જમ્મુના રાજૌરીમાં રહસ્યમય બીમારીથી 17ના જીવ ગયા, પછી ગામ 'કન્ટેનમેન્ટ ઝોન' જાહેર

જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં રહસ્યમય રોગના ફેલાવાને કારણે ગભરાટ ફેલાયો છે. રાજૌરી વિભાગના દૂરના બાદલ ગામમાં આ ગંભીર બીમારીથી અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા તમામ 17 લોકો ત્રણ અલગ અલગ પરિવારના હતા. સાવચેતીના પગલાં લેતા, સરકારે આખા ગામને જ કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરી દીધું છે.
કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કર્યા પછી, આ ગામના લોકો કોઈપણ જાહેર કે ખાનગી કાર્યક્રમનું આયોજન કરી શકશે નહીં, કે કોઈ કાર્યક્રમમાં ભાગ લઈ શકશે નહીં. આટલી મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ પછી પણ, હજુ પણ એક વ્યક્તિ આ રોગથી પીડિત છે અને તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
રાજૌરીના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજીવ કુમાર ખજુરિયાએ ગામને ત્રણ નિયંત્રણ વિસ્તારોમાં વિભાજીત કરવાનો આદેશ બહાર પાડયો હતો. પહેલા ક્ષેત્રમાં એવા બધા પરિવારોનો સમાવેશ થાય છે જેમના ઘરમાં મૃત્યુ થયા છે. જે લોકો રહસ્યમય રોગથી પ્રભાવિત લોકોના સંપર્કમાં આવ્યા છે તેમને બીજા કન્ટેઈનમેન્ટ ઝોનમાં રાખવામાં આવશે. આ લોકો પર સતત નજર રાખવામાં આવશે. તેમને સરકારી મેડિકલ કોલેજ રાજૌરીમાં ટ્રાન્સફર કરવામાં આવશે અને ત્યાં જ જવું ફરજિયાત રહેશે.
આ ઉપરાંત, કન્ટેઈનમેન્ટ ઝોન-3 પણ બનાવવામાં આવ્યો છે, જેમાં બાકીના ઘરોને આવરી લેવામાં આવશે. આ બધા ઝોનમાં રહેતા લોકો માટે ખોરાક અને પાણીની દેખરેખ રાખવા માટે કામદારો પણ તૈનાત કરવામાં આવશે. આદેશનું સંપૂર્ણ પાલન થાય તે માટે પોલીસકર્મીઓ પણ તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત, લોગ બુક જાળવવા માટે અધિકારીઓને પણ તૈનાત કરવામાં આવશે.
આ રોગને કારણે જે પરિવારોએ પોતાના સગાં ગુમાવ્યા છે તેમના ઘરોને સીલ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારપછી પરિવારના સભ્યો સહિત કોઈપણ વ્યક્તિને તે ઘરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ઘર સીલ કર્યા પછી, ફક્ત અધિકૃત કર્મચારીઓ અને અધિકારીઓ જ તેમાં પ્રવેશ કરી શકશે.
આ રોગ વધુ લોકોમાં ન ફેલાય તે માટે, ગામમાં કોઈ જાહેર કે ખાનગી કાર્યક્રમનું આયોજન ન થાય તેની ખાસ કાળજી લેવામાં આવી રહી છે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કન્ટેઈનમેન્ટ ઝોનમાં પરિવારોને આપવામાં આવતા ખોરાકની દેખરેખ રાખવાની જવાબદારી તૈનાત અધિકારીઓની રહેશે.
આદેશમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, કન્ટેઈનમેન્ટ ઝોનમાં રહેતા પરિવારોએ ફક્ત વહીવટીતંત્ર દ્વારા પૂરા પાડવામાં આવતા ખોરાક અને પાણીનો જ ઉપયોગ કરવાનો રહેશે. ઘરોમાં રાખેલા કોઈપણ ખાદ્ય પદાર્થોના વપરાશ પર પ્રતિબંધ રહેશે. ચેપગ્રસ્ત ઘરોમાં રાખેલી તમામ ખાદ્ય ચીજો તાત્કાલિક જપ્ત કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આ બધી કાર્યવાહી એવા સમયે કરવામાં આવી રહી છે જ્યારે CM ઓમર અબ્દુલ્લાએ તાજેતરમાં ગામની મુલાકાત લીધી હતી.
અહીં તમને જણાવી દઈએ કે, ગામને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNS)ની કલમ 163 હેઠળ કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. આ કલમ મેજિસ્ટ્રેટને કટોકટીમાં લેખિત આદેશો બહાર પાડવાની સત્તા આપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp