26th January selfie contest

PFI પ્રદર્શનમાં હિંસા, કેરળમાં ઘણી જગ્યાએ બોમ્બ ધડાકા; 70 બસો તોડી

PC: enavabharat.com

શુક્રવારે કેરળમાં ઇસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI) દ્વારા એક દિવસની હડતાળ વચ્ચે રાજ્યમાં અનેક સ્થળોએ હિંસા ફાટી નીકળી હતી. રાજ્યભરમાં જાહેર પરિવહન બસો પર પથ્થરમારો, દુકાનો, વાહનોને નુકસાન અને હિંસાની ઘટનાઓ પણ નોંધાઈ છે. મામલો વધી જતાં કેરળ હાઈકોર્ટે જાતે મામલો હાથમાં લેવો પડ્યો છે. કોર્ટે પોલીસને જાહેર સંપત્તિને નુકસાન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

રાજ્યના વિવિધ ભાગોમાં લગભગ 70 સરકારી બસોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, ઘણી જગ્યાએ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા અને કન્નુર (ઉત્તર કેરળ)માં RSS કાર્યાલય પર બદમાશો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. કન્નુરમાં PFIનો એક કાર્યકર જીવંત બોમ્બ સાથે ઝડપાયો છે. હિંસાના સંબંધમાં 200થી વધુ PFI કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ એમ્બ્યુલન્સ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. હિંસામાં 12 બસ મુસાફરો અને છ ડ્રાઇવરો ઘાયલ થયા હતા.

કેરળ હાઈકોર્ટે આજે PFIની હડતાલ અને રાજ્યમાં હિંસાની ઘટનાઓની જાતે નોંધ લીધી છે. કોર્ટે કહ્યું કે તેણે હડતાળ પર પહેલાથી જ પ્રતિબંધ લગાવી દીધો છે અને જાહેર સંપત્તિને નુકસાન સ્વીકારવામાં આવશે નહીં. કોર્ટે રાજ્ય પ્રશાસનને હડતાળ પર પ્રતિબંધ મૂકતા તેના આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.

કેરળ હાઈકોર્ટે પોલીસને PFI રાજ્ય સચિવ એ અબુબકર વિરુદ્ધ કેસ નોંધવા કહ્યું છે. અબુબકરે રાષ્ટ્રવ્યાપી દરોડા અને PFI પદાધિકારીઓની ધરપકડના વિરોધમાં ગુરુવારે હડતાળનું આહ્વાન કર્યું હતું. પોલીસ યોગ્ય રીતે કામ કરતી નથી તેની પણ ટીકા થઈ રહી છે. વિરોધ પક્ષ ભાજપે કહ્યું કે કેરળ પોલીસે નમ્રતાપૂર્વક કટ્ટરપંથી સંગઠનનો સામે આત્મસમર્પણ કર્યું.

કન્નુરમાં સવારે અખબારો લઈ જતી ખાનગી વાન પર બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. તે જ જિલ્લામાં પોલીસે બે પેટ્રોલ બોમ્બ સાથે PFI કાર્યકરની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે, કોઝિકોડમાં તેમના વાહન પર પથ્થરમારો થતાં એક 15 વર્ષની છોકરી અને એક ઓટો ડ્રાઈવરને ઈજા થઈ હતી. કોલ્લમમાં બાઇક પર સવાર હુમલાખોરોએ પોલીસના વાહન પર હુમલો કર્યો, જેમાં બે પોલીસકર્મીઓ ઘાયલ થયા. પોલીસે જણાવ્યું કે હુમલાખોરોએ ઘણી જગ્યાએ મોઢા ઢાંકેલા હતા.

હુમલાખોરોએ બંધ પાળવાની ફરજ પાડ્યા બાદ પોલીસે કોટ્ટાયમના એરાતુપેટા ખાતે લાઠીચાર્જ કર્યો હતો. કન્નુરના મત્તાનુરમાં RSSની ઓફિસ પર બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. જો કે, પાયનુરમાં સ્થાનિક લોકોએ બંધમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો. સાથે જ તેમણે PFIના કાર્યકરોને ખુબ માર માર્યો હતો જેમાં ચાર કાર્યકરો ઘાયલ થયા હતા. કોઝિકોડમાં વિરોધીઓએ એક ન્યૂઝ ચેનલના વાહન પર હુમલો કર્યો. હિંસા મામલે પોલીસે અત્યાર સુધીમાં 200 PFI કાર્યકરોની ધરપકડ કરી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, CCTV ફૂટેજ તપાસ્યા બાદ સાંજે વધુ ધરપકડ કરવામાં આવશે. કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને બાદમાં સોશિયલ મીડિયા પર વિરોધીઓને તેમની બસો અને સ્ટાફને બચાવવા વિનંતી કરી.

સરકારે હજુ સુધી હિંસક ઘટનાઓ પર પ્રતિક્રિયા આપી નથી, પરંતુ પોલીસ વડા અનિલ કાન્તે જણાવ્યું હતું કે, બંધ દરમિયાન જાહેર સંપત્તિનો નાશ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, 'સ્થિતિ હવે નિયંત્રણમાં છે. પોલીસ ગુનેગારોને છોડશે નહીં.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp