INDIA ગઠબંધનમાં CM મમતાને આગળ કરીને અખિલેશનો પ્લાન શું છે?

PC: facebook.com/samajwadiiaksh

અખિલેશ યાદવ ફરી એકવાર રાહુલ ગાંધી સાથે રાજકીય સંબંધો ખતમ કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ફરક માત્ર એટલો છે કે, તાજેતરનું કારણ અગાઉના કારણથી સાવ અલગ છે. ત્યારે સાંભળવા મળ્યું હતું કે, અખિલેશ યાદવ રાહુલ ગાંધીના વર્તનથી ખુશ નથી, તેથી તેમણે ગઠબંધન તોડ્યું હતું.

તે સ્પષ્ટ છે કે, જો સમાજવાદી પાર્ટી કોંગ્રેસ સાથે વોટબેંક શેર કરશે તો ચોક્કસ તેને નુકસાન થશે. જો યાદવ મતોને બાજુ પર રાખવામાં આવે તો પણ, દલિત અને મુસ્લિમ મતદારોને ચોક્કસપણે કોંગ્રેસ સાથે મુશ્કેલી પડશે જ.

જે મતદારોના આધારે સમાજવાદી પાર્ટી UPના રાજકારણમાં ટકી રહી છે, કોંગ્રેસને પણ તેમનું સમર્થન છે. જો સમાજવાદી પાર્ટી તેના મતદારોને ગુમાવવા માંગતી નથી, તો એ પણ સાચું છે કે કોંગ્રેસ તેની જૂની વોટબેંક ફરી પાછી મેળવવા માંગે છે, અને હવે આખી લડાઈ આ મુદ્દાને લઈને છે.

અને આ લડાઈને આગળ લઈ જવા માટે અખિલેશ યાદવ INDIA બ્લોકમાં CM મમતા બેનર્જીનું નામ આગળ કરી રહ્યા છે. આમ કરીને તેઓ દેશના રાજકારણમાં ભલે રાહુલ ગાંધીનો મુકાબલો કરી શકે, પરંતુ તેઓ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના પ્રભાવને ખતમ નહીં કરી શકે. કરી શક્યા હોત, પરંતુ અખિલેશ યાદવે જ લોકસભાની ચૂંટણીમાં UPમાં કોંગ્રેસને ફૂલ સપોર્ટ આપ્યો હતો, તેનું પરિણામ તો તેમણે ભોગવવું જ પડશે.

ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવે અત્યાર સુધીમાં બે વાર કોંગ્રેસ સાથે અને એક વાર માયાવતીની BSP સાથે ચૂંટણી ગઠબંધન કર્યું છે. સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવ ક્યારેય આવા ગઠબંધનની તરફેણમાં નહોતા. BSP સાથે થયેલું ગઠબંધન માયાવતીએ જ તોડ્યું હતું, પરંતુ પહેલીવાર અખિલેશ યાદવે પણ કોંગ્રેસ સાથે ગઠબંધન તોડ્યું હતું અને બીજી વખત પણ તેમના તરફથી જ સંકેતો મળી રહ્યા છે.

તે તો તેમને પણ ખબર જ હશે કે માયાવતી સાથે ગઠબંધન અને રાહુલ ગાંધી સાથે હાથ મિલાવવામાં ઘણો મોટો ફરક છે. સામાન્ય રીતે કહીએ તો, કોંગ્રેસ સાથેનું જોડાણ BSP જેટલું ફાયદાકારક ન હોઈ શકે, પરંતુ તે નુકસાનકારક પણ નથી એમ કહી શકાય. જો કે, 2019ની લોકસભા ચૂંટણીમાં માયાવતી સાથે ગઠબંધન કરવાથી અખિલેશ યાદવને ફાયદો થયો ન હતો. 2014ની જેમ તેઓ માત્ર 5 બેઠકો જ જીતી શક્યા હતા, તેમને નુકસાન એ હતું કે ડિમ્પલ યાદવ પણ ચૂંટણી હારી ગઈ હતી.

સવાલ એ છે કે CM મમતા બેનર્જી INDIA બ્લોકના નેતા બનવાથી અખિલેશ યાદવને વધુ ફાયદો થશે કે પછી રાહુલ ગાંધી સાથે ગઠબંધન તોડવાથી?

જો અખિલેશ યાદવ પાસે રાષ્ટ્રીય રાજનીતિને લઈને કોઈ યોજના હોય તો તે અલગ વાત છે, CM મમતા બેનર્જીને આગળ કરીને તેઓ રાહુલ ગાંધીના માર્ગમાં અવરોધો ઉભા કરી શકે છે, અને જો અખિલેશ યાદવને લાગે કે, CM મમતા બેનર્જીને લાંબા સમય સુધી સમર્થન મળવાનું તો છે જ નહીં. તેથી, ત્યાર પછી તેઓ આગળનો રસ્તો બનાવી શકે છે.

હાલમાં જ કરહલ પેટાચૂંટણી દરમિયાન ડિમ્પલ યાદવના જે રીતે વખાણ થઇ રહ્યા હતા તે જોતા બની શકે છે કે, UPમાં પણ ડિમ્પલને આગળ કરવાના પ્રયાસો થઈ રહ્યા હોય.

પરંતુ, બોટમ લાઇનથી જોઈએ તો એવું લાગે છે કે કોંગ્રેસનું સમર્થન ભલે BSP જેટલું ફાયદાકારક નહીં હોય, પરંતુ સમાજવાદી પાર્ટી માટે તે ચોક્કસપણે જરૂરી તો છે જ. કારણ કે, એવું લાગતું નથી કે, અખિલેશ યાદવ એકલા હાથે BJPને હરાવીને UPમાં ફરી સત્તા હાંસલ કરી શકશે.

રાહુલ ગાંધીના ટ્રેક રેકોર્ડ પર નજર કરીએ તો, શરૂઆતથી જ તેઓ દલિત અને મુસ્લિમ મતદારોનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભૂતકાળમાં દલિતોના ઘરે જઈને ખાવાનું ખાવાની હરકતોને કારણે તેમને માયાવતીના રોષનો ભોગ પણ બનવું પડ્યું હતું. માયાવતી કહેતી રહી છે કે, રાહુલ ગાંધી જ્યારે પણ દલિતોના ઘરેથી પાછા ફરે છે ત્યારે ઘરે જાય છે અને ખાસ પ્રકારના સાબુથી સ્નાન કરે છે.

રાહુલ ગાંધી મુસ્લિમ મત મેળવવા માટે અયોધ્યાથી અંતર રાખી રહ્યા છે. વચ્ચે તેઓ થોડા દિવસો સુધી સોફ્ટ હિંદુત્વના પ્રયોગો કરતા રહ્યા અને તેમને ભગવાન શિવના ભક્ત તરીકે પણ રજૂ કરવામાં આવ્યા, પરંતુ જેમ જેમ રામ મંદિરના ઉદ્ઘાટનનો પ્રસંગ નજીક આવ્યો, તેમણે તેનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવો પડ્યો.

રાહુલ ગાંધીની હાથરસ અને સંભલની તાજેતરની મુલાકાત પણ દલિત અને મુસ્લિમ મતો અંગે કોંગ્રેસની અસ્વસ્થતાને પ્રતિબિંબિત કરે છે, અને તે વસ્તુ અખિલેશ યાદવને સૌથી વધારે પરેશાન કરી શકે છે.

ઉપરાંત આઝમ ખાનની નારાજગી અખિલેશ યાદવને અલગથી ભારે પડી રહી છે. 2022ની UP ચૂંટણી પછી મુસ્લિમ ધારાસભ્યોએ આઝમ ખાનને નજરઅંદાજ કરવાના બહાને અખિલેશ યાદવને ડરાવી દીધા હતા, અને અખિલેશ યાદવને પત્ર લખીને જાણે આઝમ ખાને આગમાં બળતણ ઉમેર્યું હોય તેમ લાગી રહ્યું છે.

આમ જોવા જઈએ તો પત્રમાં આઝમ ખાનનું નિશાન કોંગ્રેસ તરફ છે, પરંતુ લાગે છે કે, તેઓ અખિલેશ યાદવ કરતાં રાહુલ ગાંધીને વધુ પસંદ કરવા લાગ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp