કેજરીવાલે ગાંધીનગરમાં હાર પછી વિધાનસભા ચૂંટણી માટે આપ નેતાઓને આપી આ સલાહ

PC: business-standard.com

ગાંધીનગર અને ગુજરાતના રાજકારણને પારખી ગયેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ કહ્યું છે કે વિધાનસભાની ચૂંટણી જીતવા માટે પક્ષના કાર્યકરોએ ખૂબ મહેનત કરવી પડશે. હજી આપણી પાસે એક વર્ષનો સમય છે તેથી મતદારો અને લોકોના દિલમાં ઉતરી જવાની જરૂર છે.

ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓની બેઠકમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આવેલા પરિણામોથી હતાશ થયા વિના કેજરીવાલે એવી શીખ આપી હતી કે આવી સ્થિતિ રહેશે તો આપણે માત્ર કોંગ્રેસને પરાસ્ત કરી શકીશું પણ ભાજપને નહીં, કારણ કે ભાજપ એડવાન્સ છે અને ગુજરાતમાં વર્ષોથી ભાજપ સત્તા પર છે.

કેજરીવાલે કહ્યું હતું કે ગુજરાતના મતદારો ભાજપ અને કોંગ્રેસથી નાખૂશ છે પરંતુ તેમને ત્રીજો વિકલ્પ હજી સુધી મળ્યો નથી. આપણે જો ત્રીજો વિકલ્પ બનીશું તો વિધાનસભાના પરિણામ આપણી તરફેણમાં આવી શકે છે. જો કે તેના માટે ખૂબ મહેનત કરવાની જરૂર છે.

દિલ્હીમાં કેજરીવાલને મળીને આવેલા એક નેતાએ કહ્યું હતું કે અમને દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં બેસ્ટ વિકલ્પ છે પરંતુ તેના માટે પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકરોએ સાથે મળીને મહેનત કરવી પડશે.

કેજરીવાલે એવી પણ ટકોર કરી હતી કે કોંગ્રેસના સભ્યો ચૂંટાયા પછી રૂપિયા ખાતર વેચાઇ જાય છે પરંતુ આપણે વેચાવાનું નથી. દિલ્હીમાં જે રીતે પાર્ટી કામ કરી રહી છે તેવી રીતે ગુજરાતમાં પાર્ટી કામ કરશે તો લોકોનો વિશ્વાસ જીતશે અને ચૂંટણીમાં ફાયદો થશે.સુરતનું પરિણામ આપણે બદલ્યું છે પરંતુ ગાંધીનગરમાં બદલી શકાયું નથી. જો કે તેમણે સ્વિકાર્યું હતું કે ગાંધીનગરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જે 22 ટકા મતો મળ્યા છે તે ઓછા નથી. કારણ કે પાર્ટીએ પહેલીવાર ચૂંટણી લડી છે.

કેજરીવાલે ગુજરાતના આગેવાનોને કહ્યું હતું કે આમ આદમી પાર્ટી મજબૂત વિકલ્પ તરીકે ઉભરશે તો લોકો તેને આવકારશે. આપણને એવું લાગશે કે આપણે જીતવાના નથી તો લોકો તમને મત નહીં આપે. ચૂંટણીમાં જીતવાનો વિશ્વાસ હોવો જરૂરી છે. દિલ્હીના મુખ્યમંત્રીએ ગુજરાતન નેતાઓને વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરવાના કામે લાગે જવા અપીલ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp