ધીરેન્દ્ર શાસ્ત્રી ચાર્ટર્ડ પ્લેનમાં આવ્યા 'સંત પાસે પ્લેન ક્યાંથી આવ્યુંઃ નેતા

PC: patrika.com

બાબા બાગેશ્વર પાંચ દિવસના બિહાર પ્રવાસ પછી પરત ફર્યા છે, પરંતુ પટના એરપોર્ટથી તેમના પ્રસ્થાન દરમિયાન રનવે પર પહોંચતા ભક્તો હવે રાજકીય મુદ્દો બની રહ્યા છે. આ મામલે મહાગઠબંધન બાબાના સમર્થનમાં ઉતરેલી BJPને ઘેરવાનું શરૂ કરી દીધું છે. વાસ્તવમાં, જ્યારે બાબા બાગેશ્વર બુધવારે સાંજે પટનાથી નીકળ્યા ત્યારે એરપોર્ટ પર ભક્તોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. 

પહેલા પટના એરપોર્ટના ડિપાર્ચર ગેટ પર હંગામો થયો અને ત્યાર પછી બાબાના ભક્તો એરપોર્ટની અંદર રનવે પર દોડતા જોવા મળ્યા. ચાર્ટર્ડ પ્લેનથી રવાના થતાં પહેલા બાબાની આસપાસ ભક્તોનો ભારે જમાવડો હતો અને તેમના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. હવે આ સમગ્ર મામલાને લઈને એક તરફ એરપોર્ટ પ્રશાસન પર સવાલો ઉઠી રહ્યા છે, તો બીજી તરફ રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. 

બાબાના ભક્તો એરપોર્ટના રનવે પર પહોંચ્યા ત્યારે મહાગઠબંધને BJPને ઘેરી લીધો હતો. જનતા દળ યુનાઈટેડ (JDU) સીધું કહે છે કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આ મામલે તપાસ કરાવવી જોઈએ. JDUના મુખ્ય પ્રવક્તા અને MLC નીરજ કુમારે એ પણ કહ્યું છે કે, BJPએ જણાવવું જોઈએ કે, સનાતનવાળા એક સંતની પાસે ચાર્ટર્ડ પ્લેન ક્યાંથી આવ્યું? JDUના પ્રવક્તાએ કહ્યું છે કે, આ મામલે સામાન્ય લોકોની સુરક્ષા સાથે રમત ન રમી શકાય અને એરપોર્ટના નિયમોનો જાહેરમાં ભંગ કરવો યોગ્ય નથી. 

સાથે જ RJD પણ આ મામલે આક્રમક છે. RJDના પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ કહ્યું છે કે, પટના એરપોર્ટ પર અફઘાનિસ્તાન જેવો નજારો જોવા મળ્યો હતો. પટના એરપોર્ટ પર જે પણ થયું, કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ઉડ્ડયન મંત્રાલયે જવાબ આપવો જોઈએ, જે લોકો દોષિત છે, તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. RJDના પ્રવક્તાએ કહ્યું કે, દેશના બંધારણને મજાક બનાવી દેવામાં આવ્યો છે. 

જ્યારે, આ સમગ્ર મામલે BJP બાબાની સાથે ઉભેલી જોવા મળી રહી છે. બાબા બાગેશ્વરના સફળ પ્રવાસ થયા પછી BJP ઉત્સાહિત છે. BJPના ધારાસભ્ય હરિ ભૂષણ ઠાકુર બચૌલે કહ્યું છે કે, બાબા બાગેશ્વરના કાર્યક્રમની સફળતાને કારણે મહાગઠબંધન પરેશાન થઇ ગયું છે. જે લોકો પહેલા વિરોધ કરી રહ્યા હતા તેઓ હવે બાબાના કાર્યક્રમની સફળતા બાદ બહાનું શોધી રહ્યા છે. BJPના ધારાસભ્યએ કહ્યું છે કે, ભક્તોની ભીડને નિયંત્રિત કરવી મુશ્કેલ છે અને જો ભક્તો રનવે સુધી પહોંચી ગયા હોય તો ભૂતકાળમાં પણ નેતાઓ સાથે આવું થતું રહ્યું છે. 

વાસ્તવમાં, બુધવારે બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કથાની સમાપ્તિ પછી છતરપુર પરત ફરવા માટે ચાર્ટર્ડ પ્લેનમાં ઉડાન ભરી હતી. જ્યારે લોકોને ખબર પડી કે, બાબા પ્લેન મારફતે પાછા જઈ રહ્યા છે ત્યારે સેંકડો લોકો પટના એરપોર્ટ પર પહોંચી ગયા હતા. જેના કારણે ત્યાં ભારે ભીડ જોવા મળી હતી. જ્યારે, કેટલાક લોકો બાબાની એક ઝલક જોવા માટે રનવે પર પહોંચ્યા હતા. આ દરમિયાન એરપોર્ટ સુરક્ષાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખૂબ જ મુશ્કેલીથી ધીરેન્દ્ર શાસ્ત્રીને તેમના પ્લેન સુધી પહોંચાડવામાં આવ્યા. 

BJPના સાંસદ મનોજ તિવારીએ ધીરેન્દ્ર શાસ્ત્રી અને પોતાને ગુરુભાઈ કહ્યા હતા. આ સાથે તેણે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના પોસ્ટર પર કાળો રંગ લગાવવા અંગે કહ્યું હતું કે, જેમણે આ કર્યું છે, તેણે પોતાના મોઢા કાળા કર્યા છે. આ સાથે તેણે કહ્યું છે કે, બિહારના દરવાજા હવે બાબા માટે હંમેશા માટે ખુલી ગયા છે. બિહારના લોકોએ બાબાનો વિરોધ કરનારાઓને થપ્પડ મારી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp