
ઉત્તર પ્રદેશની યોગી સરકારના બાગાયત મંત્રીએ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સામે વિવાદિત નિવેદન આપીને રાજકારણમાં પલીતો ચાંપી દીધો છે. ભાજપના મંત્રીએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સામે પણ નિશાન સાધ્યું છે. ઉત્તર પ્રદેશની સરકારના બાગાયત મંત્રી દિનેશ પ્રતાપ સિંહે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સામે વિવાદિત નિવેદન આપ્યું છે. સાથે રાહુલ ગાંધીના પુજારી અને તપસ્વી વાળા નિવેદન પર પણ ટીપ્પણી કરી છે. દિનેશ સિંહે કહ્યું કે, એવો વ્યકિત શું દેશની સંસ્કૃતિ વિશે બતાવશે.
ભાજપના મંત્રી દિનેશ સિંહે કહ્યું કે, સોનિયા ગાંધી ઇટાલિયન છે અને આ દેશના નામ પર ધબ્બો છે. મંત્રીએ આગળ કહ્યું કે, આપણું કર્તવ્ય છે કે આપણે દરેક અંતિમ અંગ્રેજને દેશની બહાર કરી દઇશું. દિનેશ સિંહે કહ્યું કે, દેશમાં જ્યારે કોંગ્રેસની સરકાર બની હતી ત્યારે આ બહારની મહિલા દેશની પ્રધાનમંત્રી બનવા માંગતી હતી. પરંતુ એ સમયની નેતાગીરી અને રાષ્ટ્રપતિને હું ધન્યવાદ આપવા માંગું છું, જેમણે કહ્યું હતું કે કોઇ બહારની વ્યકિતને આ દેશના વડાપ્રધાન નહીં બનવા દેવાશે. યોગી આદિત્યનાથની સરકારના મંત્રી દિનેશ સિંહે કહ્યું કે, રાયબરેલીની પ્રજાએ સોનિયા ગાંધીને નકારી દીધા છે. ચૂંટણી જીત્યા પછી સોનિયા ગાંધીએ ક્યારેય રાયબરેલીમાં પગ મુક્યો નથી, તો એ બહારના નહીં તો બીજું શું છે.
દિનેશ પ્રતાપ સિંહે રાહુલ ગાંધીના પુજારી અને તપસ્વી વાળા નિવેદન પર કહ્યું હતું કે, દેશના પુજારીઓએ જ આ દેશ બનાવ્યો છે. આ બહારના લોકોને અહીંના સંસ્કાર વિશે કશી ખબર હોતી નથી. એમની ઉંમર 50 વર્ષની થઇ ગઇ છે છતા બહેનના ગાલ પર ચુંબન કરે છે જેને પ્રિયંકા ગાંધી પણ અસહજ મહેસૂસ કરતા દેખાઇ છે. આવી વ્યકિત દેશની સંસ્કૃતિ વિશે શું બતાવશે, એ લોકોને તો શરમ આવવી જોઇએ.
સોનિયા ગાંધી સામે નિવેદન આપનાર દિનેશ સિંહની રાજકીય સફર પણ જાણવા જેવી છે. દિનેશ સિંહ ઉત્તર પ્રદેશની બધી મોટી રાજકીય પાર્ટીમાં ફરી આવ્યા છે. સમાજવાદી પાર્ટીથી રાજકીય કારકિર્દી શરૂ કરનાર દિનેશ સિંહ કોંગ્રેસમાં પણ ગયા હતા અને એ પછી ભાજપમાં આવી ગયા હતા. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે રાયબરેલી બેઠક પરથી સોનિયા ગાંધી સામે દિનેશ સિંહને ટિકિટ આપી હતી, પરંતુ તેઓ સોનિયા ગાંધી સામે હારી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp