ પર ટેરિફમાં ભારે વધારો કર્યો હતો. આના જવાબમાં, કેનેડા અને મેક્સિકોએ પણ અમેરિકાથી થતી આયાત પર ટેરિફ વધારી દીધો છે. જોકે, અમેરિકાએ અત્યાર સુધી ભારતને આ સમગ્ર કવાયતથી દૂર રાખ્યું છે, જ્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે ભારતના ઊંચા ટેરિફની પણ ટીકા કરી હતી. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ છે કે ટ્રમ્પે ભારતને આ ટેરિફ યુદ્ધથી કેમ દૂર રાખ્યું?

આમ જોવા જઈએ તો, ડોનાલ્ડ ટ્રમ્પના ચીન, કેનેડા અને મેક્સિકોથી થતી આયાત પર ટેરિફ વધારવાના આદેશના બીજા જ દિવસે, ભારત સરકારે તેના સામાન્ય બજેટમાં ઘણી વસ્તુઓ પરની આયાત ડ્યુટીમાં મોટો ઘટાડો કર્યો છે. નિષ્ણાતો માને છે કે સરકારના આ પગલાથી અમેરિકાની ચિંતાઓ ઘણી હદ સુધી ઓછી થઈ છે.

ટ્રમ્પનો આ નિર્ણય 1 ફેબ્રુઆરીથી અમલમાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોથી આવતા માલ પર 25 ટકા ડ્યુટી લગાવી છે. ચીનથી આવતા માલ પર 10 ટકા ડ્યુટી લગાવવામાં આવી છે. પરંતુ એવું લાગે છે કે, ટ્રમ્પે અત્યાર સુધી ભારતને તેમના ટેરિફ યુદ્ધથી બચાવ્યું છે. પ્રશ્ન એ છે કે, શું ડોનાલ્ડ ટ્રમ્પ આગામી દિવસોમાં ભારત સામે ટેરિફ લાદશે કે પછી ભારત ટેરિફ હુમલાથી બચી જશે?

ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ હુમલાના જવાબમાં, ત્રણેય દેશોએ અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ વધારવાની ધમકી આપી છે. કેનેડાએ મંગળવારથી US આયાત પર 25 ટકા ટેરિફ લાદવાનો આદેશ આપ્યો છે. મેક્સિકો અને ચીને પણ કહ્યું છે કે, યોગ્ય પગલાં લેવામાં આવશે.

આ ટેરિફ વોરમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને હાલ પૂરતી રાહત આપી છે. ગયા સપ્ટેમ્બરમાં ટ્રમ્પે ભારતને આયાત ડ્યુટીના મામલે શોષણ કરનારો દેશ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું..., 'ભારતના લોકો ખૂબ જ બુદ્ધિશાળી છે. તેઓ પાછળ નથી... તમે જાણો છો, તેઓ તેમની રમતમાં ટોચ પર છે અને તેઓ તેનો ઉપયોગ આપણી સામે કરે છે. આ પહેલા 2019માં પણ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ટેરિફ કિંગ કહ્યું હતું. આનાથી એવી અટકળો શરૂ થઈ કે, ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સામે પણ ટેરિફ લગાવી શકે છે.

પરંતુ હાલમાં આવું બન્યું નહીં, કદાચ આનું કારણ એ હોઈ શકે કે, ભારતે અમેરિકા માટે તેના ટેરિફ ઘટાડ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં હાઇ-એન્ડ મોટરસાયકલો, કાર અને સ્માર્ટફોનના ભાગો પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી, જેનાથી હાર્લી-ડેવિડસન, ટેસ્લા અને એપલ જેવી US કંપનીઓને ફાયદો થઈ શકે છે.

1600 ccથી ઓછી એન્જિન ક્ષમતા ધરાવતી મોટરસાઇકલ પર ડ્યુટી 50થી ઘટાડીને 40 ટકા કરવામાં આવી છે. 1600 ccથી વધુ એન્જિન ક્ષમતા ધરાવતી મોટી મોટરસાઇકલ પર આ ઘટાડો વધુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, 40,000 ડૉલરથી વધુ કિંમતની લક્ઝરી કાર પરનો ટેરિફ દર 125થી ઘટાડીને 70 ટકા કરવામાં આવ્યો છે.

ભારતના નાણાં સચિવ તુહિન કાંતા પાંડે કહે છે કે, અમે 150 ટકા, 125 ટકા, 100 ટકા, 40 ટકા, 35 ટકા, 30 ટકા, 25 ટકા જેવા ઊંચા ટેરિફ દરો નાબૂદ કર્યા છે. આ દ્વારા અમે ઉદ્યોગ અને વિશ્વને સંકેત આપવા માંગીએ છીએ કે, આપણે ઊંચા ટેરિફ ધરાવતો દેશ નથી. અમારો સરેરાશ ટેરિફ હવે 10.6 ટકા છે, જે પહેલા 11.55 ટકા હતો.

એવું લાગે છે કે, ભારત ટ્રમ્પના ટેરિફથી બચવા માટે રણનીતિ પર કામ કરી રહ્યું છે. એક બિઝનેસ અખબાર સાથે વાત કરતા, બે અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારત આગામી મહિનામાં એક વિગતવાર યોજના રજૂ કરે તેવી શક્યતા છે. જોકે, આ US સરકારના નિર્ણયો પર નિર્ભર રહેશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, યોજના પર કામ ચાલી રહ્યું છે. અમેરિકા કઈ વસ્તુઓ પર ટેરિફ લાદી શકે છે, તેની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ઉદ્યોગને પણ આ અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

આ અંગે નાણા સચિવ તુહિન કાંતા પાંડે કહે છે કે, તે જ્યારે થશે તે વખતે જોઈ લેવામાં આવશે. અમેરિકા આપણી સામે ટેરિફ લાદશે એવું કહેવું આપણા માટે સમય પહેલાનું ગણાશે. પરંતુ એ સ્પષ્ટ છે કે, ભારત અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ ટાળવા માંગે છે.

અમેરિકા ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર અને સૌથી મોટું નિકાસ બજાર છે. કદાચ આ જ કારણસર, દિલ્હીએ ઘણી વસ્તુઓ પર ટેરિફ ઘટાડી દીધા છે. આનાથી વોશિંગ્ટનને ફાયદો થઈ શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC)ના ચેરમેન સંજય કુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે, બજેટની જાહેરાતોએ ભારતના વ્યવસાયિક ભાગીદારોને સકારાત્મક સંકેતો આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp