26th January selfie contest

UPમાં રેપ બાદ બાળકીના મોત અંગે ન્યાય માગવા પહોંચેલા પરિવારજનોને SPએ માર્યો માર!

PC: https://akm-img-a-in.tosshub.com

ફરી એકવાર યુપી પોલીસનો અસંવેદનશીલ ચહેરો સામે આવ્યો છે. થોડાં દિવસ પહેલા જ ગોરખપુરમાં મનીષ ગુપ્તા હત્યાકાંડ અને પછી લખીમપુરમાં થયેલી હિંસાને લઈને યુપી પોલીસ વિવાદોમાં આવી હતી. હવે આઝમગઢમાં એક પોલીસ અધિકારીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમા SP ન્યાયની માગણી કરી રહેલા લોકો પર જ ગુસ્સો દર્શાવતા દેખાઈ રહ્યા છે. વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, SP એક વ્યક્તિને પકડીને ખેંચી રહ્યા છે, અને તેને તમાચા મારી રહ્યા છે.

મામલો યુપીના આઝમગઢ જિલ્લાના રૌનાપાર પોલીસ સ્ટેશનનો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કેટલાક ગામના લોકો પોતાની ફરિયાદ લઈને SP પાસે પહોંચ્યા હતા. તેમનો આરોપ હતો કે, તેમના પરિવારની 8 વર્ષની બાળકી સાથે રેપ કરીને તેને રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત થઈ ગયું. ત્યારબાદ પીડિત પરિવાર અને કેટલાક ગામના લોકો ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા. તેમની ફરિયાદ કોઈએ ના સાંભળી. વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર કાપીને થાકી ચુકેલા પીડિત ન્યાયની આશાએ SPની ઓફિસે પહોંચ્યા.

SPની ઓફિસમાં ફરિયાદ કરીને જેવા તે લોકો બહાર આવ્યા તો કેટલાક લોકોએ વિરોધ દર્શાવવાનો શરૂ કર્યો. ત્યારબાદ આઝમગઢના SP પીડિત પક્ષના એક યુવકને ધમકાવવા માંડ્યા. તેને પકડીને ખેંચીને લઈ ગયા. થપ્પડ પણ માર્યા. પરિવારના અન્ય લોકો છોડી દેવા માટે વિનંતી કરવા માંડ્યા. પરંતુ SP અટક્યા નહીં. વીડિયોમાં તેઓ કહેતા સંભળાઈ રહ્યા છે કે- એટલો માર મારીશ કે તને સીધો કરી નાંખીશ. એટલું જ નહીં, SP તે યુવકને કોલર પકડીને ખેંચીને રસ્તા પર થઈને ઓફિસમાં લઈ ગયા.

જ્યારે મામલાનો વીડિયો વાયરલ થયો અને હંગામો શરૂ થયો તો આઝમગઢ પોલીસ તરફથી સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું. દાવો કરવામાં આવ્યો કે, યુવક SPની કારની આગળ સૂઈ ગયો હતો. કેટલાક લોકો પથ્થર મારવા આગળ આવ્યા હતા. આ કારણે તેને પકડીને લઈ ગયા હતા. આઝમગઢ પોલીસે પોતાના ઓફિશિયલ ટ્વીટર અકાઉન્ટ પરથી ટ્વીટ કરતા લખ્યું-

તા. 13/10/21ના રોજ જન સુનાવણી દરમિયાન રૌનાપારના કેટલાક લોકો દ્વારા આપવામાં આવેલી અરજી પર તાત્કાલિક SP આઝમગઢ દ્વારા મામલો દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો. તેમ છતા તે લોકો દ્વારા SPના વાહનની આગળ સૂઈ જવુ તેમજ પથરાવ કરવાના પ્રયાસ સંબંધમાં SPનું આધિકારીક નિવેદન.

આઝમગઢના SP સુધીર કુમાર સિંહે પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું કે- બુધવારે રૌનાપાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક પુરુષ અને મહિલાઓ જન સુનાવણી દરમિયાન મને મળ્યા હતા. તેમની જે એપ્લીકેશન હતી, તેના પર ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જન સુનાવણી બાદ જ્યારે હું બહાર નીકળ્યો તો મારી ગાડીની આગળ એક નાની ઉંમરનો છોકરો સૂઈ ગયો. ત્યારબાદ કેટલાક લોકો પથ્થર મારવા માટે સામે આવી ગયા. આથી હું ગાડીમાંથી ઉતર્યો અને તેમને સામેથી હટાવીને ઓફિસમાં લઈ ગયો, ત્યાં પૂછપરછ બાદ તેને છોડી દેવામાં આવ્યો. તેમા કેટલાક લોકો રાજકીય લાભ લેવા માટે આ પ્રકારના ટ્વીટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર જે ચાલી રહ્યું છે તેમા કોઈ સત્યતા નથી.

પીડિતોનું કહેવુ છે કે, સ્થાનિક પોલીસ સ્ટેશનમાં છોકરી સાથે દુષ્કર્મની ઘટનાની સૂચના આપવામાં આવી. મોત વિશે પણ જાણ કરવામાં આવી, પરંતુ કોઈ સુનાવણી ના થઈ. ત્યારબાદ તેઓ SP ઓફિસ પહોંચ્યા હતા. પીડિતના પરિવારજનોની સાથે આઝમગઢ પોલીસનો વ્યવહાર તેમની કાર્યવાહી સામે સવાલો ઊભા કરે છે. જોકે, ગુરુવારે 14 ઓક્ટોબરની બપોરે આઝમગઢ પોલીસે ટ્વીટર પર જાણકારી આપી કે, મામલામાં આરોપી દીપકની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp