પહેલીવાર ભારત આવેલા પારસીઓના સર્વોચ્ય ધર્મગુરુ પૌલાદી કોણ છે?
ઐતિહાસિક રીતે ભારત અને ઈરાનના પારસી સમુદાય વચ્ચે હંમેશા ગાઢ સંબંધ રહ્યો છે. 8મી સદીમાં આરબોના આક્રમણ પછી, ઈરાનમાંથી ઝોરોસ્ટ્રિયન ધર્મના અનુયાયીઓ પર્શિયા (હાલનું ઈરાન)થી ભાગીને ભારતના પશ્ચિમ કિનારે પહોંચ્યા હતા. ભારતમાં આ સમુદાય આગળ જઇને પછી પારસી તરીકે ઓળખાતો થયો. જો કે, ભારતમાં આવ્યા પછી, પારસી સમાજે તેના મૂળ સાથેનો સંપર્ક ગુમાવ્યો. 15મી સદી પછી ગુજરાતના એક પારસી નરીમાન હોશાંગ પારસી સમાજના મુળિયા શોધવ માટે ઇરાન ગયા હતા. એ પછી આગામી 300 વર્ષોમાં ભારત અને ઇરાનના પારસી પૂજારીઓ વચ્ચે અનેક વખત આદાન પ્રદાન થયા.
હોશાંગની યાત્રાની 5 શતાબ્દિઓ પછી હવે ઇરાનના જોરોસ્ટ્રિયન સમાજના પ્રમુખ ધર્મગુરુ મોબેદ મેહરબાન પૌલાદી પારસીઓ સાથે મુલાકાત કરવા અને સંબંધોને મજબૂત કરવા માટે ભારતની તેમની પહેલી સત્તાવાર યાત્રા પર આવ્યા છે. પૌલાદી ઈરાની મોબેદ પરિષદના પ્રમુખ છે, જે ઈરાનના પારસીઓની સર્વોચ્ચ ધાર્મિક સંસ્થા છે. આ રીતે તેઓ ઈરાની પારસીઓમાં સર્વોચ્ચ ધાર્મિક પદ ધરાવે છે.
પૌલાદી તેમની સાથે એક ટ્રાન્સલેટરને પણ સાથે લઇને આવ્યા છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, નરીમાન હોશાંગની યાત્રા પછી આ પહેલી ઉચ્ચ સ્તરીય ધાર્મિક યાત્રા છે. તેમણે કહ્યું કે,મેં ભારતની સત્તાવાર મુલાકાત લેવાનું નક્કી કર્યું અને પારસીઓ અહીં કેવી રીતે તેમની ધાર્મિક અનુષ્ઠાન અને સમારોહ કરે છે તે જોવાનું નક્કી કર્યું.
ઈરાની ઝોરોસ્ટ્રિયન ધર્મગુરુએ જણાવ્યું હતું કે, આ મુલાકાતનો હેતુ અમારા સમાજ વચ્ચે એકતા અને સહકારને પ્રોત્સાહન આપવાનો છે, જે ભવિષ્યની સંયુક્ત પહેલ માટે પાયો નાખશે. મારો એક મુખ્ય ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય અને ઈરાની પૂજારીઓ વચ્ચે સંયુક્ત સભાઓનું આયોજનના પ્રસ્તાવ કરવાનો છે.
રસપ્રદ વાત એ છે કે ઈરાનમાં, જે ભૂમિ પર પારસી ધર્મનો ઉદભવ થયો હતો, આજે ત્યાં આ ધર્મની ઘણી બધી વિધિઓ લુપ્ત થઈ ગઈ છે. પારસી સમુદાયના વેંડીદાદ અને નિરંગદિન જેવા ઉચ્ચ ધાર્મિક સમારંભો માત્ર ભારતમાં જ થાય છે. ઈરાનમાં આવું કોઈ કરતું નથી. પૌલાદીએ કહ્યું કે આ વિધિ છેલ્લે ઈરાનમાં 50 વર્ષ પહેલા કરવામાં આવી હતી.
ઈરાનમાં ઝોરોસ્ટ્રિયન ધર્મના લગભગ 22,000 અનુયાયીઓ છે. આજે ભારત પછી ઈરાન વિશ્વમાં બીજા નંબરની સૌથી મોટી વસ્તી ધરાવે છે. જો કે, કેટલાક સ્ત્રોતો ઇરાકના કુર્દિસ્તાન પ્રદેશમાં મોટી વસ્તીના અહેવાલ પણ આપે છે.પૌલાદીના કહેવા મુજબ, અમે નિયમિત રીતે મળીએ છીએ અને તહેવાર મનાવીએ છીએ. બાળકોને ધાર્મિક શિક્ષણ આપવામા આવે છે અને તેઓ સમાજની અંદર જ લગ્ન કરે છે. ઇરાની પારસીઓમાં છુટાછેડોનો દર અસાધારણ રીતે દુલર્ભ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp