મંદિર નિર્માણ પહેલા VHP 2.75 લાખ ગામોમાં ભગવાન રામની મૂર્તિ મૂકશે

PC: google.co.in

વર્ષોથી ચાલતો રામ મંદિર અને બાબરી મસ્જિદના 2.77 એકર જમીનના વિવાદનો અંત 2019માં આવી ગયો છે. સુપ્રીમ કોર્ટે પુરાવાના આધારે 2.77 એકરની વિવાદિત જમીન રામલલ્લા બિરાજમાનને આપતા સરકારને 3 મહિનામાં એક ટ્રસ્ટનું નિર્માણ કરવા અને અયોધ્યામાં જ મસ્જિદના નિર્માણ માટે 5 એકર જમીન મુસ્લિમોને આપવા કહ્યું હતું. હવે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પહેલા વિશ્વ હિન્દુ પરિષદ(VHP) લગભગ 2.75 લાખ ગામોમાં ભગવાન રામની પ્રતિમા મૂકશે.

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પહેલા VHPએ એક મોટા કાર્યક્રમનું આયોજન કર્યુ છે, જેમાં VHP દેશના 2.75 લાખ ગામોમાં ભગવાન રામની પ્રતિમા મૂકાશે. આ કાર્યક્રમ રામોત્સવના નામથી ચાલશે. રામોત્સવ નામથી ચાલનારો કાર્યક્રમ 25 માર્ચથી શરૂ થશે અને 8 એપ્રિલે તેની પૂર્ણાહૂતિ થશે. વર્ષ 1989મા રામ મંદિર આંદોલન દરમિયાન આ 2.75 લાખ ગામોમાંથી ઇંટો આવી હતી.

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે VHP ખૂબ સક્રિય રહી છે અને હવે મંદિરના નિર્માણ પહેલા તેમણે એક મોટા કાર્યક્રમની જાહેરાત કરી છે. VHPની નજર રામ મંદિરના પુજારીઓ પર પણ છે. તેઓ મંદિર માટે દલિત પૂજારી રહે તેમ ઇચ્છે છે. VHP માને છે કે, દલિત પુજારીની વરણી દ્વારા સમાજમાં સમરસતાનો મોટો સંદેશો જશે. VHPનું એ પણ કહેવું છે કે, મંદિર નિર્માણ સરકારના પૈસાથી નહીં સમાજના પૈસાથી થશે.

એક તરફ રામ મંદિરના નિર્માણ માટે સરકાર પણ એક્શનમાં છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયના લગભગ બે મહિના બાદ મોદી સરકારે મંદિર સંબંધીત બધી બાબતો જોવા એક અલગ ડેસ્ક બનાવ્યું છે. તેની અધ્યક્ષતા એડિશનલ સેક્રેટરી સ્તરના અધિકારીઓ કરશે. ગૃહ મંત્રાલયે ગુરુવારે કહ્યું હતું કે, આયોધ્યા બાબતે અને કોર્ટના નિર્ણયો સાથે જોડાયેલી બાબતોને 3 અધિકારીઓ જોશે. આ ટીમનું નેતૃત્વ એડિશનલ સેક્રેટરી કરશે. અયોધ્યા પર સુપ્રીમ કોર્ટે નિર્ણય આપતા કહ્યું હતું કે કેન્દ્ર સરકાર 3 મહિનામાં રામ મંદિર નિર્માણ માટે એક ટ્રસ્ટ બનાવે અને મુસ્લિમોને મસ્જિદ બનાવવા અયોધ્યામાં 5 એકર જમીન આપવામાં આવે. હાલ સરકાર મંદિરના ટ્રસ્ટનું નિર્માણ કરવાનું કામ કરી રહી છે.

VHPના પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું હતું કે, ટ્રસ્ટનું કામ સરકારે કરવાનું છે. તેમા અમારો કોઇ હસ્તક્ષેપ નહીં હોય. જો દલિત પૂજારીની વરણી થશે તો તેનું સ્વાગત છે. VHP લાંબા સમયથી દલિત પુજારીઓને શોધવા લાગી ગયુ છે. VHPમાં ધર્માચાર્ય સંપર્ક વિભાગ અને આર્ચક પુરોહિત વિભાગ બનાવીને ઘણા સમયથી અનુસુચિત જાતિના લોકોને પુજા-પાઠ માટેનું શિક્ષણ આપીને પુજારી બનાવવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

રામ મંદિરના આંદોલનમાં દલિતોને જોડવા VHP જેવા સંગઠનો પહેલાથી જ લાગ્યા છે. 9 નવેમ્બર 1989ના રોજ જ્યારે રામ મંદિરનો પાયો નંખાઇ રહ્યો હતો ત્યારે પહેલી ઇંટ બિહારના દલિત કાર્યકર્તા કામેશ્વર ચોપાલના હાથે મુકાવવામાં આવી હતી. તેના દ્વારા રામ મંદિર આંદોલન પાછળ સંપૂર્ણ હિન્દુ સમાજને ઉભા રહેવાનો સંદેશ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp